તાતા, મહેરબાઈ (જ. 10 ઑક્ટોબર 1879, મુંબઈ; અ. 18 જૂન 1931, નૉર્થ વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ભારતના પારસી પરિવારની મહાન સખાવતી સમાજસેવી મહિલા. પિતા કર્નલ હોરમસજી જે. ભાભા, મૈસૂર રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ એજ્યુકેશન હતા. આથી મહેરબાઈને તેમના કુટુંબમાં બચપણથી જ સ્વતંત્રતાને પોષક વાતાવરણ સાંપડ્યું. તેમને અંગ્રેજી સાહિત્યનો શોખ હોવા સાથે સંગીત અને રમતગમતમાં ઊંડો રસ અને રુચિ હતાં. તેઓ સરસ રીતે પિયાનો વગાડતાં તેમ ટેનિસની રમતમાં પણ ભાગ લેતાં. પશ્ચિમ ભારતની ટેનિસ-સ્પર્ધામાં તેમને ઇનામ પણ મળ્યું હતું. તેમના ભાઈ જહાંગીર ભાભા નોંધપાત્ર વ્યક્તિ હતા. જહાંગીર ભાભાના પુત્ર હોમી જહાંગીર ભાભા ભારતના જાણીતા અણુવિજ્ઞાની હતા.

જમશેદજી તાતાના પુત્ર અને ખ્યાતનામ ઉદ્યોગપતિ દોરાબજી તાતા સાથે 1898માં મહેર લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નબાદ તેઓ તાતા કુટુંબની પરંપરા મુજબ સમાજસેવાના ક્ષેત્રે સક્રિય બન્યાં. હંસાબહેન મહેતા અને સરોજિની નાયડુ જેવાં ઉચ્ચ કક્ષાનાં મહિલા-મિત્રો સાથે રહી દાનનો પ્રવાહ વહેતો કરવા સાથે સમાજસેવામાં તેઓ ખુદ જોડાતાં. ‘બૉમ્બે પ્રેસિડેન્સી વુમન્સ કાઉન્સિલ’ અને ‘નૅશનલ કાઉન્સિલ ઑવ્ વુમન’નાં તેઓ સ્થાપક સભ્ય હતાં. શિક્ષણ અને ભારતીય મહિલાઓની પ્રગતિમાં ઊંડો રસ ધરાવતાં મહેરબહેન સતત બંને ક્ષેત્રે પ્રવૃત્ત હતાં. વળી, મહિલા પરિષદ અને તેવી બીજી પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય હતાં. તેઓ ધારાસભામાં મહિલા-ભાગીદારી વિશે 1928–30ના ગાળામાં અત્યંત સજાગ હતાં. વળી આ બાબત પરત્વે મહિલા-કાર્યકરોને પ્રોત્સાહિત પણ કરતાં હતાં.

‘જ્યુબિલી ડાયમંડ’ તરીકે ઓળખાતા અને કોહિનૂર હીરા કરતાં બેગણા મોટા હીરાનાં તેઓ માલિક હતાં. તેઓ ઘણાં સુંદર પણ હતાં. આમ, શ્રીમંત છતાં સામાન્ય સ્તરની મહિલાઓ સાથે તેઓ બેધડક કામ કરતાં. 1920માં મુંબઈના ભાઈખલા વિસ્તારનાં તોફાનગ્રસ્ત કુટુંબો ભૂખે મરી રહ્યાં છે એમ જાણતાં જ તેમણે આ મહિલાઓને શાકભાજી વેચવા પ્રેરી અને સ્વાવલંબનના પાઠ શીખવ્યા. વધુમાં તેઓ પોતે પણ આ કામમાં જોડાયાં. આથી બ્રિટિશ પોલીસ-કમિશનરે તેમને કહ્યું કે આ કામ તમારી સંસ્કારિતાને માટે શોભાસ્પદ નથી, ત્યારે તેમનો જવાબ હતો : ‘આ કામ અમે શોભા માટે નહિ પણ ઉપયોગિતા માટે કરી રહ્યાં છીએ.’

1930માં 50 વર્ષની વયે તેઓ અસાધ્ય ગણાતા લોહીના કૅન્સરના ગંભીર રોગનો ભોગ બન્યાં. સારવાર માટે તેમને ઇંગ્લૅન્ડ લઈ જવામાં આવ્યાં, પરંતુ તેમને બચાવી શકાયાં નહિ. પત્નીની સ્મૃતિમાં દોરાબજી તાતાએ બે ટ્રસ્ટ રચ્યાં. એક, લેડી મહેરબાઈ તાતા એજ્યુકેશન ટ્રસ્ટ. આ ટ્રસ્ટ મહિલા-સ્નાતકો વિદેશોમાં વધુ અભ્યાસાર્થે જઈ શકે તે પ્રકારની મદદ માટે રચાયું હતું. બીજું હતું લેડી તાતા મેમૉરિયલ ટ્રસ્ટ (LTMT). મહેરબાઈની સ્મૃતિમાં રચાયેલા આ ટ્રસ્ટનો વિશેષ હેતુ હતો સંશોધનનો. આ ટ્રસ્ટ દ્વારા લોહી-સંબંધિત રોગો (મહેરબાઈ લુકેમિયાનો ભોગ બન્યાં હોવાથી) અંગેનાં સંશોધનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તે આશય હતો. આ ટ્રસ્ટની આવકનો ચાર-પંચમાંશ હિસ્સો આંતરરાષ્ટ્રીય સ્તરનાં સંશોધનોને ફાળે જાય છે. આ માટે લંડન ખાતેની તજ્જ્ઞોની આંતરરાષ્ટ્રીય સમિતિ અત્યંત કાળજીપૂર્વક સંશોધનકારોને પસંદ કરે છે. 1996–97માં 2,00,000 પાઉન્ડના ખર્ચ દ્વારા ચાર દેશોના મળીને નવ વૈજ્ઞાનિકોને આ અંગેનાં વધુ સંશોધનો માટે પ્રેરિત કરાયા હતા. લુકેમિયા અંગેનાં સંશોધનોના પિતા ગણાતા ડૉ. ડેવિડ ગાલ્ટને 1990માં જણાવેલું કે આમાંનાં કેટલાંક સંશોધન નોબેલ પ્રાઇઝ અને અન્ય નોંધપાત્ર ઇનામો આપી શકાય તે સ્તરનાં છે.

તાતા પરિવારના મિત્રો અને અભ્યાસીઓએ આ દંપતીના સાહચર્યની તુલના શાહજહાં અને મુમતાઝના પ્રેમજીવન સાથે કરી છે. માર્ચ, 1932માં દોરાબજી તાતાએ સ્વયં પોતાના નામથી ‘સર દોરાબજી તાતા ટ્રસ્ટ’ રચ્યું અને વસિયતનામા થકી તેમની સમગ્ર સમૃદ્ધિ ભાવિ પેઢીઓને સુપરત કરી સખાવતનો અનન્ય આદર્શ સમાજ સમક્ષ પેશ કર્યો. તેમાં ‘જ્યુબિલી ડાયમંડ’ સહિત એક કરોડ રૂપિયા, તેમના તમામ શૅરો તથા અન્ય અંગત ઉપયોગની મોંઘામૂલી વસ્તુઓ(કફલિંક, ટાઇપિનો વગેરે)નો સમાવેશ થતો હતો. તેમનો અંગત કલાસંગ્રહ તેમણે પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમ(મુંબઈ)ને દાન કર્યો હતો. 1932માં પત્નીના અવસાનના સ્મારકની મુલાકાતે જતાં જર્મનીમાં તેમનું નિધન થયું અને મહેરબાઈના સ્મારકની જોડાજોડ તેમને દફનાવવામાં આવ્યા. દોરાબજીની અંતિમ ઇચ્છાઓને ધ્યાનમાં લઈ તેમના ટ્રસ્ટીઓએ મુખ્યત્વે બે ક્ષેત્રો પસંદ કર્યાં – બંનેમાં આ દંપતીના સમાજસેવા પરત્વેના સમર્પણને લક્ષમાં લઈ કાર્યક્ષેત્રો નક્કી કરાયાં છે. આ હેતુઓની પૂર્તિ માટે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સાયન્સીઝ (1936) અને તાતા મેમૉરિયલ હૉસ્પિટલ ફૉર કૅન્સર(1941)ની સ્થાપના કરવામાં આવી, જેમાં કૅન્સર અંગેનાં સંશોધનો અને શિક્ષણ – બંનેની સગવડો પૂરી પાડવામાં આવે છે. આ નિ:સંતાન દંપતીએ નિધન પછી પણ સંપત્તિના સદુપયોગ દ્વારા સમાજજીવનની સેવાનો અનન્ય રાહ ચીંધ્યો છે.

રક્ષા મ. વ્યાસ