મનુસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રની સહુથી પ્રાચીન અને સર્વમાન્ય સ્મૃતિ. એના પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે કે મનુએ ધર્મનાં સર્વ લક્ષણ પોતાના શિષ્ય ભૃગુને સમજાવ્યાં ને ભૃગુએ એમની હાજરીમાં એ સર્વ ઋષિઓને વિદિત કર્યાં. આમ ‘મનુસ્મૃતિ’ ખરી રીતે ‘મનુસ્મૃતિ’ની ‘ભૃગુસંહિતા’ છે. એમાં 12 અધ્યાય છે, જે કુલ 2,694 શ્લોકોમાં રચાયા છે.

‘મનુસ્મૃતિ’માં ધર્મશાસ્ત્રના વિવિધ વિષય નિરૂપાયા છે, જેમાં વિશેષત: સમાજવિદ્યા અને દીવાની તથા ફોજદારી કાયદાનો સમાવેશ થાય છે. આ સ્મૃતિમાં નિરૂપિત વિષયોમાં જગતની ઉત્પત્તિ, ગુરુનું અભિવાદન, સ્નાનવિધિ, દારાધિગમન, વિવાહ, મહાયજ્ઞ, શ્રાદ્ધવિધાન, ચતુર્વર્ણ-વ્યવસ્થા, ગૃહસ્થ-કર્તવ્ય, ભક્ષ્યાભક્ષ્ય-વિચાર, શૌચ, સ્ત્રીધર્મ, યતિ, સંન્યાસી અને રાજાના ધર્મ, ઋણદાન, સાક્ષીઓ, સ્ત્રીપુરુષધર્મ, દાયભાગ, દ્યૂત-ક્રીડા, તસ્કરાદિનું દંડવિધાન, વૈશ્ય અને શૂદ્રનાં કર્તવ્ય, સંકર જાતિઓની ઉત્પત્તિ, આપદ્ધર્મ, પ્રાયશ્ચિત્તવિધિ, કર્મજનિત દેહાન્તરપ્રાપ્તિ, મોક્ષ-ઉપાય, કર્મોના ગુણદોષ, દેશધર્મ, જાતિધર્મ, કુલધર્મ, પાખંડીઓના ધર્મ ઇત્યાદિ અનેકવિધ બાબતોની છણાવટ કરવામાં આવી છે.

ગૌતમ, આપસ્તમ્બ અને ‘મહાભારત’ મનુને નિર્દેશે છે; તેથી મનુ એ ત્રણ કરતાં પૂર્વકાલીન ગણાય છે. સ્મૃતિઓમાં મનુસ્મૃતિ સૌથી પ્રાચીન છે. ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’, ‘પરાશરસ્મૃતિ’, ‘નારદસ્મૃતિ’ ઇત્યાદિ ઉત્તરકાલીન છે. ધર્મશાસ્ત્રના પ્રકૃષ્ટ અભ્યાસી મહામહોપાધ્યાય પી. વી. કાણે (પાંડુરંગ વામન કાણે) વર્તમાન ‘મનુસ્મૃતિ’ની રચના ઈ. પૂ. બીજી સદી અને ઈ. સ. બીજી સદીની વચ્ચેના ગાળા દરમિયાન થઈ હોવાનું તારવે છે.

‘મનુસ્મૃતિ’ હિંદુ સમાજના બંધારણને લગતો બુનિયાદી આધારગ્રંથ ગણાય છે. ભારતીય કાનૂનને લગતા નિયમો ઘડતી વખતે ‘મનુસ્મૃતિ’નો ઘણો આધાર લેવાતો રહ્યો છે. ભારતના સાહસિક લોકો પાડોશી દેશોમાં જઈ વસ્યા, ત્યારે મ્યાનમાર, બાલી ટાપુ અને કંબોડિયા જેવા દેશોમાં પણ મનુસ્મૃતિનો પ્રસાર થયો હતો.

મનુસ્મૃતિ પર સમયે સમયે વૃત્તિઓ લખાતી રહી છે; જેમ કે, ભારુચિ, મેધાતિથિ, ગોવિન્દરાજ, કુલ્લૂક, સર્વજ્ઞ નારાયણ, રાઘવાનન્દ સરસ્વતી, નંદન, રામચન્દ્ર, મણિરામ દીક્ષિત ઇત્યાદિની વૃત્તિઓ. આ વૃત્તિઓ, ઈ. સ.ની નવમીથી સત્તરમી સદી સુધીમાં લખાઈ છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી