ઍસ્પિરિન (aspirin) : સેલિસિલિક ઍસિડનો ઍસેટાઇલ વ્યુત્પન્ન. (ઍસેટાઇલ સેલિસિલિક ઍસિડ.)

સેલિસિલિક ઍસિડ સાથે સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં એસેટિક એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયાથી તે મેળવાય છે. ગંધવિહીન (ભેજવાળી હવામાં જલવિઘટન થતાં છૂટા પડેલ એસેટિક ઍસિડની વાસ આવે છે.), સ્ફટિકમય સફેદ ઘન પદાર્થ; પાણીમાં અલ્પદ્રાવ્ય (1 : 300), આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મમાં વધુ દ્રાવ્ય. ગ.બિં. 1350 સે., વિ. ઘ. 1.40; કૅલ્શિયમ ક્ષાર વધુ જલદ્રાવ્ય 1 : 6. જર્મનીની બેયર ઍન્ડ કંપનીના હૉફમૅન નામના રસાયણજ્ઞે પોતાના સંધિવાગ્રસ્ત પિતા માટે સેલિસિલિક ઍસિડનો વધુ સહ્ય વ્યુત્પન્ન શોધી કાઢવા આ સંયોજન બનાવ્યું (1898), જેની ભેષજગુણવિજ્ઞાની ડ્રેસરે ચકાસણી કરી તેનું નામ ઍસ્પિરિન પાડ્યું અને તે ઔષધ તરીકે સૌપ્રથમ વપરાશમાં આવ્યું.

ઍસ્પિરિન જ્વરશામક (antipyretic), પીડાશામક (analgesic) અને શોથરોધી ગુણો ધરાવે છે. તેથી તે તાવમાં, માથાના દુખાવામાં, સ્નાયુ અને સાંધાના દુખાવામાં, સંધિવા(arthritis)માં, હૃદયના હુમલાની શક્યતાવાળા દરદીમાં રુધિરગઠન રોકવા વગેરેમાં ઉપયોગી છે. ઍસ્પિરિન સામાન્ય રીતે નિરાપદ ઔષધ ગણાય છે. પણ તે જઠરની ત્વચા ઉપર દાહક અસર ઉપજાવી રુધિરસ્રાવ કરે છે. ઍસ્પિરિન સાથે વધુ પાણી લેવું હિતાવહ છે. ઍસ્પિરિન પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ અટકાવી તેની જૈવિક અસર ઉપજાવે છે તેવો એક મત છે.

પ્રવીણસાગર સત્યપંથી