રૉબસન, રિચાર્ડ (Robson, Richard) (4 જૂન 1937, ગ્લુસબર્ન, યુનાઇટેડ કિંગ્ડમ) : ધાતુ–કાર્બનિક (metal-organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને સુસુમા કિટાગાવા અને ઓમર એમ. યાગી સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.

રૉબસને બ્રેઇઝનોઝ કૉલેજ ઑક્સફર્ડમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો તથા 1959માં સ્નાતક અને 1962માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. તેમણે અમેરિકાની કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ-ડૉક્ટરલ સંશોધનો કર્યાં અને ત્યારબાદ 1966માં યુનિવર્સિટી ઑવ્ મેલબર્નમાં વ્યાખ્યાતાનું પદ સ્વીકાર્યું જ્યાં તેમણે પોતાનો સમગ્ર કારકિર્દી–કાળ પસાર કર્યો.

રિચર્ડ રૉબસને અભૂતપૂર્વ સંશોધનો દ્વારા સંકલન પૉલિમર (Co-ordination polymers) ક્ષેત્રમાં પાયાના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. આ અનંત પૉલિમેરિક માળખાંઓ ધાતુ-કાર્બનિક માળખાંઓ અર્થાત્ metal-organic frameworks (MOF) તરીકે ઓળખાયાં. આ સંશોધનો આધુનિક રસાયણશાસ્ત્ર માટે આધારભૂત હતાં. તેમણે 1989માં પ્રથમ MOF વિકસિત કર્યા, જે છિદ્રાળુ દ્રવ્ય છે અને એમાં ધાતુના આયનો અને લાંબા કાર્બનિક અણુઓ સ્ફટિકનું નિર્માણ કરે છે જેમાં સ્થપિત પોલાણ હોય છે. આ પોલાણમાં વિવિધ દ્રવ્ય (પાણી, વાયુ) ગ્રહણ થાય છે. આ માળખાંઓનો ઉપયોગ રણની હવામાંથી પાણીનો સંગ્રહ કરવામાં, કાર્બનડાયૉક્સાઇડ વાયુ ગ્રહણ કરવામાં તથા ઝેરી વાયુ ગ્રહણ કરવામાં થાય છે.

1998માં રિચર્ડ રૉબસનને રૉયલ ઑસ્ટ્રેલિયન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી બરોઝ પુરસ્કાર પ્રાપ્ત થયો. 2000માં તેઓ રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા.

પૂરવી ઝવેરી