અનુમાન (પ્રમાણ) : કોઈ જ્ઞાત વસ્તુ ઉપરથી અજ્ઞાત વસ્તુનું જ્ઞાન જે પ્રમાણથી થાય છે તે. આપણે દૂર પર્વત ઉપર ધુમાડો દેખીએ છીએ પણ અગ્નિને દેખતા નથી. ધુમાડો પ્રત્યક્ષથી જ્ઞાત છે. અગ્નિ અજ્ઞાત છે. જ્ઞાત ધુમાડા ઉપરથી આપણને અજ્ઞાત અગ્નિનું જ્ઞાન થાય છે. આ રીતે થયેલું અગ્નિનું જ્ઞાન અનુમાન છે. અહીં ધુમાડાને લિંગ, સાધન કે હેતુ કહેવામાં આવે છે, જ્યારે અગ્નિને લિંગી કે સાધ્ય કહેવામાં આવે છે. જ્યાં સાધ્યને સિદ્ધ કરવાનું હોય તે પક્ષ કહેવાય, જેમ કે અહીં પર્વત પક્ષથી અન્ય સ્થાનો જ્યાં સાધ્ય હોય તે સપક્ષ છે, જેમ કે અહીં રસોઈઘર ઇત્યાદિ. જ્યાં સાધ્ય ન હોય તે સ્થાનો વિપક્ષ છે, જેમ કે અહીં સરોવર ઇત્યાદિ.

અનુમાન દ્વારા અજ્ઞાત વસ્તુને જાણવા ઇચ્છતા પ્રમાતાને ત્રણ જ્ઞાનો હોવાં જરૂરી છે : (1) તેને પક્ષમાં હેતુનું દર્શન હોવું જોઈએ. અર્થાત્ હેતુ પક્ષનો ધર્મ છે એવું જ્ઞાન તેને હોવું જોઈએ. આને પક્ષધર્મતાજ્ઞાન કહેવામાં આવે છે. (2) હેતુનો સાધ્યના વિના ભાવ (= અસ્તિત્વ) હોતો નથી એ જાતના અવિનાભાવસંબંધનું (= વ્યાપ્તિનું) તેને જ્ઞાન હોવું જોઈએ. (3) તેને વ્યાપ્તિવિશિષ્ટ પક્ષધર્મતાનું જ્ઞાન-અર્થાત્ સાધ્ય સાથે અવિનાભાવ સંબંધ ધરાવનાર લિંગ પક્ષનો ધર્મ છે એવું જ્ઞાન હોવું જોઈએ. આ જ્ઞાનને લિંગપરામર્શ કે પરામર્શ કહેવામાં આવે છે.

નૈયાયિકો સદ્હેતુનાં પાંચ રૂપો (= લક્ષણો) ગણાવે છે. જે હેતુ તે પાંચે લક્ષણ ધરાવતો હોય તે જ સદ્હેતુ છે. પાંચ લક્ષણો : (1) પક્ષ સત્વ, (2) સપક્ષ સત્વ, (3) વિપક્ષ સત્વ, (4) સત્પ્રતિપક્ષત્વ અને (5) અબાધિતત્વ. હેતુનું પક્ષમાં હોવું તે પક્ષસત્ત્વ, તેનું સપક્ષમાં હોવું તે સપક્ષસત્વ અને તેનું વિપક્ષમાં ન હોવું તે વિપક્ષાસત્વ. પક્ષમાં સાધ્યનો અભાવ પુરવાર કરનાર તુલ્યબળવાળો વિરોધી હેતુ ન હોવો તે અસત્પ્રતિપક્ષત્વ. હેતુનો વિષય (= સાધ્ય) અનુમાન સિવાયના અન્ય કોઈ પ્રમાણથી બાધિત ન થવો તે અબાધિતત્વ. હેતુ જેવો દેખાવા છતાં પણ જે ઉપર્યુક્ત લક્ષણો ન ધરાવતો હોય તે હેત્વાભાસ કહેવાય છે.

અનુમાનના બે પ્રકાર છે : સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન. સ્વાર્થાનુમાનમાં વ્યક્તિ પોતે પોતાને માટે અનુમાન કરે છે. તેથી તેમાં પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવોનો પ્રયોગ થતો નથી. પરાર્થાનુમાનમાં સ્વકૃત અનુમાનને શબ્દબદ્ધ કરી બીજામાં સંક્રાન્ત કરવામાં આવે છે. તેથી એમાં પાંચ અવયવોનો પ્રયોગ આવશ્યક છે.

પરાર્થાનુમાન પંચાવયવવાક્યરૂપ છે. પાંચ અવયવો આ છે : પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન.

પ્રતિજ્ઞા : સાધ્યનું વચન પ્રતિજ્ઞા છે.

હેતુ : સાધ્યને સિદ્ધ કરવા માટે જે યુક્તિ કે સાધન હોય તેને શબ્દબદ્ધ કરી જણાવવું તે હેતુ છે.

ઉદાહરણ : જ્યાં લિંગ સાથે લિંગી પણ હોય એવા દાખલાને જણાવતું વચન ઉદાહરણ છે. પરંતુ કેવળ ઉદાહરણના બળે સાધ્ય સિદ્ધ ન થઈ શકે. તેથી ઉદાહરણ સાથે વ્યાપ્તિનું વચન પણ હોય છે.

ઉપનય : જ્યાં ઉદાહરણમાં પ્રસ્તુત કરવામાં આવેલી વ્યાપ્તિને પક્ષમાં લાગુ કરવામાં આવે છે તે વચનને ઉપનય કહેવામાં આવે છે.

નિગમન : જ્યાં સુધી પ્રતિજ્ઞા સાધ્યકોટિમાં હતી ત્યાં સુધી તે પ્રતિજ્ઞામાત્ર હતી. પરંતુ ઉપર્યુક્ત હેતુ દ્વારા પ્રમાણિત થઈ હવે તે સિદ્ધકોટિમાં આવી ગઈ છે. તે હવે પ્રતિજ્ઞા નથી, પરંતુ હેતુ વગેરે વાક્યોનો નિષ્કર્ષ છે, નિગમન છે.

નગીનભાઈ જીવણલાલ શાહ