અનુભવવાદ

(Empiricism)

પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાન-મીમાંસા-(epistemology)નો એક સિદ્ધાંત. તેનું મુખ્ય પ્રતિપાદન એ છે કે જ્ઞાનપ્રાપ્તિનાં સાધનોમાં બુદ્ધિનો નહિ, પણ ઇન્દ્રિયાનુભવનો ફાળો મુખ્ય હોય છે. આમ જ્ઞાનમીમાંસાના સિદ્ધાંત તરીકે અનુભવવાદ એ બુદ્ધિવાદ(rationalism)નો વિરોધી સિદ્ધાંત છે.

અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ‘experience’ મૂળ ગ્રીક શબ્દ ‘empeiria’ પરથી ઊતરી આવેલો છે. લૅટિનમાં તેને ‘experientia’ કહે છે. આ બધા શબ્દો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષાનુભવનો નિર્દેશ કરનારા હોઈ, અનુભવવાદ એ ઇન્દ્રિયાનુભવવાદ છે. ‘અનુભવ’ શબ્દના એનાથી વ્યાપક અર્થને અહીં અવકાશ નથી.

જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન મળે છે એ અનુભવવાદી કથન બહુજનમાન્ય દૃષ્ટિકોણ રજૂ કરે છે. મોટાભાગના તત્વચિંતકો અનુભવવાદના આટલા લઘુતમ દાવાને પડકારતા નથી, પણ આ કથનનું સામાન્યીકરણ કરીને જ્યારે એમ કહેવામાં આવે કે આપણું બધું જ જ્ઞાન અનુભવમાંથી આવે છે ત્યારે અનુભવવાદ તેના આત્યંતિક રૂપે, અને તેથી એકાંગી અને સાહજિક સ્વીકૃતિ પામી ન શકે તેવે સ્વરૂપે રજૂ થાય છે. ગ્રીક તત્વચિંતક ઍરિસ્ટૉટલનાં અનુભવવાદી મંતવ્યોમાંથી પ્રેરણા મેળવી મધ્યયુગના તત્વચિંતક સંત ટૉમસ એક્વીનસે એવો સિદ્ધાંત બાંધ્યો કે જે પૂર્વે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલું ન હોય તેવું કશું બુદ્ધિમાં આવતું નથી. આમ જ્ઞાન માત્ર ઇન્દ્રિયાનુભવ પર અવલંબે છે એવો આત્યંતિક દાવો કરવો એ જ્ઞાનમીમાંસાના એક સિદ્ધાંત તરીકે અનુભવવાદની મૂળભૂત લાક્ષણિકતા છે.

પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને મધ્યયુગના તત્વચિંતનમાં અનુભવવાદનાં મૂળ રહેલાં છે. તેને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનું કાર્ય સત્તરમી અને અઢારમી સદી દરમિયાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ – એ ત્રણ બ્રિટિશ તત્વચિંતકોએ ઘણી અસરકારક રીતે કર્યું છે.

જૉન લૉક : સંત ટૉમસ એક્વીનસની જેમ લૉક કેવળ ઇન્દ્રિયાનુભવને જ્ઞાન માત્રનું મૂળ માને છે. માનવજ્ઞાનનું ઉદભવસ્થાન, તેની નિશ્ચિતતા અને મર્યાદા અંગેની મીમાંસા લૉકે એના જાણીતા ગ્રંથ ‘Essay Concerning Human Understanding’માં કરી છે. એ પુસ્તકમાં બુદ્ધિવાદીઓને માન્ય એવા જન્મજાત વિચારોના સિદ્ધાંતનું ખંડન કરીને લૉકે એમ પ્રતિપાદિત કરવાનો યત્ન કર્યો છે કે જન્મસમયે માણસનું મન તદ્દન કોરા કાગળ જેવું હોય છે. માણસના મનમાં જે કોઈ વિચારો આવે છે તેનું મૂળ અનુભવ અને કેવળ અનુભવ જ હોય છે. અંતર્નિરીક્ષણ કે બાહ્ય નિરીક્ષણ દ્વારા માણસના મનમાં જે વિચારો પ્રથમ આવે છે તેને લૉક સરળ વિચારો કહે છે. માનવમન નિષ્ક્રિય રીતે સરળ વિચારો ગ્રહણ કરે છે અને તે પછી સક્રિય થઈને સરળ વિચારોમાંથી જટિલ વિચારોની રચના કરે છે. જ્ઞેય વિષયોનું વિગતપૂર્ણ વર્ણન અને વિશ્લેષણ કરીને લૉકે એમ દર્શાવવાનો સબળ પ્રયત્ન કર્યો છે કે મનને જ્ઞાત એવો એક પણ વિષય નથી, જેના જ્ઞાનને સરળ તેમજ જટિલ વિચારોની પરિભાષામાં ઘટાવી ન શકાય.

જ્ઞાનનું ઉદભવસ્થાન અનુભવ અને માત્ર અનુભવ જ છે એ મતનું સબળ રીતે પ્રતિપાદન કર્યા બાદ પોતાના પુસ્તકના ચોથા ખંડમાં લૉક જ્ઞાનની નિશ્ચિતતા અને સીમા અંગે જે વિચારણા કરે છે તેમાં બાહ્ય ભૌતિક પદાર્થ અંગેના જ્ઞાનનો પ્રશ્ન અનુભવવાદની દૃષ્ટિએ સૌથી વિશેષ મહત્વનો છે. લૉકના મતે આપણી પાસે ઇન્દ્રિયગમ્ય પદાર્થોના અસ્તિત્વનું જ્ઞાન છે, કારણ કે પદાર્થોને કારણે આપણા મનમાં જ્ઞાનેન્દ્રિયો દ્વારા સરળ વિચારો પ્રવેશે છે. ભૌતિક વસ્તુઓ અંગેના સરળ વિચારો આપણને જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળે છે અને તેથી એ વિચારોના કારણરૂપ એ બાહ્ય ભૌતિક પદાર્થો હોવા જોઈએ, એવી દલીલ ભૌતિક પદાર્થોના અસ્તિત્વ માટેનો જોરદાર પુરાવો આપી શકતી નથી એ વાતનો સ્વીકાર કરીને લૉક જણાવે છે કે ઇન્દ્રિયગમ્ય પદાર્થોના અસ્તિત્વ અંગેનું આપણું જ્ઞાન નિશ્ચિત નથી, પણ માત્ર સંભવિત જ છે.

લૉકના મત પ્રમાણે બાહ્ય ભૌતિક પદાર્થોના જે જે વિચારો આપણા મનમાં આવે છે તે તમામને અનુરૂપ ગુણો ભૌતિક પદાર્થમાં હોતા નથી. આ દૃષ્ટિએ લૉક ભૌતિક પદાર્થોના ગુણોના બે પ્રકાર સ્વીકારે છે : (1) પ્રાથમિક ગુણો અને (2) ગૌણ ગુણો. કદ, વજન, આકાર, ગતિ વગેરે ભૌતિક પદાર્થના ગુણો પ્રાથમિક ગુણો છે, કારણ કે એ ગુણો વગર ભૌતિક પદાર્થનું અસ્તિત્વ જ સંભવિત નથી. રંગ, સ્વાદ, ગંધ વગેરે ગુણો ભૌતિક પદાર્થમાં રહેલા નથી, કારણ કે આ ગુણો જ્ઞાતાસાપેક્ષ છે. એક જ પદાર્થના સ્વાદ, ગંધ વગેરે ગુણોનો અનુભવ જુદા જુદા જ્ઞાતાઓને જુદી જુદી રીતે થાય છે અને તેથી એ ગુણો પદાર્થમાં રહેલા નથી, પણ જ્ઞાતાના મનમાં અનુભવાય છે એમ સ્વીકારવું રહ્યું. જોકે, જ્ઞાતાના મનમાં જ જેનું અસ્તિત્વ છે તેવા ગૌણ ગુણોના અનુભવનો બાહ્ય આધાર લૉક સ્પષ્ટ રીતે સ્વીકારે છે. આમ લૉકના મતે પ્રાથમિક ગુણો જેમાં વાસ્તવિક રીતે રહેલા છે તેવા ભૌતિક પદાર્થને કારણે ભૌતિક પદાર્થમાં વાસ્તવિક રીતે નહિ રહેલા એવા ગૌણ ગુણોનો અનુભવ જ્ઞાતાને થાય છે.

લૉકના મત પ્રમાણે ભૌતિક પદાર્થ તેના મૂળ સ્વરૂપે આપણને અજ્ઞાત છે. આપણી જ્ઞાનેન્દ્રિયોની મર્યાદિત શક્તિને કારણે પ્રાથમિક ગુણો ધરાવનાર પદાર્થ મૂળ હાર્દ સ્વરૂપે તત્વત: કેવો છે તે આપણે ક્યારેય જાણી શકતા નથી.

આમ આપણી તમામ જ્ઞાનસામગ્રી અનુભવમાંથી જ આવે છે એમ પ્રતિપાદિત કરીને લૉકે અનુભવવાદનો પાયો દૃઢ કર્યો, પણ સાથે સાથે એમ પણ સ્વીકાર્યું કે ઇન્દ્રિયગમ્ય પદાર્થો અંગેનું આપણું જ્ઞાન અત્યંત સીમિત અને કેવળ સંભવિત જ હોય છે.

જ્યૉર્જ બર્કલી : આપણું બધું જ્ઞાન અંતર્નિરીક્ષણ કે બાહ્ય નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થતાં સંવેદનો કે વિચારોમાંથી જ ઉદભવે છે એ લૉકે રજૂ કરેલા અનુભવવાદના મૂળભૂત મંતવ્યનો બર્કલી સ્વીકાર કરે છે અને લૉકના અનુભવવાદમાં રહી ગયેલી અસંગતિઓમાંની કેટલીકને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં બર્કલીએ લૉકની વિરુદ્ધ બે મુદ્દાઓ રજૂ કર્યા છે : (1) પ્રાથમિક અને ગૌણ ગુણો વચ્ચે લૉકે પાડેલો ભેદ અયોગ્ય છે, (2) અજ્ઞાત ભૌતિક પદાર્થના અસ્તિત્વ અંગે લૉકે સ્વીકારેલી માન્યતા અયોગ્ય છે.

બર્કલી કહે છે કે લૉકે સ્વીકારેલો ભૌતિક પદાર્થના પ્રાથમિક અને ગૌણ ગુણોનો ભેદ અયોગ્ય છે, કારણ કે શબ્દ, સ્વાદ, રંગ વગેરે ગૌણ ગુણોની જેમ જ કદ, ઊંચાઈ, આકાર વગેરે પ્રાથમિક ગુણો પણ જ્ઞાતાસાપેક્ષ છે. એકનું એક કદ એક દ્રષ્ટાને ખૂબ મોટું અને બીજાને ખૂબ નાનું દેખાય છે. આથી આપણે એમ સ્વીકારવું જોઈએ કે જેવી રીતે ગૌણ ગુણોને લગતાં ઠંડા અને ગરમ પાણીનાં સ્પર્શસંવેદનો જ્ઞાતાસાપેક્ષ છે તેવી જ રીતે કદ, આકાર વગેરે પ્રાથમિક ગુણોને લગતાં સંવેદનો પણ જ્ઞાતાસાપેક્ષ છે. આમ બર્કલીના મત મુજબ જેવી રીતે ગૌણ ગુણો પદાર્થમાં નહિ, પણ જ્ઞાતાના મનમાં રહેલા છે, તેવી જ રીતે પ્રાથમિક ગુણો પણ જ્ઞાતાના મનમાં જ રહેલા છે.

વળી ભૌતિક પદાર્થના અસ્તિત્વનો નિષેધ કરતાં બર્કલી જણાવે છે કે લૉક પોતે કબૂલે છે તેમ ભૌતિક પદાર્થ અજ્ઞાત છે અને જે વસ્તુ અજ્ઞાત છે તેને અસ્તિત્વ છે એમ શાના આધારે કહી શકાય ? આમ બર્કલી કહે છે કે બાહ્ય ભૌતિક પદાર્થમાં માનવા માટેનો આપણી પાસે કોઈ આધાર નથી. વળી લૉક વિચારો કે સંવેદનોના કારણ તરીકે પદાર્થને સ્વીકારે છે, પણ વિચારો તો અભૌતિક છે અને જે અભૌતિક હોય તેનું કારણ ભૌતિક પદાર્થ કેવી રીતે હોઈ શકે ? અભૌતિક વિચારોનું કારણ બાહ્ય પદાર્થમાં માનવાનું બિલકુલ યોગ્ય નથી.

પ્રાથમિક અને ગૌણ ગુણો વચ્ચેના ભેદનો તેમજ અજ્ઞાત ભૌતિક પદાર્થના અસ્તિત્વની માન્યતાનો નિષેધ કર્યા બાદ બર્કલી પોતાના સુવિખ્યાત સૂત્ર ‘પદાર્થની સત્તાનું હાર્દ તેના પ્રત્યક્ષ જ્ઞાનમાં રહેલું છે’(esse est percipi)નું પ્રતિપાદન કરે છે. આ સૂત્રના સમર્થન માટેની બર્કલીની મુખ્ય દલીલ એ છે કે કોઈ પણ પદાર્થ છે એમ કહેવાનો અર્થ જ એ થાય છે કે આપણને કે કોઈને તેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. જેનું જ્ઞાન ન થતું હોય તેવો કોઈ પદાર્થ હોઈ શકે નહિ. બર્કલી કહે છે કે આપણે ભૌતિક પદાર્થોને રંગયુક્ત, ગંધયુક્ત, સ્વાદયુક્ત, સ્પર્શયુક્ત કે અવાજયુક્ત પદાર્થ તરીકે જાણીએ છીએ. ભૌતિક પદાર્થના આ બધા ગુણો તેના પ્રત્યક્ષ જ્ઞાન કે અનુભવ પર જ અવલંબે છે. બર્કલી પૂછે છે કે એવો કોઈ રંગ હોઈ શકે, જે જોવામાં આવતો નથી ? એવી કોઈ ગંધ હોઈ શકે, જે સૂંઘવામાં આવતી નથી ? એવો કોઈ સ્વાદ હોઈ શકે, જે ચાખવામાં આવતો નથી ? એવો કોઈ સ્પર્શ હોઈ શકે, જે સ્પર્શેન્દ્રિયના અનુભવમાં આવતો નથી ? એવો કોઈ અવાજ હોઈ શકે જે સાંભળવામાં આવતો નથી ? આ બધા પ્રશ્નોનો જવાબ નકારમાં જ મળે છે. આનો અર્થ એ કે કહેવાતા બાહ્ય ભૌતિક પદાર્થમાં એવું કશું નથી, જે જ્ઞાનેન્દ્રિયોના અનુભવ કે પ્રત્યક્ષ જ્ઞાનથી સ્વતંત્ર હોય. આમ બાહ્ય ભૌતિક પદાર્થ જ્ઞાતાના અનુભવથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એ માન્યતા જ ખોટી છે. કહેવાતા બાહ્ય ભૌતિક પદાર્થના અસ્તિત્વનું સમગ્ર હાર્દ જ્ઞાતાના મનમાં થતા અનુભવમાં જ રહેલું છે.

ભૌતિક પદાર્થને અસ્તિત્વ નથી અને જ્ઞાતાના અનુભવો કે વિચારોને અસ્તિત્વ છે એમ પ્રતિપાદિત કરીને બર્કલીએ લૉકના અનુભવવાદની કેટલીક અસંગતિ, દૂર કરેલી છે. એટલું જ નહિ, પણ વિચારવાદ(idealism)નું પ્રશિષ્ટ રીતે પ્રસ્થાપન પણ કરેલું છે. વિચારવાદ અને વાસ્તવવાદ એ બે સામસામા જ્ઞાનમીમાંસાને લગતા સિદ્ધાંતો છે. વાસ્તવવાદના મતે બાહ્ય ભૌતિક વસ્તુઓ જ્ઞાતાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને તેમને કારણે જ જ્ઞાતાને ભૌતિક પદાર્થના ગુણોનો અનુભવ થાય છે. આથી ઊલટું, વિચારવાદના મતે ભૌતિક વસ્તુઓને અસ્તિત્વ જ નથી, કેવળ વિચારોને જ અસ્તિત્વ છે. કહેવાતા બાહ્ય ભૌતિક પદાર્થો ખરેખર તો વિચારરૂપ જ છે. વિચારવાદના આ મૂળભૂત મંતવ્યનું બર્કલીએ અસરકારક રીતે પ્રતિપાદન કરેલું હોવાથી તત્વજ્ઞાનના ઇતિહાસમાં બર્કલી વિચારવાદી તરીકે ખ્યાતિ પામેલા છે.

બર્કલીના મતે, આપણા મનમાં જે વિચારો આવે છે તેનું કારણ વિચારો પોતે હોઈ શકે નહિ, કારણ કે વિચારો પોતે નિષ્ક્રિય હોય છે. વિચારો અભૌતિક હોવાથી, તેમનું નિર્માણ કરનાર તત્ત્વ પણ અભૌતિક કે ચેતન જ હોવું જોઈએ એવી દલીલનો આશ્રય લઈને બર્કલી માને છે કે કહેવાતી બાહ્ય સૃષ્ટિને લગતાં આપણા મનમાં જે ઇન્દ્રિયસંવેદનો આવે છે તેનું કારણ ઈશ્વર છે અને આપણી કલ્પના મુજબ આપણે જે વિચારો કરીએ છીએ તેનું કારણ આપણો આત્મા છે. આમ બર્કલી માનવઆત્માઓ અને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારે છે. જ્ઞાનની સામગ્રીરૂપ તમામ વિચારો ઇન્દ્રિયાનુભવમાંથી જ આવે છે એવો અનુભવવાદી મત છે અને આત્મા કે ઈશ્વરનો આપણને ઇન્દ્રિયાનુભવ નથી. આથી બર્કલી જણાવે છે કે આત્મા અને ઈશ્વરના ઇન્દ્રિયાનુભવમૂલક વિચારો આપણે ધરાવતા નથી. પણ આ તત્વોને લગતા ‘ખ્યાલો’ (notions) આપણી પાસે છે. લૉકના મતે આપણી પાસે આત્માનું અંત:સ્ફુરિત અને ઈશ્વરનું પ્રસ્થાપિત જ્ઞાન છે. બર્કલીના મતે આત્મા અને ઈશ્વરના ખ્યાલો આપણી પાસે છે. જો જ્ઞાનમાત્રનું મૂળ અનુભવ હોય તો જેનો અનુભવ નથી તેવા આત્મા અને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારના ચિંતકને સુસંગત રીતે અનુભવવાદી ગણી શકાય નહિ. લૉક અને બર્કલી બંનેના અનુભવવાદમાં રહેવા પામેલી આ અસંગતિને દૂર કરીને અનુભવવાદમાંથી તાર્કિક રીતે ફલિત થતો સંદેહવાદ સ્પષ્ટ કરવાનું કામ ડેવિડ હ્યૂમે કરેલું છે.

ડેવિડ હ્યૂમ : ચુસ્ત અનુભવવાદી તરીકે હ્યૂમનું એ સ્પષ્ટ પ્રતિપાદન છે કે આપણા મનમાં જે કાંઈ જ્ઞાનસામગ્રી છે તેનું ઉદભવસ્થાન ઇન્દ્રિયસંવેદનો જ છે. હ્યૂમના મતે આપણી જ્ઞાનસામગ્રીમાં બે પ્રકારના ઘટકો હોય છે : ઇન્દ્રિયસંવેદનો અને વિચારો. આમાં ઇન્દ્રિયસંવેદનો મૂળભૂત છે, વિચારો એ ઇન્દ્રિયસંવેદનોના પરિણામે આપણી કલ્પનામાં આવતાં તત્વો છે. હ્યૂમના મતે કોઈ પણ તત્વ વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવે છે કે કેમ એનો નિર્ણય કરવાની તાત્ત્વિક પદ્ધતિ એ તત્ત્વને લગતા કોઈ ઇન્દ્રિયાનુભવની તપાસ કરવાની છે. જો આવી તપાસ કરતાં કોઈ ઇન્દ્રિયાનુભવ મળી ન આવે તો આપણે એ તત્વનું અસ્તિત્વ સ્વીકારી શકીએ નહિ. આ પદ્ધતિ પ્રયોજીને હ્યૂમ એ સ્પષ્ટ કરે છે કે આપણે આત્મા કે ઈશ્વરમાં તો માની શકીએ જ નહિ. પણ વૈજ્ઞાનિક જ્ઞાનના આધારરૂપ કાર્યકારણસંબંધની વાસ્તવિકતા પણ આપણે સ્વીકારી શકીએ નહિ. જગતની કહેવાતી વાસ્તવિક હકીકતો અંગે આપણને માત્ર છૂટાંછવાયાં ઇન્દ્રિયસંવેદનોનો જ અનુભવ છે અને તેમની વચ્ચેના કોઈ અનિવાર્ય સંકલનનો અનુભવ નથી. આનો અર્થ એ કે વાસ્તવિક હકીકતો અંગેનું કોઈ પણ જ્ઞાન આપણે બૌદ્ધિક કે સુસંગત રીતે ધરાવતા નથી. આમ સંદેહવાદ એ જ વાસ્તવિક હકીકતોને લગતા જ્ઞાનની ખોજનું અનિવાર્ય પરિણામ છે.

જે. એસ. મિલ : હ્યૂમના આત્યંતિક અનુભવવાદી અભિગમને ઓગણીસમી સદીમાં જે. એસ. મિલે વાચા આપેલી છે. હ્યૂમથી પણ આગળ જઈને મિલ ગણિતને પણ ઇન્દ્રિયાનુભવમૂલક ગણાવે છે. મિલના મતે તર્કશાસ્ત્ર અને ગણિતના સિદ્ધાંતોમાં જે બૌદ્ધિક અનિવાર્યતા દેખાય છે તે પણ માનસિક જ છે. અનુભવવાદનું આ એકદમ આત્યંતિક રૂપ છે. જોકે તેનું સમર્થ રીતે પ્રતિપાદન કરવાનું કામ મિલ કે અન્ય કોઈએ કર્યું નથી. વીસમી સદીના અનુભવવાદીઓ તો હ્યૂમની રીતે ગાણિતિક કે તાર્કિક સત્યોની અનિવાર્યતા અને અનુભવાત્મક હકીકતોને લગતાં સત્યોની પરાયત્તતા (contingency)  એટલે કે અન્ય ઘટનાઓ પરના અવલંબન  વચ્ચેના ભેદને મૂળભૂત ગણીને જ આગળ ચાલે છે અને હ્યૂમના અનુભવવાદમાં રહેલા મનોવૈજ્ઞાનિક ઘટકોને દૂર કરીને તાર્કિક અનુભવવાદનું પ્રતિપાદન કરે છે. વીસમી સદીનો આ તાર્કિક અનુભવવાદ તાર્કિક પ્રત્યક્ષવાદ (logical positivism) તરીકે વિશેષ જાણીતો છે.

વીસમી સદી : વીસમી સદીના અનુભવવાદને ‘તાર્કિક પ્રત્યક્ષવાદ’ તરીકે ઓળખવામાં આવે છે. ગણિતશાસ્ત્રીઓ, વિજ્ઞાનીઓ અને ફિલસૂફોના ‘વિયેના સર્કલ’ તરીકે ઓળખાતા એક જૂથ દ્વારા 1924માં તાર્કિક પ્રત્યક્ષવાદની ચળવળ વિયેનામાં શરૂ થઈ હતી. તાર્કિક પ્રત્યક્ષવાદના આગેવાન વિયેના યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાનના એક અધ્યાપક અને ભૌતિકશાસ્ત્રી મોરિત્ઝ શ્ર્લીક (1882-1936) હતા. વિયેના યુનિવર્સિટીમાં 1926થી 1931 સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપનાર રૂડૉલ્ફ કારનાપ (1891-1970) પણ મોરિત્ઝ શ્ર્લીકની જેમ તાર્કિક પ્રત્યક્ષવાદના પ્રમુખ પ્રવક્તા રહ્યા હતા. શ્ર્લીક્ધાી આગેવાની હેઠળ જે ચર્ચા-બેઠકો યોજાતી હતી, તેમાં ગણિતશાસ્ત્રી હાન્સ હાન, સમાજશાસ્ત્રી ઑટો ન્યૂરેથ, ઇતિહાસકાર વિક્ટર ક્રાફ્ટ, ધારાશાસ્ત્રી ફેલિક્સ કાઉફમૅન વગેરે સભ્યો સક્રિય ભાગ લેતા હતા. આ બેઠકોમાં મુખ્યત્વે ગણિત, વિજ્ઞાન અને તર્કશાસ્ત્રનાં સ્વરૂપ અને તેના તાત્ત્વિક આધારો વિશે ચર્ચાઓ થતી હતી.

1929માં વિયેના સર્કલ દ્વારા જર્મન ભાષામાં એક ઘોષણાપત્ર પ્રકાશિત થયું. તેમાં એમ જાહેર કરવામાં આવ્યું કે તમામ વિજ્ઞાનોનું એકીકરણ થવું જોઈએ અને વિજ્ઞાનોની એકતા સ્થાપવા માટે ફ્રેગે, રસેલ અને પિયેનોએ દર્શાવેલી તાર્કિક વિશ્લેષણની પદ્ધતિ પ્રયોજવી જોઈએ. આ ઘોષણાનું તાત્પર્ય એ કે પારલૌકિક સત્ અંગેના જ્ઞાનના દાવાઓ કરતી તત્ત્વમીમાંસાનું વિસર્જન કરવું જોઈએ.

વિયેના સર્કલના અભિગમના વિકાસમાં હાન્સ રાઇખનબેક અને રૂડૉલ્ફ કારનાપ દ્વારા સંપાદિત ‘એસ્કેન્ટનિસ’ એ શીર્ષકવાળા સામયિકનું ઘણું મહત્વનું પ્રદાન છે. આ ઉપરાંત ઑટો ન્યૂરેથ દ્વારા આયોજિત ‘ઇન્ટરનૅશનલ એન્સાઇક્લોપીડિયા ઑવ્ યુનિફાઇડ સાયન્સ’ની 1938થી 1946 સુધીમાં પ્રકાશિત થયેલી અગિયાર સંશોધન- પુસ્તિકાઓ દ્વારા પણ પ્રાકૃતિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો તથા ગણિત અને તર્કશાસ્ત્રનાં ક્ષેત્રો નવાં તાત્વિક વિશ્લેષણથી સમૃદ્ધ થયાં છે.

તાર્કિક પ્રત્યક્ષવાદના પ્રસારમાં વિવિધ પ્રકાશનો ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદો પણ સહાયભૂત થઈ છે. 1929 અને 1934માં પ્રાગમાં, 1935માં પૅરિસમાં, 1936માં કોપનહેગેનમાં, 1937માં પૅરિસમાં, 1938માં કેમ્બ્રિજમાં અને 1939માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી પરિષદોમાં રાઇખનબેક, વેઇઝમૅન, હર્બર્ટ ફાઇગલ, ટારસ્કી, ન્યૂરેથ, હેમ્પેલ, એર, બ્રેઇથવેઇટ વગેરેએ પોતાના અત્યંત મૂલ્યવાન પ્રદાન દ્વારા તાર્કિક પ્રત્યક્ષવાદની આંતરરાષ્ટ્રીય ઝુંબેશને વેગ આપ્યો.

જોકે વીસમી સદીના ચોથા દાયકાની યુરોપીય પરિસ્થિતિ અને ખાસ તો નાઝી શાસનની સ્થાપના અને બીજા વિશ્વયુદ્ધના પ્રારંભની પરિસ્થિતિ તાર્કિક પ્રત્યક્ષવાદના વિચાર-આંદોલનને માટે વિઘાતક નીવડી હતી. હાન્સ હાનનું 1934માં અવસાન થયું. મોરિત્ઝ શ્ર્લીકની એક પાગલ વિદ્યાર્થીએ 1936માં હત્યા કરી. કેટલાક ફિલસૂફોને વિયેના કે બર્લિન છોડી અન્ય દેશોમાં નિવાસ કરવાની સંજોગોએ ફરજ પાડી અને ઑસ્ટ્રિયામાં જર્મન હકૂમત સ્થપાતાં વિયેના સર્કલનું વિસર્જન થયું. તેમ છતાં પણ ઇંગ્લૅન્ડ, અમેરિકા અને સ્કૅન્ડિનેવિયામાં તાર્કિક પ્રત્યક્ષવાદના સમર્થકોએ પોતાની ચિંતન અને પ્રકાશનની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.

ઇંગ્લૅન્ડના એ. જે. એરે 1932-33માં વિયેના સર્કલની બેઠકોમાં હાજરી આપી હતી. તેમણે ‘Language, Truth and Logic’ (1936) એ સુવિખ્યાત પુસ્તકમાં તાર્કિક પ્રત્યક્ષવાદના અભિગમને અત્યંત સ્પષ્ટ અને ઉગ્ર સ્વરૂપમાં રજૂ કર્યો. તેમના મતે ડેવિડ હ્યૂમ અને બર્કલીના વિચારોથી આ સદીના ફિલસૂફો-રસેલ અને વિટ્ગેન્સ્ટાઇન-પ્રભાવિત થયા હતા અને રસેલ અને વિટ્ગેન્સ્ટાઇનથી તાર્કિક પ્રત્યક્ષવાદીઓ પ્રભાવિત થયા હતા. તેથી વીસમી સદીના આ નવા અનુભવવાદનાં મૂળ પ્રશિષ્ટ અંગ્રેજી અનુભવવાદમાં જોઈ શકાય છે.

જોકે તાર્કિક પ્રત્યક્ષવાદના નિકટના પુરોગામી તરીકે તો હ્યૂમની પરંપરાને અનુસરનારા જર્મન ભૌતિકશાસ્ત્રી અને ફિલસૂફ મૅક(1838-1917)ને જ ગણી શકાય. હ્યૂમની જેમ મૅક દર્શાવે છે કે ભૌતિક વસ્તુઓને સંવેદનગમ્ય ગુણોના અજ્ઞાત આધારરૂપ દ્રવ્ય તરીકે ન ગણી શકાય. તેવી જ રીતે માનસિક અવસ્થાઓના આધારરૂપ કોઈ આત્મતત્ત્વ-(self)નો પણ તેઓ સ્વીકાર કરતા નથી. તેમને મતે ભૌતિક વસ્તુઓનો આપણો અનુભવ આખરે તો તેનાં રંગ, સ્વાદ, ગંધ કે સ્પર્શનાં વિવિધ સંવેદનોનો જ અનુભવ છે. તેથી જ વિજ્ઞાનનું દરેક વિધાન અંતે તો સંવેદનોના એક જટિલ સમૂહ અંગેનું જ વિધાન છે. વિજ્ઞાનોના નિયમો પણ આખરે તો સંવેદનો વચ્ચે પ્રવર્તતા સંબંધો અંગેના જ છે. મૅકે આ રીતે વિજ્ઞાનોની એકતાની સંકલ્પનાને પુષ્ટ કરી. ભૌતિક વસ્તુઓ વિશેનાં તમામ વિધાનોનું વિશ્લેષણ વ્યક્તિનાં તેને લગતાં સંવેદનોનાં વિધાનોમાં કરી શકાય તેવા શ્ર્લીક, વેઇઝમૅન અને એરના મતનું મૂળ મૅકના સંવેદનવાદ(sensationalism)માં જોઈ શકાય છે. જોકે ન્યૂરેથ અને કારનાપ અવલોકનનિષ્ઠ વિધાનોને ભૌતિક વસ્તુઓનાં વિધાનો તરીકે ઘટાવે છે.

તાર્કિક પ્રત્યક્ષવાદ ઉપર મૅક ઉપરાંત બર્ટ્રાન્ડ રસેલનો પ્રભાવ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રસેલના મતે અનુમાન કરીને નવાં તત્વો ધારવાને બદલે જાણીતાં તત્વોમાંથી જ વૈચારિક રચનાઓ કરીને આપણે વસ્તુઓનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. ભૌતિક વસ્તુઓને રસેલે વ્યક્તિનાં સંવેદનોનાં વિશિષ્ટ સંયોજનો તરીકે જ ઘટાવી હતી. તેથી મૅકની જેમ રસેલ દ્વારા પણ સંવેદનવાદને પ્રોત્સાહન મળ્યું. તત્વજ્ઞાનની સમસ્યાઓમાં તર્કશાસ્ત્રીય વિશ્લેષણના ઉપયોગનું મહત્વ પણ રસેલે વીસમી સદીના પ્રારંભથી જ પ્રસ્થાપિત કર્યું હતું. ગણિતના સંદર્ભમાં તર્કશાસ્ત્રનો તેમણે વિશિષ્ટ દરજ્જો દર્શાવ્યો હતો. તાર્કિક પ્રત્યક્ષવાદમાં તાર્કિક વિશ્લેષણને મહત્વ આપવાનો અભિગમ રસેલના વિશ્લેષણના નમૂનાઓથી પ્રભાવિત થયો હતો.

હ્યૂમ, મૅક અને રસેલને અનુસરનારા તાર્કિક પ્રત્યક્ષવાદીઓ વિટ્ગેન્સ્ટાઇનના પુસ્તક ‘Tractatus Logico Philosophicus’થી અત્યંત પ્રભાવિત થયા હતા. વિટ્ગેન્સ્ટાઇને વિયેનામાં શ્ર્લીક, વેઇઝમૅન અને કારનાપને 1927થી 1929 દરમિયાન મુલાકાતો આપી હતી અને તેમની વચ્ચે આ પુસ્તક અંગે સ્પષ્ટતાઓ કરતી કેટલીક બેઠકો પણ યોજાઈ હતી. તત્વજ્ઞાન જગત વિશેનાં કોઈ સત્યો સ્થાપતું નથી, પણ તે વિશ્લેષણ કે સ્પષ્ટીકરણની એક પ્રવૃત્તિ છે તેવું વિટ્ગેન્સ્ટાઇનનું વિધાન તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ સ્વીકાર્યું હતું.

તાર્કિક પ્રત્યક્ષવાદીઓનું ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનું વલણ અત્યંત સ્વીકૃતિદર્શક હતું, પરંતુ તત્વમીમાંસાના સંપૂર્ણ અસ્વીકારનો તેમનો અભિગમ હતો. તેઓ જ્ઞાનનું એવું ભેદક ધોરણ કે કસોટી સ્થાપવા માગતા હતા, જેથી ગણિત અને વિજ્ઞાનની સ્વીકાર્યતા અને તત્વમીમાંસાની અસ્વીકાર્યતા અત્યંત સ્પષ્ટ રીતે દર્શાવી શકાય. આવું ધોરણ તેમને ચકાસણીક્ષમતા(verifiability)ના સિદ્ધાંતમાં મળ્યું. તેમને મતે હકીકતો વિશે જ્ઞાન આપવાનો દાવો કરતા કોઈ પણ વિધાનનો અર્થ તેની ચકાસણીની રીતમાં રહેલો છે. વિધાનોનું અર્થયુક્ત હોવું એટલે તેનું ચકાસણીક્ષમ હોવું અને તેનું ચકાસણીક્ષમ હોવું એટલે તેમનું ઇન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા ચકાસણીક્ષમ હોવું. આ ધોરણે વિજ્ઞાનનાં વિધાનો ચકાસણીક્ષમ હોવાથી જ અર્થયુક્ત ગણાય. તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ વિધાનોની અર્થયુક્તતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો, કારણ કે તેમના મતે તત્વજ્ઞાનને તો અર્થયુક્તતા (meaningfulness) સાથે જ સંબંધ છે. વિજ્ઞાનોનાં વિધાનો ખરેખર સત્ય છે કે કેમ તે પ્રશ્ન તો તે વિજ્ઞાનોના ક્ષેત્રની અંદરનો પ્રશ્ન છે. તેને વિશે તત્વચિંતકોએ કોઈ નિર્ણય લેવાનો હોતો નથી.

અર્થયુક્તતા એટલે ચકાસણીક્ષમતા – એ ધોરણે કોઈ પણ અવલોકનાશ્રિત વિધાન અર્થયુક્ત ગણાય. એટલે વિજ્ઞાનના કે રોજિંદા વ્યવહારમાં ઇન્દ્રિયપ્રત્યક્ષથી જે ચકાસી શકાય તેવાં કોઈ પણ વિધાનો અર્થયુક્ત હોય છે.

ગણિત અને તર્કશાસ્ત્રનાં વિધાનોનો પ્રશ્ન આ સંદર્ભમાં ઉદભવે તે સ્વાભાવિક છે. કારણ કે અન્ય વિજ્ઞાનોનાં વિધાનો કરતાં ગણિતનાં અને તર્કશાસ્ત્રનાં વિધાનો મૂળભૂત રીતે જુદાં પડે છે. આ સંદર્ભમાં વિશ્લેષક (analytic) અને સંશ્લેષક (synthetic) વિધાનોનો ભેદ તેમજ તદેવાર્થક (tautological), વ્યાઘાતી (contradictory) અને પરાયત્ત (contingent) વિધાનોનો ભેદ સ્પષ્ટ કરવો જરૂરી છે.

તેમાં આવતા શબ્દોના અર્થથી જ સત્ય બનતાં હોય તેવાં વિધાનો વિશ્લેષક વિધાનો હોય છે. જે વિધાનોની સત્યતા કે અસત્યતા હકીકતોનાં અવલોકનો ઉપર આધારિત હોય તે સંશ્લેષક વિધાનો હોય છે. દા.ત., ‘સર્વ કવિઓ માણસો હોય છે’ એ વિધાન વિશ્લેષક છે, કારણ કે ‘સર્વ માણસો કવિઓ હોય છે’ શબ્દના અર્થ ઉપરથી જ આ વિધાનની સત્યતા નિષ્પન્ન થાય છે. પરંતુ ‘કવિઓ’ એવું વિધાન સંશ્લેષક છે, કારણ કે તેની સત્યતા અને અસત્યતાની ચકાસણી હકીકતોનાં અવલોકન ઉપર આધારિત છે. તાર્કિક પ્રત્યક્ષવાદીઓ મુજબ વિશ્લેષક અને સંશ્લેષક બંને પ્રકારનાં વિધાનો અર્થયુક્ત છે અને ચકાસણીક્ષમતાનું ધોરણ માત્ર સંશ્લેષક વિધાનોને જ લાગુ પડે છે.

ગણિત અને તર્કશાસ્ત્રનાં વિધાનો તદેવાર્થક વિધાનો છે. પોતાના તાર્કિક રૂપથી જ હંમેશાં સત્ય હોય તે વિધાનો તદેવાર્થક હોય છે અને તાર્કિક રૂપથી જ હંમેશાં અસત્ય હોય છે તે વ્યાઘાતી વિધાનો હોય છે. જે વિધાનોની સત્યતા કે અસત્યતા હકીકતોનાં અવલોકન પર આધારિત હોય તેને પરાયત્ત વિધાનો કહેવાય છે. તદેવાર્થક વિધાનો અર્થયુક્ત હોય છે અને હંમેશાં સત્ય હોય છે, પણ તે હકીકતો વિશે કોઈ માહિતી આપતાં નથી. વ્યાઘાતી વિધાનો અર્થયુક્ત હોય છે, હંમેશાં અસત્ય હોય છે અને તે પણ હકીકતો વિશે કોઈ માહિતી આપતાં નથી. પરાયત્ત વિધાનો હકીકતો વિશે માહિતી આપે છે, પણ તેની સત્યતા કે અસત્યતા કેવળ તેના તાર્કિક રૂપ ઉપરથી જ ફલિત થતી નથી. તેને માટે અવલોકનોની આવશ્યકતા રહે છે. દા.ત., ‘અત્યારે વરસાદ આવે છે અથવા અત્યારે વરસાદ આવે છે તેવું નથી’ એ વિધાન તદેવાર્થક વિધાન છે. તે અત્યારના હવામાનની કોઈ પણ પરિસ્થિતિમાં સત્ય જ છે. તેથી તે આપણને અત્યારના હવામાન વિશેની કોઈ માહિતી આપતું નથી. તેવી જ રીતે ‘અત્યારે વરસાદ આવે છે અને અત્યારે વરસાદ આવે છે એવું નથી’ એ વ્યાઘાતી વિધાન છે, અને અત્યારના હવામાનની કોઈ પણ પરિસ્થિતિમાં તે હંમેશાં અસત્ય જ છે અને તેથી તે આપણને હવામાનની કોઈ હકીકત વિશે કોઈ માહિતી આપતું નથી. આમ તદેવાર્થક કે વ્યાઘાતી વિધાનો હકીકતો વિશે કોઈ માહિતી આપતાં નથી. તેવાં વિધાનોની સત્યતા કે અસત્યતા તેમના તાર્કિક રૂપથી જ નિર્ધારિત થાય છે. પરંતુ ‘અત્યારે વરસાદ આવે છે’ એ વિધાન હકીકતની માહિતી આપવાનો દાવો કરતું પરાયત્ત વિધાન છે અને તેની સત્યતા કે અસત્યતા નિર્ધારિત કરવા માટે હકીકતોના અવલોકનની જરૂર રહે છે.

તાર્કિક પ્રત્યક્ષવાદીઓ મુજબ ‘બધી વિધવાઓ સ્ત્રીઓ છે’ એવાં વિશ્લેષક વિધાનો, અને તર્કશાસ્ત્રનાં તેમજ ગણિતનાં રૂપલક્ષી દૃષ્ટિએ નિર્ધારિત થતાં તદેવાર્થક અને વ્યાઘાતી વિધાનો, તેમજ ‘લોઢાના ટુકડાને 8000 સે. ગરમી આપવામાં આવે તો તે લાલ રંગ ધારણ કરે છે’ એ પ્રકારનાં સંશ્લેષક વિધાનો અર્થયુક્ત છે.

આમ વિજ્ઞાનોનાં વિધાનો ચકાસણીક્ષમતાને લીધે અર્થયુક્ત છે અને ગણિત અને તર્કશાસ્ત્રનાં સત્યો તદેવાર્થક છે એટલે તાર્કિક પ્રત્યક્ષવાદીઓ મુજબ વિશ્લેષક કે તદેવાર્થક (અથવા વ્યાઘાતી) ન હોય, અને અવલોકનાશ્રિત સંશ્લેષક ન હોય તેવાં કોઈ પણ વિધાનો ક્યારેય અર્થયુક્ત નથી. તેથી જ પરમ તત્વ કે પારલૌકિક તત્વનું જ્ઞાન આપવાનો દાવો કરતાં તત્વમીમાંસાનાં તમામ વિધાનો અર્થવિહીન (nonsensical) છે. તેવી જ રીતે નીતિશાસ્ત્ર(ethics)નાં, સૌન્દર્યશાસ્ત્ર(aesthetics)નાં અને ઈશ્વરમીમાંસા(theology)નાં આવાં તમામ વિધાનો પણ અર્થવિહીન છે. આ બધી જ્ઞાનશાખાઓનાં વિધાનો અસત્ય છે કે શંકાસ્પદ છે તેવું તાર્કિક પ્રત્યક્ષવાદીઓ કહેતા નથી. તેઓ તો આવાં વિધાનો અર્થયુક્ત જ નથી તેવો અત્યંત ઉગ્ર અભિગમ ધરાવે છે. આમ તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ તત્ત્વમીમાંસાના સંપૂર્ણ વિસર્જનનું એલાન આપ્યું હતું.

ચકાસણીક્ષમતાનો સિદ્ધાંત રજૂ કરીને વિજ્ઞાનોનો સ્વીકાર કરનાર અને તત્વમીમાંસાનો અસ્વીકાર કરનાર પ્રત્યક્ષવાદીઓના મત મુજબ વિજ્ઞાનોની એકતા ખૂબ જ મહત્વની છે. તેમની દૃષ્ટિએ તમામ વિજ્ઞાનોનું વિષયવસ્તુ એક જ પ્રકારનો પદાર્થ છે તેવું દર્શાવવાની આવશ્યકતા રહે છે. શક્ય હોય તો ભૌતિકશાસ્ત્રને જ મૂળભૂત વિજ્ઞાન ગણીને બાકીનાં તમામ વિજ્ઞાનોના નિયમો ભૌતિકશાસ્ત્રના નિયમોમાંથી તારવવાની આવશ્યકતા દર્શાવવી જોઈએ એમ તેમનું કહેવું છે. તત્વચિંતકોએ વિજ્ઞાનોની ભાષાનું તાર્કિક રૂપલક્ષી (formal) સ્વરૂપ સ્પષ્ટ કરવું જોઈએ, તેમજ હકીકતો અને મૂલ્યોનું ક્ષેત્ર અત્યંત ભિન્ન છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ. પ્રાકૃતિક વિજ્ઞાનો અને સામાજિક વિજ્ઞાનો વચ્ચે પદ્ધતિમાં કોઈ મૂળભૂત તફાવતો છે તેવું તાર્કિક પ્રત્યક્ષવાદીઓ સ્વીકારતા નથી.

તત્વજ્ઞાન, તાર્કિક પ્રત્યક્ષવાદ મુજબ, કેવળ વિશ્લેષણની ચિંતનપ્રવૃત્તિ છે. દા.ત., એર અને શ્ર્લીક મુજબ ભૌતિક પદાર્થો અંગેનાં વિધાનોનું વિશ્લેષણ વ્યક્તિને થતાં રંગ, સ્વાદ, સ્પર્શ વગેરે સંવેદનોને લગતાં વિધાનોમાં કરી શકાય. તાત્વિક વિશ્લેષણનું તાર્કિક પ્રત્યક્ષવાદીઓ માટેનું મૉડલ રસેલ અને મૂરને અનુસરે છે. કારનાપનું ‘સંભાવના’ની સંકલ્પનાનું વિશ્લેષણ કે ટારસ્કીનું ‘સત્ય’ની સંકલ્પનાનું વિશ્લેષણ આવા તાત્વિક વિશ્લેષણનાં દૃષ્ટાંતો છે. એર મુજબ આઇન્સ્ટાઇને ‘સમકાલીનતા’ના ખ્યાલનું જે નવું વિશ્લેષણ કર્યું તે પણ તાત્વિક વિશ્લેષણનું મહત્વનું દૃષ્ટાંત છે. જગતને જોવાની આપણી દૃષ્ટિ તદ્દન બદલી નાખે તેવી સંકલ્પનાઓનું નિર્માણ વિજ્ઞાનના ક્ષેત્રમાં જ થાય છે તેવું એર જણાવે છે. તેથી ફિલસૂફીની સંકલ્પનાઓ વિજ્ઞાનાભિમુખ બને તો અને તો જ ફિલસૂફો પ્રગતિ કરી શકે તેવું એર માને છે. તત્ત્વચિંતન તત્વત: વિશ્લેષક પ્રવૃત્તિ છે, તેને પારલૌકિક (transcendental) તત્વોનું અસ્તિત્વ સ્થાપવાના પ્રયત્નો તરીકે ઘટાવવાની કોઈ આવશ્યકતા નથી.

વિજ્ઞાનોનાં વિધાનોની ચકાસણીક્ષમતા, ગણિત અને તર્કશાસ્ત્રનાં વિધાનોની તદેવાર્થકતા અને વિજ્ઞાનોની એકતા ઉપર ભાર મૂકનારા વિયેના સર્કલના અને તેના કાર્યક્રમને અનુસરતા અન્ય ફિલસૂફોના અનુભવવાદને તાર્કિક પ્રત્યક્ષવાદ એટલા માટે કહેવાય છે કે તેમણે વિજ્ઞાનનાં અનુભવાશ્રિત વિધાનો અને ગણિત-તર્કશાસ્ત્રનાં તદેવાર્થક વિધાનોનો ભેદ પ્રાતીક તર્કશાસ્ત્રના ઉપયોગથી અત્યંત સ્પષ્ટ રીતે રજૂ કર્યો, એટલું જ નહિ પણ વિજ્ઞાનનાં વિધાનોની તાર્કિક સંરચનાનું વિશ્લેષણ કરવાનું તત્વચિંતનનું મુખ્ય કાર્ય છે તેવું પણ તેમણે પોતાના તત્વચિંતક તરીકેના પ્રત્યક્ષ કાર્યથી સ્પષ્ટ કર્યું. તેમણે જ્ઞાનની ઉત્પત્તિના મનોવૈજ્ઞાનિક પ્રશ્નને બદલે જ્ઞાનના પ્રામાણ્ય(validity)ના તાર્કિક અને જ્ઞાનમીમાંસાને લગતા પ્રશ્નો હાથ ધર્યા અને ફિલસૂફી તથા વિજ્ઞાનનો સંબંધ નવેસરથી સ્પષ્ટ કર્યો. એરે અન્ય વ્યક્તિનાં મન વિશેનાં વિધાનો કે ભૂતકાળનાં વિધાનોનું તાત્વિક વિશ્લેષણ કર્યું. તેવી જ રીતે કારનાપે ભાષાની તાર્કિક સંરચના અંગેનું વિશ્લેષણ કર્યું.

ઉત્તરકાલીન વિટ્ગેન્સ્ટાઇનની અને તેમને અનુસરતા સામાન્ય-ભાષાના વિશ્લેષણની પદ્ધતિનો એર, પોપર, રસેલ વગેરેએ અસ્વીકાર કર્યો કારણ કે તત્ત્વજ્ઞાનના પ્રશ્નો તેમને માટે મુખ્યત્વે વિજ્ઞાનની જ્ઞાનમીમાંસાના પ્રશ્નો છે.

તાર્કિક પ્રત્યક્ષવાદીઓનાં ઘણાં વિધાનોને પડકારવામાં આવ્યાં છે. ખાસ કરીને ચકાસણીક્ષમતાનો તેમનો સિદ્ધાંત ખૂબ જ વિવાદાસ્પદ બન્યો હતો. ‘હકીકતલક્ષી વિધાનો ચકાસણીક્ષમ હોય તો અને તો જ તે અર્થયુક્ત હોય છે’ એ વિધાન પોતે જ તાર્કિક પ્રત્યક્ષવાદીઓના ધોરણે તદેવાર્થક કે વ્યાઘાતી નથી અને અવલોકનાશ્રિત પણ નથી. તેથી એ વિધાન પોતે જ અર્થયુક્ત કેવી રીતે ગણાય એ પ્રશ્ન ઉદભવે છે. આ ઉપરાંત, મર્યાદિત અવલોકનોથી સર્વદેશીય (universal) વિધાનો કદાપિ નિર્ણાયક રીતે, પૂરેપૂરી રીતે, ચકાસી શકાય જ નહિ. તેથી ખુદ વિજ્ઞાનોનાં જ ઘણાં વિધાનોને તાર્કિક પ્રત્યક્ષવાદીઓએ અર્થવિહીન ગણવાનો પ્રસંગ આવે. આમ તત્ત્વમીમાંસાનું વિસર્જન કરવાનું ધોરણ વિજ્ઞાનોના મહત્વના સર્વદેશીય નિયમરૂપી વિધાનોની સ્વીકાર્યતાને પણ નડે છે તેવી ટીકા કરવામાં આવી છે.

1970માં એરે કબૂલ્યું કે વિધાનોનો અર્થ તેમની ચકાસણીની પદ્ધતિમાં રહેલો છે એવું ધોરણ ટકી શકે તેમ નથી. તાર્કિક પ્રત્યક્ષવાદનું પુનર્મૂલ્યાંકન કરતાં 1978માં એરે તેની બધી મુખ્ય સ્વીકૃતિઓને પડતી મૂકી છે. તે અંગેના કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે : (1) 1970માં જ એરે દર્શાવ્યું કે ચકાસણીના ધોરણને અર્થયુક્ત કે અર્થવિહીન વિધાનોનો ભેદ પાડવા માટેનું ધોરણ ગણવાને બદલે તેને વૈજ્ઞાનિક અને અવૈજ્ઞાનિક વિધાનો વચ્ચેનો ભેદ પાડવાના ધોરણ તરીકે સ્વીકારી શકાય. તેનો અર્થ એમ થાય કે વિધાનો ચકાસણીક્ષમ ન હોય તો તેને વૈજ્ઞાનિક વિધાનો ન ગણાય પરંતુ તે અર્થયુક્ત વિધાનો ગણાય. એરની આ મહત્ત્વની કબૂલાતથી વિધાનોની અર્થયુક્તતા અંગેનું કડક ધોરણ એકદમ હળવું થઈ જાય છે. 1978માં એરે કબૂલ્યું કે ચકાસણીક્ષમતાની સુસ્પષ્ટ તાર્કિક રજૂઆત કરવામાં પ્રત્યક્ષવાદીઓ નિષ્ફળ ગયા છે. (2) ભૌતિક પદાર્થો વિશેના પ્રત્યેક વિધાનને સીધેસીધી રીતે વ્યક્તિના સંવેદનના વિધાન તરીકે ઘટાવી શકાય નહિ તેવું એરને જણાયું છે કારણ કે આવા પ્રયત્નો સફળ થયા નથી. (3) ભૂતકાળ અંગેનાં વિધાનોને વર્તમાનકાળ કે ભવિષ્યકાળનાં પુરાવાદર્શક વિધાનોમાં સંપૂર્ણ રીતે વિશ્લેષિત કરી શકાય તેવો પોતાનો પહેલાંનો મત એર પડતો મૂકે છે. (4) અન્ય વ્યક્તિની માનસિક અવસ્થાઓ વિશેનાં વિધાનો તેના શારીરિક વર્તનનાં વિધાનો તરીકે જ વિશ્લેષિત કરી શકાય તેવો દાવો ટકી શકે નહિ તેમ એર સ્વીકારે છે.

આમ તાર્કિક પ્રત્યક્ષવાદીઓના ઘણા દાવાઓ પડતા મૂકવાના પ્રસંગો આવ્યા છે. તેમ છતાં એર કબૂલે છે કે તાર્કિક પ્રત્યક્ષવાદે તત્વજ્ઞાનને વિજ્ઞાનાભિમુખ બનાવવામાં ઘણું મૂલ્યવાન પ્રદાન કર્યું છે અને તાર્કિક પ્રત્યક્ષવાદના કેટલાક વિશિષ્ટ સિદ્ધાંતો ભૂલભરેલા નીવડ્યા છે, છતાં તાત્વિક વિશ્લેષણનો તેનો સામાન્ય અભિગમ હજી પણ આવકાર્ય છે.

જ. આ. યાજ્ઞિક

મધુસૂદન બક્ષી