કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher) : માછીમારનો રાજા કહેવાતું ભારતમાં બધે જોવા મળતું એક સુંદર પંખી. ભારતમાં તેની ઘણી  જાતો છે. તેમાં કાબરો કલકલિયો મુખ્ય છે. તેનું શાસ્ત્રીય નામ છે : Ceryle rudis. તેનો સમાવેશ Coraciiformes શ્રેણી અને Alcedinidae કુળમાં થાય છે. ચાંચથી પૂંછડી સુધીનું તેનું કદ 30 સેમી. એટલે કાબર જેવડું હોય છે. તેમાં તેની ચાંચ જ 7.5 સેમી. લાંબી હોય છે. તેને હિંદીમાં કોટયાલા, કિલકિલા, અથવા કરોના કહે છે. તેનું કચ્છી નામ કિરકિરિયા છે.

માથે કાળો રંગ અને સુંદર કલગી પણ હોય છે. તેમાં સફેદ રેખાઓ શોભે છે. તેની આંખ પરની ભમર સફેદ હોય છે અને કાળી રેખા આંખને સ્પર્શતી નીકળે છે. તેની પીઠ અને પાંખો કાળાધોળા રંગના મિશ્રણવાળી હોય છે; પૂંછડી પણ એવી જ હોય છે. નીચેનો ભાગ રૂપેરી સફેદ હોય છે. તેની છાતી પર 2 કાળા પટ્ટા હોય છે. તેમાં ઉપલો પટ્ટો વધુ પહોળો હોય છે. ગળા પર કાળાં ટપકાં હોય છે. તેવાં ટપકાં પેટાળના પડખામાં પણ હોય છે. માદાને છાતીના આવા 2 કાંઠલા હોતા નથી; તેને ફક્ત ઉપલો પટ્ટો હોય છે અને તે પણ સળંગ નથી હોતો. ચાંચ ભાલા જેવી કાળી, લાંબી ને મજબૂત હોય છે.

કાબરો કલકલિયો

આ પંખીની ખૂબી તેની ઉડાનમાં અને માછલી પકડવામાં રહેલી છે. તે પાણીથી 30 સેમી. ઊંચે ઊડતો ઊડતો અચાનક હવામાં અટકીને એક સ્થળે ઝડપભેર પાંખો વીંઝી પૂંછડીભર સ્થિર થઈ જાય છે અને પછી પાંખો બંધ કરી ઊંધા માથે વીજળીક વેગે પાણીમાં કૂદી પડે છે અને ઊડતાં ઊડતાં જ પાણીમાંની માછલી પકડવા ક્ષણેક અર્દશ્ય થઈ જાય અને તુરત માછલી સાથે બહાર નીકળી કિનારાની ભેખડે બેસી તેને ગળી જાય છે. ઘણી વાર ખાલી ચાંચે પણ તેને પાછા ફરવું પડે છે. ક્યારેક માછલી ચાંચમાંથી સરકી જાય તો તેની ઉપર મુજબની કસરત વધી જાય છે; આમ કલાકો સુધી હવામાં સ્થિર થઈ તે પાંખો ફફડાવ્યા કરે, પાણીની સપાટી સુધી જઈ પાછો પણ ફરે અને માછલી દેખાતાં ફરી પાછો ઊંધે માથે ખાબકે છે. માછલી આરોગ્યા પછી ‘ચીરીરિક’ કે ‘કલલિક’ એવો અવાજ કરતો ઊડે છે.

તે નદી, તળાવ કે દરિયાકાંઠે જોડીમાં કે વધુ સંખ્યામાં જોવા મળે છે. એની માદા નદી-તળાવને કાંઠે કે ભેખડોમાં 1.5 મીટર ઊંડું દર કરી છેડે પહોળા ઓરડા જેવું બનાવી તેમાં 4થી 6 સફેદ ઈંડાં મૂકે છે. તે હિમાલયમાં 4,000 મી. ઊંચે પણ જોવા મળે છે. એની વસ્તી ઇજિપ્તથી ચીન સુધી ફેલાયેલી છે.

બળદેવભાઈ કનીજિયા