રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

July, 2026

રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. (જ. 5 જાન્યુઆરી, 1948, દેપલા, સૌરાષ્ટ્ર) : પ્રભાવક વ્યાખ્યાનશૈલી ધરાવતા અનેક ઉત્કૃષ્ટ ગ્રંથોના સર્જક અને જન-જનના હૃદયમાં ઉપદેશથી પરિવર્તન આણનાર પદ્મભૂષણ વિભૂષિત, રાજપ્રતિબોધક, સરસ્વતી લબ્ધપ્રસાદ જૈનાચાર્ય. પિતા દલીચંદભાઈ અને માતા ચંપાબહેન. તેમનું સંસારી નામ રજની હતું.

એ જીવનપરિવર્તનનો રંગ એવો લાગ્યો કે 19મા વર્ષે 26 એપ્રિલ, 1967માં ચૈત્ર વદ 2, વિ. સં. 2023ના દિવસે રજનીએ પોતાનું સંપૂર્ણ જીવન પંન્યાસ ભાનુવિજય મ.નાં ચરણોમાં સમર્પિત કર્યું અને મુનિ રત્નસુંદરવિજયજીએ દીક્ષા અંગીકાર કરી.

સંયમપર્યાયના પ્રારંભકાળથી જ પોતાના ગુરુ આચાર્ય ભુવનભાનુસૂરિજી માટે ઉચ્ચકક્ષાનો સમર્પણ ભાવ રહ્યો.

પૂજ્ય આચાર્ય રત્નસુંદરસૂરિ મ.સા.એ આજ સુધીમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને નવી દિલ્હીમાં 2 લાખ અને 25 હજાર કિલોમીટરનો પગપાળા વિહાર કર્યો છે અને ભારતભરનાં અનેક રાજ્યો, શહેરો, ગામો તથા શ્રી જૈન સંઘોમાં પ્રવચન અને પુસ્તક-લેખન દ્વારા જીવનમૂલ્યોના પાઠ શીખવ્યા અને તેમના જીવનપરિવર્તન, હૃદયપરિવર્તન અને મનપરિવર્તનમાં નિમિત્ત બન્યા. ઈ. સ. 1996માં એમને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. દિલ્હીના ચાર ચાતુર્માસ દરમિયાન પંથ અને ધર્મના ભેદ ભૂલીને શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, હિંદુ, મુસ્લિમ અને શીખો એમનાં પ્રવચનો સાંભળવા માટે ઊમટ્યા હતા. મહારાષ્ટ્રમાં અજૈન સભામાં જ્ઞાનેશ્વરી ગીતાની વાત કરી. એમનાં પ્રવચનોના પ્રભાવે 350થી વધુ યુવકો એમનાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાંથી પરિવારમાં પાછા લાવ્યા. અને અનેક દંપતીઓએ અદાલતમાંથી છૂટાછેડાના કેસ પાછા ખેંચી લીધા હતા.

આચાર્ય રત્નસુંદરસૂરિ મ.સા.એ આજસુધીમાં ગુજરાતી ભાષામાં 500 પુસ્તકોનું સર્જન કર્યું છે, જેમાંથી ઘણાં પુસ્તકોનાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ઉર્દૂ, તામિલ, સિંધી, કન્નડ, બંગાળી ભાષામાં અનુવાદ પામ્યા છે. એમનું પ્રથમ પુસ્તક `જીવનઉદ્યોત’ હતું. આચાર્ય ભગવંતશ્રીલિખિત પુસ્તક ‘લખી રાખો આરસની તકતી પર’ની ગુજરાતી ભાષામાં 55 આવૃત્તિ સાથે 3 લાખ 50 હજારથી પણ વધુ પુસ્તકો પ્રગટ થયાં અને નવ-નવ ભાષામાં આ પુસ્તક પ્રકાશિત થયું છે. સાસુ-વહુના સંબંધો વિશેનું પુસ્તક `ઝેર જ્યારે નીતરી જાય છે’ એની એક લાખ કરતાં, પણ વધુ નકલો ખપી ગઈ છે.

એક જ લેખક દ્વારા વિવિધ વિષય પર વધુમાં વધુ પુસ્તકલેખન માટે પૂજ્ય આચાર્ય ભગવંતને `ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ’માં સ્થાન પ્રાપ્ત થયેલ છે. પૂજ્ય આચાર્ય ભગવંતલિખિત 300મું પુસ્તક `મારું ભારત, સારું ભારત’નું વિમોચન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરદ હસ્તે થયું હતું. દસ દિવસ સુધી યોજાયેલા આ `સાહિત્ય સત્કાર સમારોહ’(મુંબઈ)માં ભારતભરમાંથી 20 લાખથી પણ વધુ વ્યક્તિઓએ મુલાકાત લીધી હતી. 700થી વધુ સાધુ-સાધ્વી ભગવંતોએ તે પ્રસંગમાં સ્થિરતા આપેલ અને એક અવિસ્મરણીય પ્રસંગ મુંબઈમાં યોજાયો હતો.

આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિજી મ.સા.એ દિલ્હીમાં ચાર ચતુર્માસ કર્યા અને આ દરમિયાન દિલ્હીમાં રાજનેતાઓ અને અધિકારીઓના સંપર્ક કરી કરીને સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રઉત્થાન માટે કેટલાંય કાર્યો કર્યાં, જેમાં પોર્નોગ્રાફી વેબસાઇટ પર પ્રતિબંધ, માંસની નિકાસ તથા સેક્સ-શિક્ષણ પર પ્રતિબંધ એ અત્યંત મહત્ત્વના તથા શીલ-સદાચાર અને સંસ્કૃતિ રક્ષાનાં કાર્યો બની રહ્યાં. આથી ભારત સરકાર તરફથી અને ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી દ્વારા પૂજ્યપાદ આચાર્ય ભગવંતને `પદ્મભૂષણ’ ઍવૉર્ડથી 2017માં સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને દિલ્હી જેવાં રાજ્યોનાં વિવિધ શહેરોમાં સાધર્મિક પરિવારના ઉત્થાન માટે સાધર્મિક ફાઉન્ડેશનની રચના કરવામાં આવી, જેનાથી લાખો સાધર્મિક પરિવારને છેલ્લાં કેટલાંય કાર્યોથી હૂંફ અને સહાય મળી રહી છે.

 કલ્પેશ વી. શાહ