પરમાર રાજ્યો

February, 1998

પરમાર રાજ્યો : પરમાર વંશનાં રાજ્યો માળવા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલાં હતાં. અવંતી, આબુ, વાગડ, ભિન્નમાલ અને કિરાડુ રાજસ્થાનમાં અને દાંતા, મૂળી ને સંતરામપુર રાજ્યો ગુજરાતમાં હતાં.

માળવા : પરમાર વંશનું સૌથી મોટું અને પ્રસિદ્ધ રાજ્ય અવંતી માળવાનું હતું. તેની પ્રથમ રાજધાની ઉજ્જૈન હતી પણ મુંજના સમયમાં ધારા નગરી તેની રાજધાની થઈ હતી.

રાષ્ટ્રકૂટ રાજા ઉપેન્દ્રે કનોજના પ્રતીહાર રાજા નાગભટ્ટને હરાવીને માળવાનો પ્રદેશ તેના સામંત ઉપેન્દ્રને સોંપ્યો હતો. ઉપેન્દ્રને વૈરિસિંહ પહેલો અને ડંબરસિંહ નામના બે પુત્રો હતા. વૈરિસિંહનો પુત્ર સિયક પહેલો અને તેનો પુત્ર વાક્પતિરાજ હતો. રાષ્ટ્રકૂટ રાજા ઇન્દ્ર ત્રીજાએ પ્રતીહાર રાજા મહિપાલ પહેલાના રાજ્ય ઉપર ચડાઈ કરી ત્યારે વાક્પતિરાજે આ ચડાઈમાં ભાગ લીધો. તેના પુત્ર વૈરિસિંહ બીજાના શાસન દરમિયાન પ્રતીહાર રાજા મહિપાલ પહેલાએ માળવા ઉપર ચડાઈ કરી ઉજ્જૈન, ધારા અને નર્મદા સુધીનો પ્રદેશ જીતી લીધો; તેથી તેને નાસી જવા ફરજ પડી હતી. પણ ઈ. સ. 946માં રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાની સહાયથી વૈરિસિંહ બીજાએ માળવા જીતી લીધું. વૈરિસિંહ બીજાનો પુત્ર સિયક બીજો કે હર્ષ પરાક્રમી હતો. ગુજરાતમાં ખેટક મંડળ સહિત તેનું રાજ્ય સાબરમતી સુધી વિસ્તર્યું હતું. તેણે સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજા અવંતિવર્મા યોગરાજ, રાષ્ટ્રકૂટ રાજા ખોટ્ટિગ અને હૂણ મંડળના જજ્જવને હાર આપી હતી. કૃષ્ણરાજ ત્રીજાના મૃત્યુ પછી તેણે રાષ્ટ્રકૂટોની ધૂંસરી ફગાવી દીધી હતી, પણ ચંદેલા રાજા યશોવર્માએ તેને હરાવ્યો હતો અને માળવાનો વેત્રવતી (બેટવા) સુધીનો પ્રદેશ તેણે કબજે કર્યો હતો. સિયક બીજા પછી તેનો પુત્ર વાક્પતિરાજ બીજો કે મુંજ ઈ. સ. 974થી 992 વચ્ચે માળવાની ગાદીએ આવ્યો. સિયક બીજાને મુંજ ઘાસમાંથી જડ્યો હોવાથી તેનું નામ ‘મુંજ’ રાખ્યું હતું. તેનાં ‘શ્રીવલ્લભરાય’, ‘અમોઘવર્ષ’ જેવાં બિરુદો હતાં. તે વિદ્વાન અને શૂરવીર હતો. તેણે ત્રિપુરીના કલચુરી રાજા યુવરાજ બીજાને, મેવાડના ગોહિલ શક્તિકુમારને, નડૂલના ચાહમાન રાજા, હૂણ રાજા તથા ગુજરાતના મૂળરાજ સોલંકીને હરાવ્યા હતા. તેણે ચાલુક્ય રાજા તૈલપના સેનાપતિ અને લાટના અધિપતિ બારપ્પને તથા તૈલપ બીજાને છ વખત હરાવ્યા હતા. સાતમી વખત તેણે પોતાના પ્રધાન રુદ્રાદિત્યની સલાહ અવગણીને ગોદાવરી ઓળંગીને તૈલપ કે તૈલ બીજાના પ્રદેશ ઉપર આક્રમણ કર્યું પણ તે કેદ પકડાયો અને તેને છોડાવવાનું કાવતરું પકડાઈ જતાં તે ગૌરવપૂર્વક (993-998 દરમિયાન) મોતને ભેટ્યો હતો.

મુંજ માત્ર શૂરવીર ન હતો પણ તે કલાકારો અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. ધનંજય ભટ્ટ, હલાયુધ, ધનિક, પદ્મગુપ્ત, અમિતગતિ વગેરે અનેક કવિઓ તેની વિદ્વત્સભાના ભૂષણ સમાન હતા. તેણે ઘણાં સરોવરો-મંદિરો બંધાવ્યાં હતાં. તેના મૃત્યુથી વિદ્યાની દેવી સરસ્વતી નિરાધાર થઈ ગઈ એમ પણ કહેવાયું.

મુંજ પછી સિંધુરાજ ગાદીએ આવ્યો. ‘કુમાર નારાયણ’ અને ‘નવસાહસાંક’ તેનાં બિરુદો હતાં. તેણે દક્ષિણના રાજા સત્યાશ્રયને, શિલાહાર વંશના અપરાજિતને, કોશલના સોમવંશી રાજા, હૂણ રાજા તથા લાટના રાજાને તેમજ પાટણના સોલંકી ચામુંડને હરાવ્યા હતા. ઈ. સ. 1000માં તે મૃત્યુ પામ્યો.

સિંધુરાજ પછી તેનો પુત્ર ભોજરાજ ગાદીએ આવ્યો. તે વિદ્યાનો અને કલાકારોનો આશ્રયદાતા હતો. ભોજે વહાણના બાંધકામને લગતા ‘યુક્તિકલ્પતરુ’, કાવ્યશાસ્ત્રવિષયક ‘સરસ્વતીકંઠાભરણ’ જેવા ત્રેવીસ જેટલા વિવિધ વિષયોના ગ્રંથો લખ્યા હતા. તેના રાજ્યમાં માળવા ઉપરાંત મેવાડ, ભીલ્સા, ખાનદેશ, કોંકણ અને ગોદાવરીની ખીણના ઉપરના ભાગનો સમાવેશ થતો હતો. ગુજરાતના ભીમદેવ પહેલા તથા કલચુરીના કર્ણ સાથે લડતાં, તેનું 1055માં મૃત્યુ થયું અને તેનું રાજ્ય વહેંચી લેવામાં આવ્યું. તેણે ભોજપુર શહેરની સ્થાપના કરી હતી અને અનેક શિવમંદિરો તથા તળાવો બંધાવ્યાં હતાં.

ભોજના અનુગામી જયસિંહે ચાહમાન વિગ્રહરાજ બીજાની સહાયથી માળવા પાછું મેળવ્યું. તેના પુત્ર ઉદયાદિત્યના ઈ. સ. 1080 અને 1086ના શિલાલેખો મળે છે. સોમેશ્વર બીજા તથા ગુજરાતના કર્ણ સાથેના યુદ્ધમાં જયસિંહ માર્યો ગયો. ત્યારબાદ તેના પુત્રો લક્ષ્મણદેવ અને નરવર્માએ ક્રમશ: રાજ્ય કર્યું. જૂનાગઢ ઉપર સિદ્ધરાજે ચઢાઈ કરી ત્યારે નરવર્મા પાટણ ઉપર ચડી આવ્યો પણ ધન આપીને તેને શાંતુ મહેતાએ પાછો કાઢ્યો. સૌરાષ્ટ્રવિજય પછી સિદ્ધરાજે નરવર્માને હરાવીને તેનું રાજ્ય કબજે કર્યું. નરવર્માનું 1133માં મૃત્યુ થયું. તેના અનુગામી ભાઈ યશોવર્માને પણ સિદ્ધરાજે હરાવીને માળવા કબજે કર્યું. યશોવર્મા પછી જયવર્મા અને તેનો ભાઈ અજયવર્મા, વિંધ્યવર્મા, સુભટવર્મા અને અર્જુનવર્મા ગાદીએ આવ્યા. અર્જુનવર્મા નિર્વંશ જતાં ઉદયવર્માનો નાનો ભાઈ દેવપાલ અને તેનો પુત્ર જયસિંહદેવ ગાદીએ આવ્યા. ઈ. સ. 1258માં જયસિંહદેવના મરણ પછી તેનો નાનો ભાઈ જયવર્મા બીજો ગાદીએ આવ્યો. તેના પછી અર્જુનદેવ, ભોજ બીજો અને તેનો પિતરાઈ જયસિંહ ચોથો ક્રમશ: ગાદીએ આવ્યા. છેલ્લા રાજાના પ્રધાન ગોગે માળવાનો અર્ધપ્રદેશ પચાવી પાડ્યો હતો. ગુજરાતના વાઘેલા રાજા સારંગદેવે તેને હરાવેલો.

માળવા મુસ્લિમ આક્રમણને કારણે નબળું પડ્યું. જલાલુદ્દીન ફિરોઝશાહે 1292માં માળવા ઉપર આક્રમણ કરી ઉજ્જૈન લૂંટ્યું અને મંદિરોનો નાશ કર્યો. બે વરસ પછી તેના ભત્રીજા અલાઉદ્દીને ભીલ્સા જીતી માળવાનો પૂર્વભાગ કબજે કર્યો. મહમ્મદ તુઘલુકના સમયમાં ઈ. સ. 1344માં મુસલમાનોએ માળવા જીતી લઈને પરમાર વંશનો અંત આણ્યો.

આબુશાખા : આ શાખાનો મૂળ પુરુષ સિંધુરાજ હતો. તેના અનુગામી રાજાઓ ઉત્પલરાજ, અરણ્યરાજ, કૃષ્ણરાજ અને ધરણીવરાહ હતા. ધરણીવરાહે ઈ. સ. 997માં પાટણના રાજા મૂળરાજ સામે નિષ્ફળ બળવો કર્યો હતો; મૂળરાજનું સામંત પદ તેણે સ્વીકારતાં તેને તેનું રાજ્ય પાછું મળ્યું. ધરણીવરાહનો પુત્ર મૂળરાજ અને તેનો પુત્ર ધંધુક પણ પાટણના સામંતો હતા. ભીમદેવ પહેલાના સમયમાં ધંધુકે ઈ. સ. 1027 અને 1042માં માથું ઊંચક્યું હતું; પણ તે ફાવ્યો ન હતો. ધંધુક પછી તેનો પુત્ર પૂર્ણપાલ, તેનો નાનો ભાઈ કૃષ્ણરાજ બીજો, ધ્રુવ ભટ, રામદેવ અને વિક્રમસિંહ થઈ ગયા. છેલ્લા રાજા કુમારપાલે જ્યારે અજમેરના અર્ણોરાજ ઉપર ચડાઈ કરી ત્યારે તેને મદદ કરી સાથ આપ્યો હતો; પણ તે દુશ્મન સાથે ભળી જતાં કુમારપાલે તેના ભાઈ યશોધવલને ગાદી આપી. માળવાની ચડાઈમાં તે કુમારપાલ સાથે રહ્યો હતો અને લાટના રાજા બલ્લાલને હરાવ્યો હતો. યશોવિજય પછી ગાદીએ આવેલા ધારાવર્ષદેવે કુમારપાલથી ભીમદેવ બીજાના સમય સુધી – પંચોતેર વરસ સુધી રાજ્ય કર્યું. ધારાવર્ષ પછી સોમસિંહ, કૃષ્ણરાજ ત્રીજો, પ્રતાપસિંહ અને વિક્રમસિંહ થઈ ગયા. ઈ. સ. 1311માં જાલોરના રાવ લુંભાએ આબુ અને ચંદ્રાવતી જીતી લીધા પછી આ વંશનો અંત આવ્યો. ધારાવર્ષદેવના ભાઈ પ્રહ્લાદનદેવે પાલનપુર વસાવ્યું. ચંદ્રાવતીમાં ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહ દંડનાયક તરીકે નિમાયા. વિમલશાહે આબુ ઉપરના દેલવાડાનું વિમલવસહીનું પ્રખ્યાત દેરાસર બંધાવ્યું.

વાગડશાખા (રાજસ્થાન) : ઉપેન્દ્ર કૃષ્ણરાજના પુત્ર ડંબરસિંહે વાંસવાડા-ડુંગરપુરનો પ્રદેશ જીતી, અર્થૂણાને તેની રાજધાની બનાવી. અર્થૂણામાં તળાવને કિનારે ચાલુક્યશૈલીનાં મંદિરોનો સમૂહ છે. ડંબરસિંહ પછી ધનિક, ચચક અને કંકદેવ ગાદીએ આવ્યા. કંકદેવ કર્ણાટકના ખોટ્ટિગદેવ સાથે લડતાં મરણ પામ્યો. તેના પછી પાંચ રાજાઓ થઈ ગયા. છેલ્લો રાજા વિજયરાજ હતો. વિજયરાજના વારસો પાસેથી મેવાડના રાજાએ આ પ્રદેશ ઈ. સ. 1179માં જીતી લેતાં આ વંશનો અંત આવ્યો.

ભિન્નમાલ અને કિરાડુ : સિંધુરાજના પુત્ર દુ:શલે આ વંશની સ્થાપના કરી હતી. અગિયારમી સદીના પ્રારંભનાં વર્ષોમાં દુ:શલના અનુગામી પુત્ર દેવરાજે ચૌહાણ રાજા દુર્લભરાજ પાસેથી મરુમંડલ જીતી લીધું. દેવરાજના પૌત્ર કૃષ્ણદેવરાજને ભીમદેવ પહેલાએ કેદ કરેલો પણ નડૂલના ચૌહાણ રાજા બાલાપ્રસાદે તેને મુક્ત કરાવ્યો. આ કૃષ્ણદેવરાજનો એક પુત્ર જયંતસિંહ હતો. તેના બીજા પુત્ર સોછરાજના હાથે કિરાડુની શાખા સ્થપાઈ. તેના પુત્રો ઉદયરાજ અને સોમેશ્વર સિદ્ધરાજના સામંતો હતા. કુમારપાલની હૂંફને કારણે તેમનું રાજ્ય ટકી રહ્યું હતું. તેણે સિદ્ધપુર અને તણકોટ અને નવસરના બે કિલ્લાઓ જીતી લીધા હતા. જોધપુર અને જેસલમેર પ્રદેશના જજ્જકે બળવો કર્યો ત્યારે તેને કુમારપાલની સત્તા સ્વીકારવાની ફરજ પાડી હતી. નડૂલના ચૌહાણ રાજા આલ્હણે આ રાજ્યને થોડા વખત માટે જીતી લીધું હતું પણ સોમેશ્વરે તે ફરી જીતી લીધું. ત્યારપછીનો ઇતિહાસ મળતો નથી.

જાલોરની શાખા : આબુના ધારાવર્ષના વંશજ વાક્પતિનો પુત્ર ચંદન આ શાખાનો સ્થાપક હતો. ચંદન પછી દેવરાજ, અપરાજિત, વિજ્જલ અને વીસલે રાજ્ય કર્યું હતું. આ વંશના છેલ્લા રાજા કુંનપાલે નડૂલના ચૌહાણ રાજા કીર્તિપાલને રાજ્ય સોંપી દેતાં આ વંશનો બારમી સદીના ઉત્તરાર્ધમાં અંત આવ્યો હતો.

ગુજરાતનાં પરમાર રાજ્યો : ગુજરાતમાં દાંતા, મૂળી અને સંતરામપુરનાં દેશી રાજ્યો પરમાર વંશનાં હતાં. દાંતા રાજ્ય બનાસકાંઠામાં આવેલું હતું. સિંધના નગર થટ્ટાથી ઈ. સ. 1064માં કેદાર કે કેશરીસિંગે આવીને પ્રથમ ગબ્બરગઢ અને ત્યારબાદ તરસંગ ખાતે તેમની રાજધાની સ્થાપી હતી. ઈડરના રાવે તરસંગને ખેદાનમેદાન કર્યા પછી રાણા જેતમલે ઈ. સ. 1544માં દાંતા ખાતે રાજધાની સ્થાપી. આ રાજ્યનાં 179 ગામો હતાં. ભારત દેશને આઝાદી મળી ત્યારે રાણા ભવાનસિંહજી ગાદીએ હતા. તે અંબાજી માતાના ભક્ત હતા. 10મી જૂન, 1948ના રોજ દાંતા ભારતીય સંઘમાં જોડાયું.

મૂળી રાજ્યના સ્થાપક સોઢા પરમાર હતા. ઈ. સ. 1159માં કચ્છથી તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા. તેમના આગેવાન લખધીરજી હતા. થાન અને ચોટીલાના વસવાટ પછી તેઓ ભોગાવા નદીની નજીક મૂળી ગામ વસાવી અહીં રાજ્ય કરવા લાગ્યા. છેલ્લા રાજા હરિશ્ચંદ્રસિંહજી હતા. આ રાજ્ય ઝાલાવાડ (સુરેન્દ્રનગર) જિલ્લામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં આવેલ સંતરામપુરના રાજા માળવાના પરમારના વંશજો હોવાનો દાવો કરે છે. 1247માં મુસ્લિમ આક્રમણને કારણે જાલમસિંહના પુત્ર સંત ભીલોના બ્રહ્મપુરી ગામમાં વસ્યા અને તેને 1255માં સુંથ નામ આપ્યું. 1819માં સિંધિયાના લશ્કરે આ રાજ્ય જીતી લીધું હતું, પણ બ્રિટિશ સરકારે હસ્તક્ષેપ કરતાં આ રાજ્ય બચી ગયું હતું. 31 ઑક્ટોબર, 1913ના રોજ ગુરુ ગોવિંદની આગેવાની નીચે ભીલોએ બળવો કર્યો અને સંતરામપુર પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યા. આમ સુંથ ભયમાં મુકાતાં પોલિટિકલ એજંટ હડસને લશ્કર મોકલી ભીલોને વિખેરી નાંખ્યા. ગુરુ ગોવિંદને દેશનિકાલની સજા કરી. માનગઢ ડુંગર ઉપર તેની ધૂણી છે અને ડુંગરપુર, વાંસવાડા અને સંતરામપુરના ભીલો માનગઢ ડુંગર ઉપર ભેગા થાય છે. છેલ્લા મહારાણા પ્રવીણસિંહજી 1948માં મૃત્યુ પામ્યા. રાણા અપુત્ર હતા તેથી રાણી હંસાકુંવરબાએ કૃષ્ણકુમારસિંહજીને દત્તક લીધા હતા. 1948ના એપ્રિલમાં આ રાજ્યનું ભારતમાં વિલીનીકરણ થયું.

શિવપ્રસાદ રાજગોર