એજિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના ક્રીટ અને ર્હોડ્સ ટાપુઓની ઉત્તરે ગ્રીસ અને તુર્કીની વચ્ચે આવેલો સમુદ્રવિસ્તાર. 2,14,000 ચો.કિમી. તે લગભગ 640 કિમી. લંબાઈ અને સ્થાનભેદે 195થી 400 કિમી. પહોળાઈ ધરાવતો સમુદ્ર છે. તેની વધુમાં વધુ ઊંડાઈ, ક્રીટની પૂર્વે 3,436 મી. છે. એજિયન સમુદ્રમાંથી મારમરા સમુદ્રમાં થઈને કાળા સમુદ્રમાં પહોંચી શકાય છે. વરદાર, સ્ટ્રુમા, માર્ટિસા અને મેન્ડરેસ જેવી કેટલીક મોટી નદીઓ આ સમુદ્રને મળે છે. સમુદ્રનો કિનારો પર્વતીય છે. તેના પાણીમાં ફૉસ્ફેટ અને નાઇટ્રેટનું પ્રમાણ ઓછું હોય છે. આ સમુદ્રની ખાસિયત એ છે કે તેમાં ઘણા ટાપુઓ આવેલા હોવાને લીધે કોઈ પણ નૌકા જમીનથી લાંબા સમય સુધી અર્દશ્ય રહી શકતી નથી. મોટાભાગના ટાપુઓ પર રાજકીય અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ ગ્રીક પ્રભાવ છે.

હેમન્તકુમાર શાહ