પરમાર, પાનાચંદ

July, 2026

પરમાર, પાનાચંદ (જ. 13 ઑક્ટોબર 1939; અ. 27 સપ્ટેમ્બર 1995) : દલિત સમાજના ઉત્થાન માટે કાર્ય કરનાર.

પાનાચંદ હરજીભાઈ પરમાર ઇજનેર હતા અને એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રાધ્યાપક હતા. આ પ્રાધ્યાપક એટલા તો સંવેદનશીલ અને પોતાની જવાબદારી બાબતે સભાન હતા કે પાલનપુર નજીકના સાંબરડા ગામે જ્યારે દલિતોને ગામમાં ગઢવીઓના અત્યાચારોને કારણે હિજરત કરવાની ફરજ પડી ત્યારે મોરબી કૉલેજથી સરકારી નોકરીની ચિંતા કર્યા વિના પોતાના ગામના દલિતો સાથે સતત 131 દિવસ પાલનપુર કલેક્ટર કચેરીની બહાર ધરણા પર બેઠા અને લડતને દોરવણી પૂરી પાડી. સામાન્યપણે વધુ ભણેલા અને આગળ વધેલા ભાગ્યે જ પાછું ફરીને જોતા હોય છે. પાનાચંદ પરમારે તેથી વિપરીત એવું પોતાના સમાજ સાથે ખભેખભા મિલાવીને ઊભા રહેવાનું અપવાદરૂપ ઉદાહરણ પૂરું પાડ્યું.

દલિતો માટે જ્યારે શિક્ષણ મેળવવાનું વસમું હતું ત્યારે હરિસિંહ ચાવડાએ એમની સંસ્થામાં આ પાનાચંદને છાત્રાલયમાં રાખીને ભણાવ્યા. ત્યારે હરિસિંહે પાનાચંદનું ‘જગદીશ’ નામ રાખેલું. પોતાની થાળીમાં હેતપૂર્વક જમાડે. અમદાવાદ આવ્યા ત્યારે પરીક્ષિતભાઈ મજમુદારે તેમનું કૉલેજનું શિક્ષણ સુપેરે પૂરું થાય તેમાં રસ લીધો. મુંબઈની આઈઆઈટીમાં તેમણે અભ્યાસ કરેલો. હોશિયાર હતા તેથી સ્કૉલરશિપ મળેલી. તેમાંથી પરીક્ષિતભાઈને પૈસા પરત કરતા. અમેરિકા જઈ શક્યા હોત પણ કુટુંબની જવાબદારીને પ્રાધાન્ય આપ્યું. શાળાજીવનથી જ ખાદી પહેરવાની શરૂ કરેલી તે આજીવન પહેરી.

સ્વમાનનગરની લડતમાં તેમણે મક્કમતા અને નિર્ભયતા દાખવ્યાં. અખૂટ વિશ્વાસ અને ધીરજને કારણે લડત સફળતાને વરેલી. લડતનો ઇતિહાસ પુસ્તિકાઓમાં લખાયેલો છે. ગાંધીજી અને ડૉક્ટર આંબેડકર બંનેની વિચારધારાનો ગજબનો સમન્વય એમનામાં જોવા મળ્યો. ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’નું સૂત્ર પાનાચંદ પરમારે આત્મસાત્ કરી બતાવ્યું. સમાજ પેટાજ્ઞાતિવાદમાં વિભાજિત હતો ત્યારે તેઓ એનાથી ઉપર ઉઠ્યા અને સર્વ વર્ગને સ્વીકાર્ય એવા અજાતશત્રુ બની રહ્યા.

લડતને કારણે સ્વૈચ્છિક સંસ્થાઓના પરિચયમાં આવ્યા. જ્યાં પણ દલિત અત્યાચારની ઘટનાઓ બને ત્યાં પોતે દોડી જતા. એમનામાં સાદગી, સરળતા, નિસ્વાર્થતા અને સત્યપ્રિયતાના  ગુણો હતા જેને કારણે તેઓ આદર સન્માન મેળવતા રહ્યા. આંબેડકરની માફક અતિ શિક્ષિત થયા પછી પોતાના સમાજના ઉથ્થાનમાં નિષ્ઠાપૂર્વક લાગી રહ્યા હોય તેવા વ્યક્તિત્વનું એક અણમોલ ઉદાહરણ પૂરું પાડતા ગયા.

ડંકેશ ઓઝા