રોબસન, પૉલ (બ્સ્ટીલ)

January, 2004

રોબસન, પૉલ (બ્સ્ટીલ) (જ. 1898, પ્રિન્સટન, ન્યૂ જર્સી; અ. 1976) :  પ્રસિદ્ધ ગાયક અને અભિનેતા. પ્રારંભમાં તેમને અમેરિકાના ‘બાર’ ખાતે પ્રવેશ મળ્યો હતો; પરંતુ 1921માં ન્યૂયૉર્ક શહેરમાં તેમણે રંગભૂમિ-કારકિર્દીનો પ્રારંભ કર્યો.

1922માં તેમણે બ્રિટનની રંગભૂમિ પર અભિનય આપ્યો. આફ્રિકન-અમેરિકન અભિનેતા તરીકે તેમને જે સફળતા મળી તેવી અને તેટલી લોકચાહના તેમને ગાયક તરીકે પણ મળી. તેમણે ‘સ્નો બોટ’થી  માંડીને ઓ’નીલ તથા શેક્સપિયર જેવા લેખકોની નાટ્યરચનાઓમાં વિવિધ ભૂમિકાઓમાં અભિનય આપ્યો. એમાંય તેઓ  ઑથેલોના પાત્રના અભિનય માટે ખૂબ નામના પામ્યા. આ પાત્રાભિનય સૌપ્રથમ તેમણે 1930માં લંડનમાં રજૂ કર્યો અને પછી તેની પરંપરા ચાલી. તેમણે વ્યાપક પ્રવાસ ખેડ્યો. તેમાં તેઓ અનોખી શૈલીથી ગાયનો રજૂ કરતા. આફ્રિકાનાં ધાર્મિક ગીતોની ગાયકી એ તેમની આગવી વિશેષતા હતી. તેમણે અનેક ફિલ્મોમાં પણ અભિનય આપ્યો હતો.

પૉલ (બ્રસ્ટીલ) રોબસન

1950ના દાયકામાં રંગભેદ પ્રત્યે તેમણે ખુલ્લેઆમ ટીકાઓ કરવા માંડી અને સામ્યવાદ તરફ સદભાવ દાખવતા રહ્યા. 1952માં તેમને સ્ટાલિન શાંતિ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આના પરિણામે ઘરઆંગણે તેમને વ્યવસાયી બહિષ્કાર વેઠવો પડ્યો. 1958માં તેઓ વસવાટ માટે ઇંગ્લૅન્ડ જતા રહ્યા હતા, પરંતુ 1963માં તેઓ ફરી અમેરિકા પાછા ફર્યા હતા. પરિણામે 1960ના દાયકામાં તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા.

‘હિયર આઈ સ્ટૅન્ડ’ શીર્ષક હેઠળ તેમનો આત્મવૃત્તાંત 1958માં પ્રકાશિત થયો છે. તેમનાં પત્નીએ 1930માં અને સ્ટન્લે ગ્રાહામે 1946માં તેમનાં ચરિત્રો પ્રસિદ્ધ કર્યા છે.

મહેશ ચોકસી