મનોજકુમાર (જ. 24 જુલાઈ 1937, એબોટાબાદ, (હાલ પાકિસ્તાન);  અ. 4 એપ્રિલ 2025) : હિન્દી ફિલ્મજગતના દિગ્દર્શક, પટકથાલેખક, ગીતકાર, સંપાદક અને પ્રસિદ્ધ અભિનેતા. મનોજકુમારનું મૂળ નામ હરિકૃષ્ણગીરી ગોસ્વામી હતું. એમનો જન્મ એક પંજાબી હિન્દુ (સારસ્વત બ્રાહ્મણ) પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે ભાગલાને કારણે તેમનો પરિવાર તેમના પૈતૃક ગામ જંડિયાલા શેરખાનથી દિલ્હી સ્થળાંતરિત થયો હતો. એમણે વિનયન(આર્ટ્સ)માં સ્નાતક કક્ષાનો   અભ્યાસ દિલ્હીની હિન્દુ કૉલેજમાંથી કરેલો. 1949ની ફિલ્મ ‘શબનમ’માં દિલીપકુમારના પાત્રના નામથી પ્રેરાઈને મનોજકુમાર નામ રાખીને એમણે અભિનયની યાત્રા શરૂ કરી.

મનોજકુમાર

અભિનયની શરૂઆત એમણે 1954માં ‘ફૅશન’થી કર્યા બાદ ‘સહારા’ (1958), ‘ચાંદ’ (1959) અને ‘હનીમૂન’(1960)માં નાની ભૂમિકાઓ કર્યા પછી મનોજકુમારે ‘કાંચ કી ગુડિયા’(1961)માં તેમની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી. ત્યાર બાદ ‘પિયા મિલન કી આસ’ (1961), ‘સુહાગ સિંદૂર’ (1961), ‘રેશમી રૂમાલ’ (1961)માં અભિનય કર્યો. આ ફિલ્મોનો મનોજકુમારનો અભિનય ખાસ ઉલ્લેખનીય નહોતો જેથી પ્રેક્ષકોનું ખાસ ધ્યાન એમના તરફ ન ગયું.

1962માં વિજય ભટ્ટદિગ્દર્શિત ફિલ્મ ‘હરિયાળી ઔર રાસ્તા’માં માલા સિંહા સાથે અભિનય કર્યો અને આ ફિલ્મને સફળતા મળતાં બીજા દિગ્દર્શકોનું અને પ્રેક્ષકોનું ધ્યાન પણ એમના તરફ ખેંચાયું. આ બાદ ‘શાદી’ (1962), ‘ડૉ. વિદ્યા’ (1962), ‘ગ્રહસ્તી’ (1963) અને ‘ફૂલોં કી સેજ’ (1964) એમ આ ચારેય ફિલ્મો બૉક્સઑફિસ પર સફળ રહી. રાજ ખોસલાદિગ્દર્શિત રહસ્યમય થ્રિલર ફિલ્મ ‘વો કૌન થી ?’ (1964)માં મનોજકુમાર એક અભિનેતા તરીકે સફળ અને બ્લૉકબસ્ટર કલાકાર તરીકે ઊભરી આવ્યા. મનોજકુમારને ભારતીય સિનેમાના સૌથી સફળ અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. તેઓ દેશભક્તિ આધારિત ફિલ્મોના નિર્માણ અને અભિનય માટે જાણીતા છે. ચાર દાયકાથી વધુની કરકિર્દીમાં, એમણે 55 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ભારતીય સિનેમામાં એમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ઉપરાંત એમને સાત ફિલ્મફેર પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

મનોજકુમારે ‘પહેચાન’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘ગુમનામ’, ‘દો બદન’, ‘સાવન કી ઘટા’, ‘નીલ કમલ’, ‘સાજન’, ‘મેરા નામ જોકર’, ‘બલિદાન’, ‘બેઈમાન’ વગેરે અનેક ફિલ્મોમાં અભિનય કરેલો. એમણે શહીદ ભગતસિંહના જીવન પરથી ‘’શહીદ’નું સર્જન કરેલું. તો ‘ઉપકાર’ જેવી ફિલ્મમાં તે સમયના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર પરથી એક ગીત ‘મેરે દેશ કી ધરતી સોના ઉગ લે ઉગ લે હીરેમોતી’ સર્જેલું હોવાથી ગીત અને ફિલ્મ ખૂબ સફળ રહેલી. આ ઉપરાંત ‘ક્રાન્તિ’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘શોર’, ‘રોટી, કપડા ઔર મકાન’ જેવી ફિલ્મમાં દિગ્દર્શન અને અભિનય પણ કરેલો. પોતે શિરડીના સાંઈબાબાના ભક્ત હોવાથી ‘શિરડી કે સાંઈબાબા’ જેવી ફિલ્મનું પણ સર્જન કરેલું.

ફિલ્મ ‘ક્રાન્તિ’ પછી, મનોજકુમારની કારકિર્દીમાં નિષ્ફળતાનો દોર શરૂ થયો. ‘કલયુગ ઔર રામાયણ’ (1987), ‘સંતોષ’ (1989), ‘કલાર્ક’ (1989) અને ‘દેશવાસી’ (1991) જેવી ફિલ્મો બૉક્સઑફિસ પર ધ્યાન ખેંચવામાં નિષ્ફળ ગઈ. 1995માં ફિલ્મ ‘મેદાન-એ-જંગ’ પછી એમણે અભિનય કરવો છોડી દીધો. એમણે 1999માં એમના પુત્ર કૃણાલ ગોસ્વામીને રજૂ કરતી  ફિલ્મ ‘જય હિંદ’નું નિર્માણ અને દિગ્દર્શન કરેલું, પણ આ ફિલ્મ અત્યંત નિષ્ફળ ગઈ હોવાથી તે તેમની છેલ્લી ફિલ્મ બની રહી. તે જ વર્ષે 44મા ફિલ્મફેર ઍવૉર્ડ્સમાં તેમને 40 વર્ષથી વધુની ફિલ્મ કારકિર્દી માટે લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા.

બોલિવૂડના અન્ય સ્ટારની જેમ મનોજકુમારે પણ નિવૃત્તિ પછી રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો અને 2004ની ભારતીય સામાન્ય ચૂંટણી પહેલાં, તેઓ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

2025ના એપ્રિલમાં એમની તબિયત બગડતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. 87 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. મહારાષ્ટ્ર સરકારે બીજા દિવસે પવનહંસ સ્મશાનગૃહમાં રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાવેલા. મનોજકુમારનાં પત્ની શશી ગોસ્વામીને સંબોધિત પત્રમાં નરેન્દ્ર મોદીએ અભિનેતા સાથેની મુલાકાતના તેમના અનુભવને યાદ કર્યો અને ભારતીય સિનેમામાં તેમના યોગદાનની પ્રશંસા કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શોક વ્યક્ત કરતાં કહ્યું, ‘મનોજકુમારે તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમા પર એક અમીટ છાપ છોડી છે, જેણે ભારતનાં મૂલ્યો અને યોગદાનમાં ગૌરવને પ્રોત્સાહન આપ્યું. તેમણે ભજવેલી પ્રતિષ્ઠિત ભૂમિકાઓ — ભલે તે રાષ્ટ્રીય નાયકો, ખેડૂતો કે સૈનિકો તરીકેની હોય — હંમેશાં યાદ રાખવામાં આવશે.’

મનોજકુમારનાં લગ્ન શશી ગોસ્વામી સાથે થયાં હતાં. અભિનય તરફ વળ્યા તે પહેલાં આ દંપતી કૉલેજમાં સહાધ્યાયી હતાં. આ દંપતીને બે પુત્રો વિશાલ અને કૃણાલ છે.

2022માં, ‘આઉટલુક’ ઇન્ડિયાની ‘75 શ્રેષ્ઠ બોલિવૂડ કલાકારો’ની યાદીમાં મનોજકુમાર સ્થાન પામેલા હતા. મનોજકુમારના એક હાથથી પોતાનો ચહેરો ઢાંકવાના સિગ્નેચર ચાલનો ઉલ્લેખ અનેક લોકપ્રિય સંદર્ભોમાં કરવામાં આવ્યો છે. 2025 સુધીમાં, મનોજકુમાર દિલીપકુમાર પછી બીજા ક્રમના સૌથી સફળ બોલિવૂડ અભિનેતા રહ્યા હતા. જેમણે 56 ટકાથી વધુ બૉક્સઑફિસ સફળતા અને અસંખ્ય કમાણી રેકૉર્ડ્સ ધરાવતી ફિલ્મોનું દિગ્દર્શન અને અભિનય કરેલાં.

અભિજિત વ્યાસ