ઍસેટોબૅક્ટર : સૃષ્ટિ : પ્રોકેરિયોટા; વર્ગ : સ્કિઝોમાયસેટેસ; શ્રેણી : સ્યૂડોમોનેડેલ્સ; કુળ : ઍસેટોબૅક્ટેરેસી; પ્રજાતિ : ઍસેટોબૅક્ટર.

ઇથાઇલ આલ્કોહૉલને એસેટિક ઍસિડ(વિનેગર)માં રૂપાંતર કરનાર દંડ આકારના ગ્રામઋણી વાયુજીવી બૅક્ટેરિયા. એસેટિક ઍસિડના ઉત્પાદન સાથે સંકળાયેલા હોવાથી તે સામાન્યપણે એસેટિક ઍસિડ બૅક્ટેરિયા તરીકે ઓળખાય છે. તે શાકભાજી, ફળ, ખાટાં ફળના રસ અને વિનેગર વગેરેમાંથી મળે છે. દંડ રૂપે આવેલા આ બૅક્ટેરિયા અલગ અલગ, જોડમાં અને હારમાળામાં ગોઠવાયેલા હોય છે. એક સમયે એસેટિક ઍસિડ ઉદ્યોગ માટે તે અગત્યના ગણાતા હતા. હાલમાં ફક્ત વિનેગરના ઉત્પાદનમાં તેનો ઉપયોગ થાય છે.

A ઝાયલિનમની મદદથી સેલ્યુલોઝનું ચીકણું સ્તર બનાવાય છે, જ્યારે A સબ-ઑક્સિડાન્સનો ઉપયોગ ઍસ્કોર્બિક ઍસિડ અને ટાર્ટરિક ઍસિડના ઉત્પાદનમાં થાય છે.

હરિવદન હીરાલાલ પટેલ