ઍસ્પર્જિલેસિસ (aspergillesis) : માનવોમાં મોટેભાગે Aspergillus fumigates નામની ફૂગથી થતો રોગ. તાપમાન ઊંચું હોય તેવા સ્થળે સડતી વનસ્પતિ અને મિશ્ર ખાતરના ઉકરડામાં આ ફૂગ સારા પ્રમાણમાં ઊગે છે. ખેડૂતો તે જગ્યા સાથે વિશેષ સંપર્કમાં આવતા હોવાથી તેમને આ રોગ થાય છે. આ રોગનો દરદી દમ અને શરદીથી પીડાય છે. આ ફૂગના પ્રતિજન(antigen)ને કારણે શરીરમાં થતી વિપરીત અસરથી એસ્પર્જિલેસિસ રોગ પેદા થાય છે. આ ફૂગના બીજાણુઓ(spores)ના અંકુરણથી બનેલા તંતુઓ રુધિરમાં પ્રવેશવાથી રુધિર ગંઠાઈ જવાની શક્યતા ઊભી થાય છે.
પક્ષીઓમાં આ રોગ મોટેભાગે જીવલેણ નીવડે છે. ઘેટાં અને અન્ય સસ્તનોમાં આ રોગની ઝેરી અસરથી ગર્ભપાત થાય છે.
યુ. એમ. દેસાઈ