એસોસિયેશન (વનસ્પતિ)

January, 2004

એસોસિયેશન (વનસ્પતિ) : વનસ્પતિ-પરિસ્થિતિવિજ્ઞાનના અભ્યાસમાં વનસ્પતિસમાજોના વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ. અમેરિકન પ્રણાલિકા પ્રમાણે ઉદભવ પામેલી ક્લીમેંટ્સની પદ્ધતિ હાલમાં બહોળો ફેલાવો ધરાવે છે. ક્લીમેંટ્સ(1916)ના મત મુજબ વનસ્પતિસામાજિક (phytosociological) ષ્ટિએ વનસ્પતિસમાજમાં મુખ્યત્વે નીચે પ્રમાણેના ચાર એકમો જોવા મળે છે : (1) વનસ્પતિનિર્માણ (plant formation), (2) સંગઠન (association), (3) સહવાસ (consociation), (4) સમાજ (society). આ પદ્ધતિમાં જાતિના પ્રભુત્વ અને અનુક્રમને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારાયેલ છે.

એસોસિયેશન : વનસ્પતિસંઘટન એ કોઈ પણ આબોહવાકીય પરિસ્થિતિમાં વિકાસ પામેલ પરાકાષ્ઠા કે ચરમાવસ્થાનો તબક્કો છે અને તેનો વિસ્તાર વિશાળ હોય છે. આવા વનસ્પતિસંઘટન સમાજમાં બે કે વધુ પ્રભુત્વ ધરાવતી વનસ્પતિઓવાળાં કેટલાંક એસોસિયેશન આવેલાં હોય છે. આમ વનસ્પતિસંઘટનમાંની બે કે વધુ જાતિઓના પ્રભુત્વવાળા નાના વનસ્પતિસમાજને એસોસિયેશન કહે છે. કોઈ પણ વનસ્પતિસંઘટનમાં આવેલાં એસોસિયેશનોની સંખ્યા, તે સ્થાનના સામાન્ય આબોહવામાં રહેલા ઉપ-આબોહવાકીય પ્રકારો પર નિર્ભર છે. આમ, એસોસિયેશન એ દેખાવ, રચના અને વાનસ્પતિક પ્રકારોની ર્દષ્ટિએ વધુ એકરૂપતા અને સમાનતા ધરાવે છે. એક જ વનસ્પતિસંઘટનમાંના એસોસિયેશન તેના વાનસ્પતિક પ્રકારોમાં ભિન્નતા ધરાવે છે. એસોસિયેશનના વિકાસતબક્કાના વાનસ્પતિક સમાજોને એસોસિઝ કહે છે. ક્યારેક આબોહવામાંના કોઈક પરિબળોના સ્થાનિક ફેરફારોને કારણે નીચે મુજબના બે પેટાપ્રકારો વિકાસ પામે છે.

(1) ફેસિયેશન : સામાન્ય આબોહવાકીય સ્થિતિમાંના તાપમાન અને જમીનની ભીનાશમાંના નાના સરખા તફાવતને કારણે એસોસિયેશનનો આ સ્થાનિક પ્રકાર અસ્તિત્વમાં આવેલ છે. અહીં પણ એસોસિયેશનની જેમ જ બે કે વધારે જાતિઓનું પ્રભુત્વ હોય છે. એસોસિયેશનની સામાન્ય આબોહવા કરતાં અહીં તાપમાન, બાષ્પીભવનનું પ્રમાણ, પાણીની ઉપલબ્ધિ અંગેના ફેરફારો વગેરે ભિન્ન હોય છે. ફેસિયેશનના વિકાસતબક્કાઓના વાનસ્પતિક સમાજોને ફેસિઝ કહે છે.

(2) લોસિયેશન : એસોસિયેશનમાંના સ્થાનિક ફેરફારોને કારણે પ્રાથમિક અને દ્વિતીય પ્રભુત્વ ધરાવતી વનસ્પતિ જાતિઓ બદલાય છે અને આ સંદર્ભમાં તે એસોસિયેશનથી અલગ પડે છે. લોસિયેશનના વિકાસતબક્કાઓના વાનસ્પતિક સમાજોને લોસિઝ કહે છે.

પૂર્વ હિમાલયના ઉષ્ણકટિબંધીય વનસ્પતિપટ્ટામાં શોરિયા, ટર્મિનાલિયા અને ગેટુગા આ ત્રણેય પ્રભાવી જાતિઓ મળીને એસોસિયેશન રચે છે. હિમાલયનાં સમશીતોષ્ણીય જંગલોમાં દેવદાર (cedrus deodara) અને ચીડ(pinus excelsa)નું એસોસિયેશન જોવા મળે છે.

ગજેન્દ્રવન ના. ગોસાંંઈ