એન્ડ્રિયેલિસ

January, 2004

એન્ડ્રિયેલિસ : વનસ્પતિઓના દ્વિઅંગી વિભાગનું એક ગોત્ર. આ ગોત્ર એક જ કુળ એન્ડ્રિયેસીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એન્ડ્રિયેસી કુળ એન્ડ્રિયા, એક્રોસ્કિસ્મા અને ન્યૂરોલોમા નામની ત્રણ પ્રજાતિઓ ધરાવે છે. આ ગોત્રનું વિતરણ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થયેલું છે. તે દ્વિઅંગીના ઉપવર્ગો સ્ફેગ્નિડી અને બ્રાયિડીનાં મધ્યવર્તી લક્ષણો ધરાવે છે. તેના બીજાણુજનક(sporophyte)માં આદ્યબીજાણુકપેશી (archespo-rium) અને સ્તંભિકા(columella)નો વિકાસ સ્ફોટીસ્તર(endo-thecium)માંથી થાય છે, પરંતુ આદ્યબીજાણુકપેશી સ્તંભિકા ઉપર ઘુંમટ આકારે ગોઠવાય છે. પ્રાવરદંડ (seta) સ્ફેગ્નમની જેમ ટૂંકો હોય છે અને કૂટપાદ(pseudopodium)ની વૃદ્ધિ દ્વારા બીજાણુજનક ઉપરની તરફ ધકેલાય છે. કેટલાક જંગરમેનિયેલિસની જેમ લંબવર્તી ફાટો દ્વારા પ્રાવર (capsule) ખૂલે છે. તેને પિધાન (operculum) કે પરિમુખદંત (peristome) હોતા નથી; પ્રતંતુ (protonema) સુકાયરૂપ (thallose) હોય છે.

ઍન્ડ્રિયા પ્રજાતિ શુષ્ક અને ખુલ્લી ઉત્તરધ્રુવીય સ્થિતિમાં કણાશ્મ (granite) ખડકો ઉપર થાય છે. તેથી તેને કણાશ્મ શેવાળ (granite moss) કહે છે. તેની 109 જેટલી જાતો માત્ર અતિશય ઠંડા ઉચ્ચપર્વતીય કે ઉપ-ઉચ્ચપર્વતીય (subalpine) પ્રદેશોમાં થાય છે. Andrea indica, A. densifolia, A. commutata અને A. rigida સિક્કિમમાં 4,500 મી.થી વધારે ઊંચાઈએ થાય છે. A. rupestris સિક્કિમ, ગરેવાલ અને પશ્ચિમ નેપાળમાં 3,900 મી.ની ઊંચાઈએ થાય છે. તેના જન્યુજનક(gametophyte)નો દેખાવ સામાન્ય શેવાળ જેવો  જ હોય છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ