તાતા, નોએલ (જ. 24 જાન્યુઆરી, 1957, મુંબઈ, ભારત) : ભારતીય-આયરિશ બિઝનેસમૅન. પૂરું નામ નોએલ નવલ તાતા. તાતા ટ્રસ્ટ્સમાં 66 ટકા હિસ્સો ધરાવતા તાતા સન્સના ચૅરમૅન. તાતા સન્સ જ તાતા ગ્રૂપની મૂળ કંપની છે, જેની પાસે ગ્રૂપના મોટા ભાગના શેર છે. સાથે સાથે ટ્રેન્ડ અને તાતા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનના પણ ચૅરમૅન. પ્રસિદ્ધ વોચ કંપની ટાઇટન અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ પૈકીની એક તાતા સ્ટીલના વાઇસ ચૅરમૅન. સ્વ. રતન તાતાના અનુગામી અને સાવકા પિતરાઈ ભાઈ.
નવલ તાતાના પ્રથમ લગ્ન સૂની કૉમિસરિયેટ સાથે કર્યા હતા. દંપતીને બે પુત્રો રતન અને જિમી તાતા થયા. પછી નવલ અને સૂની વચ્ચે પારિવારિક ઘર્ષણ થવાથી 1950ના દાયકામાં છૂટાછેડા થયા. ત્યાર બાદ નવલ તાતાએ સ્વિટ્ઝર્લૅન્ડ બિઝનેસ વૂમેન સિમોન ડૂનોયર સાથે લગ્ન કર્યાં, જેમને ત્યાં નોએલ તાતાનો જન્મ થયો.
પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધા પછી નોએલ તાતાએ યુનાઇટેડ કિંગ્ડમમાં સસેક્સ યુનિવર્સિટીમાં બિઝનેસ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ઉપાધિ મેળવી. આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાવસાયિક રીતો અને વ્યૂહરચનાઓની પ્રાથમિક સમજણ નોએલને આ અભ્યાસક્રમમાં મળી. ત્યાર બાદ ફ્રાંસમાં INSEAD નામના ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં અભ્યાસ કર્યો.
ભારતમાં પુનરાગમન કર્યા પછી તાતા ઇન્ટરનેશનલમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરીને નોએલે વિદેશોમાં ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવામાં બહોળો અનુભવ મેળવ્યો. જૂન, 1999માં તાતા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ, જેની સ્થાપના તેમની માતા સિમોન તાતાએ જ કરી છે. નોએલના નેતૃત્વમાં ટ્રેન્ટએ લિટલવૂડ ઇન્ટરનેશનલ નામના ડિપાર્ટમેન્ટ સ્ટોરના વ્યવસાયનું અધિગ્રહણ કર્યું અને તેનું નામ બદલીને વેસ્ટસાઇડ રાખ્યું. તાતા ગ્રૂપમાં નોએલનાં નેતૃત્વમાં વેસ્ટસાઇડનો વિકાસ થયો અને નફાકારક સાહસ બન્યું. સ્ટાર બઝારની શરૂઆત કરવાનો શ્રેય પણ નોએલ તાતાને જાય છે. હાલ આ બંને ભારતીય રિટેલ બજારમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
2003માં નોએલની નિમણૂક ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટાસના ડિરેક્ટર તરીકે થઈ. 2010માં તાતા ગ્રૂપના વિદેશી વ્યવસાયનું સંચાલન કરતી તાતા ઇન્ટરનેશનલના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ. એ સમયથી રતન તાતાના વારસદાર તરીકે નોએલ તાતાની નિમણૂક થશે એવી ધારણા ઉદ્યોગજગતમાં ફેલાઈ હતી. જોકે, 2011માં નોએલ તાતાના સાળા સાયરસ મિસ્ત્રીની રતન તાતાના અનુગામી તરીકે નિમણૂકની જાહેરાત થઈ, જેમણે ફેબ્રુઆરી, 2017 સુધી તાતા સન્સનું ચૅરમૅનપદ સંભાળ્યું હતું.
વર્ષ 2018માં નોએલ ટાઇટન કંપનીના વાઇસ ચૅરમૅન બન્યા અને ફેબ્રુઆરી, 2019માં તેમને સર રતન તાતા ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવ્યા. માર્ચ, 2022માં તાતા સ્ટીલના વાઇસ ચૅરમૅન તરીકે નિમણૂક થઈ. ઑક્ટોબર, 2024માં રતન તાતાનું અવસાન થયા પછી નોએલની નિમણૂક તાતા સન્સના ચૅરમૅન તરીકે થઈ.
તાતા ગ્રૂપના જમશેદજી તાતાથી લઈને રતન તાતા સુધી દરેક પુરોગામી ચૅરમૅનની જેમ નોએલ તાતા પણ સમાજને પરત કરવાની એટલે કે સમાજોપયોગી કાર્યો કરવાની ફિલસૂફીમાં માને છે. તાતા ટ્રસ્ટ(તાતા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટને વિલીન કરીને બનાવેલું ટ્રસ્ટ્સ)ના ચૅરમૅન તરીકે નોએલ દેશમાં શિક્ષણક્ષેત્રને ગુણવત્તાયુક્ત બનાવવામાં તાતા ગ્રૂપની કંપનીઓને વિવિધ પહેલ કરવા પ્રોત્સાહન આપે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ જ ગરીબીનાં વિષચક્રનો અંત લાવવા તથા આત્મવિશ્વાસ અને દૃઢતા સાથે સ્વપ્નો સાકાર કરવાની ચાવી છે એ માન્યતા સાથે નોએલ દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને તાતા ગ્રૂપની કંપનીઓ મારફતે મોટા પાયે અનુદાન આપે છે.
રતન તાતાએ દેશમાં આરોગ્યક્ષેત્રને સર્વસુલભ બનાવવા માટે શરૂ કરેલી વિવિધ પહેલોને પણ નોએલ હાલ આગળ વધારી રહ્યાં છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને કૅન્સરની સારવાર આપવા માટે રતન તાતાએ કૅન્સર હૉસ્પિટલો શરૂ કરવાની પહેલને આગળ વધારવા પર નોએલ વિશેષ ભાર મૂકે છે.
પર્યાવરણપ્રેમી નોએલ પર્યાવરણને અનુકૂળ સમાધાનોને પ્રોત્સાહન આપવા, અક્ષય ઊર્જાસ્રોતોને વધારવા અને સામુદાયિક સશક્તીકરણની પહેલો માટે ફંડ પ્રદાન કરીને આબોહવામાં પરિવર્તનના ગંભીર પડકારનો સામનો કરવા તાતા ગ્રૂપને વધુ સજ્જ કરી રહ્યા છે.
આયરિશ નાગરિકતા ધરાવતા નોએલનાં પત્ની આલૂ મિસ્ત્રી છે, જે તાતા સન્સમાં સૌથી મોટા શેરધારક પલોનજી મિસ્ત્રીના પુત્રી અને તાતા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સ્વ. સાયરસ મિસ્ત્રીનાં બહેન છે. ત્રણ સંતાનો લીયા, માયા અને નેવિલ.
લીયા તાતા ગ્રૂપની કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડમાં વાઇસ પ્રેસિડન્ટ છે. બીજી પુત્રી માયા તાતા કૅપિટલમાં એનાલિસ્ટ છે અને તાતા મેડિકલ સેન્ટર ટ્રસ્ટમાં બોર્ડ મેમ્બર છે. પુત્ર નેવિલે ટ્રેન્ડ લિમિટેડમાં કારકિર્દી શરૂ કરી છે.
કેયૂર કોટક
