ઍસિડપ્રતિકારક જીવો (acid-fast organisms) : બેઝિક અભિરંજકથી અભિરંજન કર્યા બાદ ઍસિડ ભેળવેલા કાર્બનિક દ્રાવણની અસરને પરિણામે રંગવિહીન ન થનાર બૅક્ટેરિયા. આ બૅક્ટેરિયાની કોષદીવાલમાં ચરબીયુક્ત માયકોનિક ઍસિડ હોય છે. આ બૅક્ટેરિયા માયો-બૅક્ટેરિયા તરીકે જાણીતા છે. આ બૅક્ટેરિયામાં બિનહાનિકારક બૅક્ટેરિયાથી માંડીને સંપૂર્ણ પરોપજીવીઓનો સમાવેશ થાય છે. બિનહાનિકારક Mycobacterium Smegma પાણી તથા જમીનમાં રહે છે, જ્યારે M. tuberculosis અને M. lapre બૅક્ટેરિયા પરોપજીવી તરીકે જીવન પસાર કરે છે. આ બૅક્ટેરિયા અનુક્રમે ક્ષય અને રક્તપિત્ત રોગકારક છે. ક્ષય ચેપી છે, જ્યારે રક્તપિત્ત ચેપી નથી.

ઉષા મહેશ દેસાઈ