રત્નમાલ : 17મા કે 18મા સૈકાનું કવિ કૃષ્ણનું હિંદી કાવ્ય. તેમાં જણાવ્યા મુજબ ગુજરાતના ચાવડા વંશના વનરાજનો પિતા જયશિખરી પંચાસરનો રાજા હતો અને એને યુદ્ધમાં મારી નાખી કનોજના રાજા ભુવડે એનું રાજ્ય લઈ લીધું હતું. કનોજના રાજા ભુવડે પંચાસર જીતવા વાસ્તે શરૂમાં પોતાના સોળે પટાવતો(ગામગરાસનો પટો ધરાવનાર)ને મોકલ્યા હતા; છતાં જીત ન મળવાથી આખરે ભુવડ જાતે પંચાસર ગયો અને લડાઈમાં જયશિખરીને હરાવ્યો. ‘રત્નમાલ’માં જણાવ્યા પ્રમાણે વનરાજનો જન્મ વિક્રમ સંવત 752ના વૈશાખ માસની પૂર્ણિમાએ વનમાં થયો હતો. આ હિંદી કાવ્યમાંથી ગુજરાતના ચાવડા અને સોલંકી વંશનો અધૂરો ઇતિહાસ જાણવા મળે છે. આ કાવ્યનો મુખ્ય હેતુ સિદ્ધરાજ જયસિંહનું ચરિત આલેખવાનો છે; પરન્તુ હાલમાં જે અપૂર્ણ ગ્રંથ મળે છે તેમાં તો સોલંકી વંશ અગાઉના ચાવડા વંશનું વર્ણન પણ સંપૂર્ણ નથી મળતું.

જયકુમાર ર. શુક્લ