એજિયન સંસ્કૃતિ : ગ્રીસની પૂર્વ બાજુએ આવેલા સમુદ્રના દ્વીપોમાં ઈ. પૂ. 3000થી ઈ. પૂ. 1000ના ગાળામાં વિકસેલી સંસ્કૃતિ. ગ્રીસની દક્ષિણે આવેલો ક્રીટ ટાપુ આ સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. પુરાતત્વવિદ્ હેનરિક સ્લીમાન અને આર્થર ઈવાન્સના પ્રયત્નોથી વીસમી સદીની શરૂઆતમાં વિશ્વને આ સંસ્કૃતિનો ખ્યાલ આવ્યો.
ક્રીટના રાજાઓની ગ્રીક પરંપરા ‘મિનોસ’ તરીકે ઓળખાતી હોવાને કારણે આ સંસ્કૃતિ મિનોઅન સંસ્કૃતિના નામથી પણ ઓળખાય છે. મિનોઅન યુગને પ્રાચીન, મધ્ય અને અંતિમ તેવા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. આ સંસ્કૃતિમાં નોસોસ અને ફેસ્ટાસ નામનાં બે નગરોના અવશેષો મળી આવ્યા છે. ઈ. પૂ. 2100ની આસપાસ આ બંને નગરોમાં રાજમહેલનું નિર્માણ થયું હતું. નોસોસનો મહેલ ઈ. પૂ. 1600 આસપાસ ફરીથી બંધાયો. 400 માણસો બેસી શકે તેવું પ્રેક્ષકગૃહ તેની વિશેષતા છે. સંરક્ષણ માટે નૌકાકાફલો હોવાથી મહેલની આસપાસ કિલ્લો જોવા મળતો નથી. ઉમરાવ, વેપારી તથા ખેડૂતો અને ગુલામો એ ત્રણ વિભાગમાં સમાજ વહેંચાયેલો હતો. પોશાક અને સુશોભનમાં ક્રીટવાસીઓ આધુનિક યુગના માનવ કરતાં પણ ચઢિયાતા હતા તેમ વિલ ડુરૉ માને છે.
આ સંસ્કૃતિ તેના ચિત્રકામ માટે જાણીતી છે. ‘ઇજિપ્તને બાદ કરતાં આવું આબેહૂબ અને જીવંત ચિત્રકામ જોવા મળતું નથી’ તેમ વિલ ડુરૉ લખે છે. પ્રકૃતિનાં તત્વોને દેવ-દેવી તરીકે પૂજવામાં આવતાં હતાં. ઈ. પૂ. 1400 પછી આ સંસ્કૃતિનો વિનાશ થયો.
મીસીનિયન સંસ્કૃતિ ક્રીટની સંસ્કૃતિની અસર હેઠળ દક્ષિણ ગ્રીસમાં ઈ. પૂ. સોળમી સદીની આસપાસ વિકાસ પામી. તેમાં ટીરીન અને મીસીની નામનાં બે નગરોના રાજમહેલના અવશેષો મળી આવ્યા છે. યુરોપીય સંસ્કૃતિમાં કિલ્લાનું નિર્માણ કરનાર આ પ્રથમ પ્રજા હતી. ઈ. પૂ. 1400ની આસપાસ તેનો નૌકાકાફલો ક્રીટને હરાવે તેટલો શક્તિશાળી હતો. માટીકામ તેનો સૌથી મોટો ઉદ્યોગ હતો. ઇજિપ્તમાં મીસીનિની ફૂલદાનીનો ઉપયોગ જોવા મળે છે. ઈ. પૂ. 12મી સદીની આસપાસ આ સંસ્કૃતિનો અંત આવ્યો.
જ. જ. જોશી