ગોરાડુ : કાંપજન્ય (alluvial) જમીનનો એક પ્રકાર. ગુજરાત પ્રદેશની જમીન સાત પ્રકારની છે : કાળી, કાંપવાળી, રાતી, ક્ષારવાળી અને ખારી, રણની રેતાળ, જંગલની ફળદ્રૂપ અને ડુંગરાળ. તેમાં કાંપવાળી જમીનના ત્રણ પેટાવર્ગો છે : ભાઠાની ગોરાડુ અને રેતાળ; પોચી, રેતાળ (બેસર) અને રતાશ પડતી માટીવાળી તે ગોરાડુ જમીન.

કાંપના ઝીણા રજકણો 0.02 થી 0.002 મિમી. સુધીના હોય છે. આ જમીનમાં માફકસર નિતાર હોય છે, જેથી કસ જળવાઈ રહેવા ઉપરાંત પોષક તત્વોનું પ્રમાણ તેમજ તેની ભૌતિક શક્તિ પણ મૂળના વિકાસ માટે સાનુકૂળ હોય છે. આવી જમીન ફળઝાડ તેમજ વનસ્પતિના વિકાસ માટે ઉત્તમ ગણાય છે. મુખ્યત્વે કાંપના રજકણો ક્વાર્ટ્ઝ (quartz) કે ફેલ્સ્પારના બનેલા હોય છે. રેતીના રજકણો કરતા કાંપના રજકણોમાં વધુ પ્રમાણમાં પોષક તત્વો જળવાઈ રહે છે.

આથી ઊલટું સખત, ભારે, કાળી જમીનમાં નિતારનો અભાવ હોવાથી તે ફળદ્રૂપ હોવા છતાં ફળઝાડ માટે અનુકૂળ રહેતી નથી, ત્યારે ગોરાડુ જમીનમાં જળનિકાલ સારો થવાથી તેમાં આંતરખેડ સરળતાથી થઈ શકે છે. ઉપરાંત તેનું તાપમાન પણ સહેજ ઊંચું રહે છે જેથી જમીનમાં કીટાણુઓનો વિકાસ સારો થતાં પાકની વૃદ્ધિ થાય છે. વળી, આવી જમીન પ્રમાણમાં વહેલી ખેડી શકાતી હોવાથી તેમાં વાવેતર વહેલું કરી શકાય છે. ઉપરાંત ગોરાડુ જમીનમાં ઉપલા પડમાં ક્ષાર એકત્ર થવાની દહેશત રહેતી નથી. જો ગોરાડુ જમીન એકસરખા રંગની હોય તો તેની પારગમ્યતાને લીધે જળનિકાલ માટે કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર પડતી નથી. જો તેમાં પીળી માટી દેખાય તો તે માટી અપારગમ્ય હોતાં તેમાં જળનિકાલની જરૂર પડતી હોય છે. ગોરાડુ અને માટિયાળ જમીનના કદના હિસાબે અંગારવાયુનું પ્રમાણ 0.60થી 0.65 % જેટલું હોય છે જે રેતાળ જમીનમાંના અંગારવાયુ કરતાં બમણું હોય છે. આમ ગોરાડુ જમીન વિવિધ પાક લેવા માટે સારી ગણાય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ