અનુભવબિંદુ (1649) : મધ્યકાલીન ગુજરાતી કવિ અખાની બ્રહ્મજ્ઞાન-વિષયક લઘુ કાવ્યકૃતિ. જીવ, જગત અને ઈશ્વરના યથાર્થ જ્ઞાનની આત્મસૂઝ દ્વારા થયેલી દૃઢ પ્રતીતિ અર્થાત્ બ્રહ્મજ્ઞાન ‘અનુભવબિંદુ’નો વિષય છે. તેનું નિરૂપણ સ્વાનુભવના અર્ક રૂપે હોવાથી નામાભિધાન ‘અનુભવબિંદુ’.

અખો અહીં ‘યોગવાસિષ્ઠ’ના અજાતવાદને અનુસરે છે. સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણનું વસ્તુત: અસ્તિત્વ જ નથી. જે દેખાય છે તે માયાનો ખેલ છે, સ્વપ્નસૃષ્ટિ છે. બાકી સઘળું બ્રહ્મમય જ છે.

‘‘જેમ છે તેમનું તેમ અખા, થયું ગયું કાંઈ નથી.’’ આમ હોય ત્યાં કલ્પિત અને અજ્ઞાનમૂલક ઈશ્વરનાં સ્વરૂપોની સ્તુતિ અખો શી રીતે કરે ? એ તો તત્ત્વમસિ પદને વાણીમાં પ્રતિપાદિત કરવા યત્નશીલ છે.

બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ તે ઈશ્વર. માયાની અસરથી જ બહ્મ જીવ બને છે. બહ્મજ્ઞાન થાય તો અહમભાવ નષ્ટ થતાં બ્રહ્માનંદ પમાય. કર્મ, ભક્તિ, યોગ વગેરે માર્ગો ખરેખર તે બ્રહ્મજ્ઞાનના અનુભવનાં સાધનો છે. સિદ્ધિ-પ્રાપ્તિ અને તેનાં પ્રદર્શનો એટલે વાસના-દોરી કંઠમાં નાખી માયાએ મર્કટ પાસે કરાવેલા નાચ. બ્રહ્મજ્ઞાનરૂપી પારસમણિથી જ મુક્તિ પમાય. અખો સ્પષ્ટ કહે છે કે સદ્ગુરુ જ આ જ્ઞાનચક્ષુ આપી શકે – ‘સગુરો જાણે સંચ.’

40 છપ્પાની (પહેલી ચાર પંક્તિમાં 24 માત્રા અને છેલ્લી બેમાં 26 માત્રાવાળી, નવીન છ ચરણની) આ રચનામાંના 36 છપ્પામાં બ્રહ્મજ્ઞાન અને છેલ્લા ચાર છપ્પામાં બ્રહ્મમય દશાનું શબ્દચિત્ર છે. અખાએ પ્રયોજેલાં દૃષ્ટાંતો તાત્પર્ય-પ્રધાન, અર્થપ્રકાશક અને મૌલિક છે.

રમણિકભાઈ જાની