ઍસિડ-આંક (acid number) : 1 ગ્રામ તેલ, ચરબી અથવા મીણના નમૂનામાં રહેલા મુક્ત ઍસિડનું તટસ્થીકરણ કરવા જરૂરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડનું મિ.ગ્રામમાં મૂલ્ય. તેલ, ચરબી અને મીણ જેવા પદાર્થોના પૃથક્કરણમાં ઍસિડ આંકની વ્યાખ્યા ઉપર મુજબ અપાય. તેલના સાબૂકરણ(saponification)-આંક કરતાં તે ભિન્ન છે. ઍસિડ આંક નક્કી કરવા માટે તેલ, ચરબી અથવા મીણના નમૂનાનું ચોકસાઈપૂર્વક વજન કરી તેમાંના ઍસિડનું પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે છે, તેના પરથી એક ગ્રામ તેલ, વગેરે માટે તેનું મૂલ્ય મેળવવામાં આવે છે. તૈલી પદાર્થોમાં મુક્ત ઍસિડનું પ્રમાણ વધારે હોય તો તે વહેલા ખોરા થઈ જાય છે.
કેટલાક અગત્યનાં તેલ, ચરબી અને મીણના ઍસિડ-આંક નીચે આપેલા છે :
નામ | ઍસિડ-આંક (મિ.ગ્રામ KOH) | |
1. | કોપરેલ | 5-13 |
2. | મહુડાનું તેલ | 5-40 |
3. | મગફળીનું તેલ | 2-6 |
4. | બદામનું તેલ | 0.5-3.5 |
5. | ચોખાનું તેલ | 6-12 |
6. | એરંડિયું | 0.12-0.8 |
7. | ઘી | 2-8 |
8. | તલનું તેલ | 1-10 |
9. | તાડનું તેલ | 10 |
10. | બીફટેલો | 0.25 |
(ગાય-બળદની ચરબી) | ||
11. | કોકોબટર | 1.1-1.9 |
12. | મટનટેલો | 1.7-14 |
(ઘેટાં-બકરાંની ચરબી) | ||
13. | ઊનની ચરબી | 59.8 |
14. | મધમાખીનું મીણ | 5-10.5 |
15. | મોન્ટાન મીણ | 35-45 |
16. | કાર્નુબા મીણ | 3.5-5.0 |
17. | જાપાન મીણ | 4.0-15.0 |
18. | સોયાબીન તેલ | 0.3-1.8 |
પ્રવીણસાગર સત્યપંથી