કાબા : વિશ્વભરના મુસ્લિમોનું સૌથી વધુ પવિત્ર સ્થળ. સાઉદી અરબસ્તાનના, નાની પહાડીઓથી ઘેરાયેલા જગવિખ્યાત મક્કા શહેરની મસ્જિદે હરમ(પવિત્ર મસ્જિદ)ની લગભગ વચ્ચોવચ આવેલી ઘનાકાર કક્ષ જેવી ઇમારત, જે ‘બૈતુલ્લાહ’ (અલ્લાહનું ઘર) કહેવાય છે. ‘કાબા’ શબ્દ મૂળ ‘ક્રઅબ’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે તેવું એક વિધાન છે. ‘બૈતુલ હરમ’ અર્થાત્ પવિત્ર ઘરના ઉપનામથી પણ ઓળખાતી આ ઇમારત માટે ‘બક્કા’ શબ્દ પણ વપરાય છે. બક્કા એટલે અરબી ભાષામાં ‘ભાંગી નાંખવું’. એમ મનાય છે કે તે મનસ્વી અને બંડખોર માણસોનાં માથાં ભાંગી નાખે છે માટે ‘કાબા’ કહેવાય છે. મક્કા શહેરની પવિત્ર બક્કા ભૂમિ પર આ પહેલાં ઇમારત બનાવવામાં આવ્યાનો ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં નિર્દેશ છે. કાબાને ‘બૈતુલઅતીક’ અર્થાત્ મનસ્વી અને બંડખોર વ્યક્તિઓના કબજામાંથી સ્વતંત્ર થયેલું સ્થાન એમ પણ કહેવામાં આવે છે.
બાહ્ય દેખાવમાં કાબાની ઇમારત સમચોરસ કે સમઘન લાગે છે પરંતુ તેની પૂર્વ ને પશ્ચિમ દીવાલો લંબાઈમાં 12.19 મી. અને ઉત્તર-દક્ષિણની દીવાલો 10.66 મી. છે. ઊંચાઈ 15.24 મી. છે.
કાબાના નિર્માણનો ક્રમબદ્ધ ઇતિહાસ ઈ. સાતમી સદીના પ્રારંભથી મળે છે. ઇબ્ને અબ્બાસ અને ઇમામ હુસેનના પુત્ર હજરત ઝૈનુલ આબિદીનના કહેવા મુજબ અરબ ઇતિહાસકારોએ કાબાનો પાયો ફિરસ્તા દ્વારા નંખાયો હોવાનું નોંધ્યું છે (અલ અરઝક-કૃત ‘અખબારે મક્કા’ તથા અન નવાબીકૃત ‘તહઝીબુ અસ્માઈલ્લુગાત’). મશહૂર મુહદ્દિસ અબ્દુર્રઝાક ‘અલ મુસન્નફ’ પુસ્તકમાં લખે છે કે પ્રથમ માનવી તથા પયગંબર હજરત આદમે કાબાના બાંધકામ માટે લુબ્નાન, તૂરેસીના, તૂરેમીના, અલ-જૂદી તથા હરા એમ પાંચ પર્વતોના પથ્થરોનો ઉપયોગ કર્યો હતો, જ્યારે તબરીના કથન મુજબ હરા પર્વતના પથ્થરોનો ઉપયોગ થયો હતો. હાફિઝ ઇબ્ન હજર અલ-અસ્કલાનીએ તેમના ‘ફતહુલ-બારી’ પુસ્તકમાં લખ્યું છે કે હજારો વર્ષો વીતવા સાથે આ ઇમારત ખંડેર થઈ ગઈ બલકે તેના અવશેષો પણ નષ્ટ થઈ ત્યાં માત્ર ટેકરો અવશેષરૂપ રહ્યો, જેને અલ્લાહે કુરાનમાં બક્કાનું નામ આપ્યું. ત્યાં કાબાનો જીર્ણોદ્ધાર કરવાના ઈશ્વરી આદેશ મુજબ હજરત ઇબ્રાહીમે પોતાના પુત્ર હજરત ઇસ્માઇલની મદદથી તે જગ્યાએ ખોદકામ શરૂ કર્યું અને ત્યાં ભૂતપૂર્વ ઇમારતના અવશેષો મળી આવ્યા. આ અવશેષો પર કાબાનું કામ તેમના કબીલાના હસ્તક રહ્યું. પરંતુ હજરત ઇબ્રાહીમ દ્વારા થયેલા નવનિર્માણ વિશે કુરાનમાં ઉલ્લેખ નથી. કુરાનમાં તો આ ભૂમિ પર હજરત ઇબ્રાહીમે પ્રથમ આ મકાન બંધાવ્યું તેનો ઉલ્લેખ છે. (સુરા આલ ઇમરાન, આયત 96, 97).
કાબાની આ ઇમારતને વરસાદના લીધે અવારનવાર નુકસાન થતું રહ્યું. તેનું સમારકામ હજરત ઇસ્માઇલના શ્વશુરપક્ષવાળા કબીલા બનુ જુર્હમે કર્યું હોવાના ઉલ્લેખો મળે છે. અલ મસૂદીના કહેવા મુજબ આ કબીલાની અલ-હારિસ-બિન મુદાદ અલ અસગર નામની વ્યક્તિએ આ કામની પહેલ કરી. બનુ જુર્હમ તેમજ હજરત ઇસ્માઇલના વંશજ બનુ કુરેશ દ્વારા કાબામાં પ્રથમ વાર મૂર્તિઓ મૂકવામાં આવી અને મૂર્તિપૂજાનો આરંભ થયો. થોડા સમય પછી કાબાનો વહીવટ પૂરેપૂરો કુરેશના હસ્તક આવ્યો. તત્પશ્ચાત્ ઇસ્લામના આગમન પહેલાં ઇજિપ્ત તથા સીરિયાના બાદશાહ દ્વારા પણ તેનું સમારકામ થયું હતું. ઈ. સ. 606માં ફરી તેને નુકસાન પહોંચતાં મક્કાના બનુ કુરેશે (કુરેશ કબીલાના લોકોએ) તેનું પુનર્નિર્માણ શરૂ કર્યું. પણ નાણાંની અછતને કારણે બાંધકામમાં 5.486 મી. જેટલી જગ્યા છોડી દેવામાં આવી. ઈ. સ. 683માં હજરત અબ્દુલ્લાહ બિન-ઝુબૈરે કાબાનો ફરી ઉદ્ધાર કર્યો, ત્યારે આ જગ્યા ઇમારતમાં સમાવી દેવામાં આવી. તેના દસ વર્ષ પછી હજ્જાજ બિન સકફીએ કાબા પર આક્રમણ કરતાં કાબાની ભીંતોમાં તિરાડ પડી અને ત્યાં મૂકવામાં આવેલ દૈવી પથ્થર ‘હજ્રે અસ્વદ’(કાળો પથ્થર)ના ત્રણ ટુકડા થઈ ગયા. તુર્કોના અરબ દેશો પરના વર્ચસના સમયમાં સત્તરમા શતકના પહેલા દસકા(ઈ. સ. 1605)માં કાબાની ઇમારતને પૂરથી નુકસાન પહોંચતાં તુર્કીના સુલતાન મુરાદે કાબાની નવી ઇમારત બંધાવી. કાબાની આજની ઇમારત તે તુર્કીના સુલતાને બંધાવેલી ઇમારત છે. અત્યારની ઇમારતમાં ભૂરા આછા વાદળી પથ્થરો વપરાયા છે.
કાબા એક મોટા ઊંચી છતવાળા કક્ષ સમાન છે. ઇસ્લામ ધર્મની સ્થાપના પૂર્વે ત્યાં બનુ જુર્હમ તથા બનુ કુરેઝાએ હુબુલ લાત, મનાત, ઉઝ્ઝા ઇત્યાદિ દેવદેવીઓની મૂર્તિઓ મૂકી હતી, જે હજરત મુહંમદ પયગંબર સાહેબે ઈ. સ. 629ના મક્કા-વિજય પછી ત્યાંથી ખસેડીને ફેંકી દીધી.
કાબા પર કિસવા [જેને ઇજિપ્તમાં ‘અલ બુરકુઅ’ (બુરખો) કહે છે. ખોળ કે ગલેફ] ચડાવવાની પ્રથા પ્રાચીન યુગથી પ્રચલિત હોવાનું જણાય છે. કાબા બહારની ચારે ભીંતોને ઢાંકતો સોનાચાંદીના ભરતકામવાળો કાળો રેશમી ગલેફ ઈ. સ. તેરમી સદીનાં વચલાં વર્ષોથી ઇજિપ્તના મમ્લૂક બાદશાહોના સમયથી કૅરોથી તૈયાર કરી ધામધૂમથી મોકલવામાં આવે છે. ઈ. સ. 1964માં પાકિસ્તાને પણ આ ગલેફ તૈયાર કરાવી મોકલ્યો હતો. થોડા સમય માટે હિજરી વર્ષના જિલકદ માસની 25 કે 28 તારીખે જૂનો ગલેફ ઉતારી લઈ તેની જગ્યાએ કાબાને સફેદ કપડાથી (જેને ‘અહરામ’ કહેવામાં આવે છે) ઢાંકી દેવામાં આવતો અને ત્યારપછી બેએક સપ્તાહ બાદ હજની સમાપ્તિ પર (જિલહજ માસની નવમી તારીખે) આ ‘અહરામ’ ઉતારી લઈ નવો ગલેફ ઢાંકવામાં આવતો. હજ પહેલાં કાબાના રક્ષક કહેવાતા સાઉદી અરબસ્તાનના બાદશાહ કાબાને પાણી વગેરેથી ધોઈ સાફ કરવાની રસમ અદા કરે છે. જૂના ગલેફના નાના ટુકડા હજયાત્રીઓ હોંસથી ખરીદી યાદગીરી રૂપે લઈ જાય છે.
કાબાની ઇમારત જેની વચ્ચે આવેલી છે તે મસ્જિદે હરમનું ભોંયતળિયું આરસનું છે. કાબાના ઉત્તર દિશામાં આવેલા માત્ર એક જ દરવાજાની સામે એક નાની સ્મારકરૂપ ઇમારત છે, જે મુકામે ઇબ્રાહીમ કહેવાય છે. ત્યાં હજરત ઇબ્રાહીમે ઇબાદત કરી હતી. તેની ઉત્તરમાં ઝમઝમનો વિખ્યાત કૂવો છે. હવે આ કૂવો મસ્જિદની સપાટીથી બહુ નીચે આવી ગયો છે અને ત્યાં જવા માટે આરસની લાંબી સીડીઓ બાંધવામાં આવી છે. નળ દ્વારા તેનું પાણી ત્યાં તેમ જ ઉપર મસ્જિદના ભાગમાં લઈ જવામાં આવે છે.
આ ‘બૈતુલ્લાહ’(અલ્લાહના ઘર)ની પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછી એક વાર મુલાકાત લેવી તે દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે ફરજિયાત ગણાય છે; આ મુલાકાત દરમિયાન ધર્મસ્તોત્રો, કુરાનસૂત્રો, યાચનાઓ ઇત્યાદિનું રટણ કરતાં કરતાં કાબા ફરતાં ચક્કરો મારવામાં આવે છે, જે ‘તવાફ’ કહેવાય છે. કાબાની મુલાકાત, તેની ફરતે લેવાતા તવાફ તથા તેની સાથે કુરબાની તેમજ મીના અને અરફાના મેદાનમાં હાજરી આપવી ઇત્યાદિ ફરજિયાત નિશ્ર્ચિત દિન અને સમયે કરાતી ક્રિયાઓ હજ કહેવાય છે. હજ કરનાર પુરુષને હાજી અને સ્ત્રીને હાજિયાણી કહેવામાં આવે છે.
કાબામાં ઇસ્લામના સમયથી જ લડાઈ, ઝઘડો, શિકાર કે એવું કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરવું ‘હરામ’ (પ્રતિબંધિત) ગણાય છે.
કાબા મુસ્લિમોનો ‘કિબ્લો’ (કેન્દ્રીય ધર્મસ્થાન) કહેવાય છે. ઈ. સ. 623માં મુસ્લિમો માટે નમાજ ફરજિયાત થવા સાથે કાબા તરફ મુખ રાખવાનો ઈશ્વરી આદેશ થયો હતો. ઈ.સ. 622ની હિજરત (મક્કાથી મદીના પ્રયાણ) પછી ત્યાં થોડો સમય પૅલેસ્ટાઇન(હાલ ઇઝરાયલ)સ્થિત જેરૂસલેમની મસ્જિદે અકસા તરફ મોઢું રાખીને નમાજ પઢવાનો ઈશ્વરી આદેશ થયો. પણ હજરત મુહંમદ પયગંબર સાહેબની તીવ્ર ઇચ્છા મુજબ ફરી મક્કામાં કાબા તરફ મોઢું રાખી નમાજ પઢવાનો ઈશ્વરી આદેશ થયો. આજે સમગ્ર વિશ્વના મુસ્લિમો, કોઈ પણ સંપ્રદાય કે પંથમાં માનતા હોય તોપણ નમાજ પઢતી વખતે કાબા તરફ મોઢું રાખે છે. ભારતથી કાબા પશ્ચિમ દિશાએ આવેલું હોઈ ભારતીય મુસ્લિમો નમાજમાં પશ્ચિમ દિશામાં કાબા તરફ મોઢું રાખે છે અને તેથી ભારતની બધી મસ્જિદોનું બાંધકામ તે મુજબ કરવામાં આવે છે. સાધારણ રીતે મસ્જિદોની પશ્ર્ચિમ દીવાલમાં કિબ્લાકાબાની દિશા સૂચવનારા પ્રતીકરૂપ મિનારા જેવો સ્તંભ ચણી લેવામાં આવે છે. કાબાની ઈશાને આવેલી દીવાલમાં આશરે 2.134 મી. ઊંચા દરવાજાથી પૈડાંવાળી લાકડાની નિસરણી મૂકી અંદર જવાય છે. અંદર ત્રણ લાકડાના દરવાજા પર છત બનાવેલી છે, તેમાં સોનાચાંદીના દીવા લટકાવવામાં આવ્યા છે. છત પર જવા માટે લાકડાની નિસરણી મૂકેલી છે. અંદર દીવાલ પર ઇમારત વિશેના અભિલેખો કોતરેલા છે. અંદર ભોંયતળિયું આરસના પથ્થરનું છે. કાબાના પૂર્વ ખૂણે આશરે 1.524 મી.ની ઊંચાઈએ એકાદ ફૂટ વ્યાસવાળો હજ્રે અસ્વદ (કાળો પથ્થર) ચણી લેવામાં આવેલ છે. દરવાજા અને હજ્રે અસ્વદ વચ્ચેનો દીવાલનો ભાગ અલ મુલ્તઝમ કહેવાય છે, જેનો સ્પર્શ પવિત્ર મનાય છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ