મનોનાટ્ય (psychodrama) : દર્દીને તેનો વર્તનવિકાર સમજાવીને તે જાતે તેમાં સુધારો લાવી શકે તે માટે નાટક ભજવવારૂપ માનસિક સારવારની પદ્ધતિ. મનશ્ચિકિત્સાવિદ્યામાં ઘણા પ્રકારની સારવારપદ્ધતિઓ ઉપલબ્ધ છે. મનોનાટ્ય પણ તેમાંની એક છે. વર્તનવિકારના કોઈ પણ દર્દીની સારવાર કરતા પહેલાં તેના મનોવિકાર વિશે પૂરેપૂરો ખ્યાલ મેળવવામાં આવે છે. દર્દીમાં મનોવિકાર ક્યારે અને કેવી રીતે ઉદભવ્યો અને તેના મનોવિકારની શી કક્ષા છે તે જાણવામાં આવે છે. તેના વિકાર પાછળનું કારણ માનસિક છે કે શારીરિક તે પણ નિશ્ચિત કરવામાં આવે છે. જે દર્દીઓ સમાજમાં સમાયોજન (adjustment) ન સાધી શક્યા હોય, જેઓ શાળા, કુટુંબ, સગાસંબંધી કે ધંધા સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે યોગ્ય વર્તન ન કરી શકતા હોય, જેઓ પોતાના વર્તનને થોડુંક સમજતા હોય અને તેવા વર્તનનું કારણ અને તેના ઉપાય પણ જાણતા હોય તેવા દર્દીઓ માટે મનોનાટ્યની સારવારપદ્ધતિ ઉપયોગી બને છે. શારીરિક રોગને કારણે ઉદભવતા મનોવિકારની સારવારમાં તેમજ તીવ્ર મનોવિકારની સારવાર માટે આ પદ્ધતિ ઉપયોગી નથી. ક્યારેક તેને બીજી કોઈ સારવારપદ્ધતિની સાથે સહાયક સારવારપદ્ધતિ તરીકે પણ યોજવામાં આવે છે.

મનોનાટ્યપદ્ધતિમાં દર્દીના માનસિક સંઘર્ષોને અને તેના ર્દષ્ટિબિંદુને સમજવા માટે અન્ય વ્યક્તિ કે ચિકિત્સક દર્દીનું પાત્ર ભજવી પરિસ્થિતિનો વાસ્તવિક અભિનય કરે છે. તેના દ્વારા તે તેના નકારાત્મક કે વિકારયુક્ત વલણને બદલવાનો પ્રયત્ન કરે છે. દર્દીના વિષમ મનોવલણને દૂર કરીને યોગ્ય પ્રકારના મનોવલણનું પુન:શિક્ષણ આપવા માટે અભિનયક્રિયાનો ઉપયોગ કરાય છે. આ દરમિયાન ચિકિત્સક દર્દીને કોઈ સલાહ-સૂચન આપતા નથી. તેમજ તેની પાસેથી કોઈ માહિતી પણ મેળવતા નથી. દર્દી વિશેની માહિતી અગાઉથી તેના વાતાવરણમાંથી કે જ્યાં તે વ્યવસાય કરતો હોય ત્યાંથી અથવા બીજા સાથેના તેના વ્યવહાર અને વર્તણૂક પરથી તારવી લેવામાં આવે છે. આ માટેનું અવલોકન સ્પષ્ટ, ચોક્કસ અને સૂક્ષ્મ માહિતીથી સભર હોય તે જરૂરી ગણાય છે. ચિકિત્સકે પોતાની પૂર્વધારણા (presumption) કે પોતાનાં મનોવલણો તેમાં દાખલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેણે એ પણ જોવું પડે છે કે દર્દી સાથેના તેના વ્યવહારમાં પણ કોઈ કૃત્રિમતા ન આવે.

નાટ્યચિકિત્સા માટે ચિકિત્સક દર્દીના વર્તનનો અભ્યાસ કરીને તેનું પાત્રાલેખન કેવી રીતે કરવું તેનું આયોજન કરે છે અને તે માટેનો તખ્તો ગોઠવે છે. બીજી વ્યક્તિઓ પાસે સમસ્યાને રજૂ કરાવીને પોતે દર્દીના વર્તનનું પાત્ર ભજવે છે. તેને પાત્રાભિનયન પદ્ધતિ (role playing method) કહે છે. દર્દીને જે સામાજિક સંબંધોમાં વધારે કુસમાયોજન (maladjustment) હોય તેવા પ્રકારના વર્તનની ભૂમિકાને વધારે મહત્વ આપવામાં આવે છે. તેની ભૂલો, અણસમજ તેમજ તેની અસહિષ્ણુતાના મુદ્દા પર વધુ ભાર આપવામાં આવે છે. દર્દી જે વર્તનથી વધારે પડતો ઉશ્કેરાઈ જતો હોય તે વર્તનથી તેને કેટલું નુકસાન થઈ રહ્યું છે તેનો પણ અભિનય કરવામાં આવે છે. ઘણી વખત ચિકિત્સક પોતાને મદદરૂપ થઈ શકે એવી બીજી વ્યક્તિઓનો સહારો પણ લે છે. ચિકિત્સક દર્દીના વર્તનનું શક્ય તેટલું આબેહૂબ અનુકરણ કરીને દર્દીની સમક્ષ તેને અભિનયના સ્વરૂપે રજૂ કરે છે. આમ દર્દી જાણે અન્ય વ્યક્તિઓ સાથેનું પોતાનું વર્તન દર્પણમાં જોતો હોય એવું પ્રત્યક્ષ ચિત્ર તેની સમક્ષ ભજવાય છે. ઘણી વખત સલાહસૂચન કરતાં પ્રત્યક્ષ ચિત્રણ વધુ અસર કરે છે. ચિકિત્સક દર્દીના વર્તનનો અભિનય કરતો હોય ત્યારે દર્દીને પોતાનામાં રહેલી ક્ષતિઓનું ભાન થાય છે તથા તેને પોતાનું વર્તન કેટલું સ્વકેન્દ્રિત અને અયોગ્ય છે તેનો ખ્યાલ આવે છે. તેને આવા વર્તનથી સમાજમાં સ્વસ્થ ન રહી શકાય તેવો ધીરે ધીરે અહેસાસ થાય છે. પોતાની ક્ષતિને અન્યમાં પ્રતિબિંબિત થતી જોવાથી તેને તેની ગંભીરતાની ખબર પડે છે. ત્યારબાદ સામાન્ય રીતે ચિકિત્સકનું કાર્ય સરળ બને છે. મનોનાટ્ય ભજવ્યા પછીનો આ તબક્કો ખૂબ જ અગત્યનો હોય છે. આ તબક્કામાં દર્દીને યોગ્ય મનશ્ચિકિત્સા આપવામાં આવે છે. જો દર્દી પોતે પોતાના વર્તનમાં સુધારો કરી શકે તેટલી માનસિક સ્વસ્થતા ધરાવતો હોય તો મનોનાટ્ય ભજવ્યા પછી આગળ કંઈ કરવાનું રહેતું નથી. ક્યારેક કેટલાક દર્દીની સમજણ ઓછી હોય છે, તેઓ હઠીલા હોય છે કે વધુપડતા અભિમાની હોય છે. અને તેથી તેઓ પોતાનું વર્તન યોગ્ય છે એવું માનતા રહે છે. ક્યારેક કેટલાક દર્દીઓ પોતાની સમસ્યાને સમજ્યા પછી પણ તેનો ઉકેલ શોધવા જેટલી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા હોતા નથી. આવી પરિસ્થિતિઓમાં મનશ્ચિકિત્સાપદ્ધતિને લંબાવાય છે. દર્દીનાં સ્વભાવ, ઉંમર, બૌદ્ધિક કક્ષા, મનોવલણોની જડતા, તેનું વાતાવરણ વગેરે વિવિધ પરિબળોનું ધ્યાન રાખીને યોગ્ય વર્તનની ભૂમિકા ભજવવામાં આવે છે. ચિકિત્સકની આવા સમયે બેવડી ભૂમિકા હોય છે. તે કુસમાયોજિત વર્તનની ભૂમિકા ભજવે છે. દર્દીની ભૂલો પ્રત્યે ધ્યાન દોરે છે તથા યોગ્ય વર્તન કેવું હોય તેનું પણ અભિનય દ્વારા નિરૂપણ કરે છે. તેથી દર્દીને પોતાની ભૂલો અને તેનો ઉકેલ એકસાથે મળે છે. અને તેથી દર્દી હળવાશ અનુભવે છે.

મનોનાટ્યપદ્ધતિની સફળતાનો આધાર તથા મર્યાદાઓ (limitations) : તેનો મુખ્ય આધાર ચિકિત્સકની ઝીણવટભર્યું અવલોકન (minute observation) કરવાની ક્ષમતા પર રહેલો છે. ચિકિત્સકે દર્દીનું તલસ્પર્શી અને ઝીણામાં ઝીણી બાબતોનું નિરીક્ષણ કરવું પડે છે. તે તેના સામાન્ય વર્તનને પણ નજરઅંદાજ કરી શકતો નથી. દર્દીના દરેક પાસાનું અવલોકન કરવું જરૂરી બને છે. સચોટ, સંપૂર્ણ અને એક કરતાં વધુ વખત કરાયેલું અવલોકન ઉપયોગી રહે છે, જેથી કોઈ આકસ્મિક કે પ્રસંગોપાત્ત થયેલું વર્તન દર્દીનું સ્થાયી કે કાયમી વર્તન ન માની બેસાય. તેની વાતચીત કરવાની રીત, તે કયા શબ્દો પર ભાર મૂકે છે, તે કેવા પ્રકારે વારંવાર વર્તે છે વગેરેની નોંધ લેવામાં આવે છે. દર્દી જ્યારે આવેગાત્મક (impulsive) સ્થિતિમાં હોય ત્યારે તેના હાવભાવ, વારંવાર વપરાતા શબ્દો તેમજ વર્તનની રીતભાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે છે. દર્દી અને ચિકિત્સક બંને સજાતીય હોય તો અભિનય માટે સુગમતા રહે છે. જો તેઓ વિજાતીય વ્યક્તિઓ હોય (એક વ્યક્તિ પુરુષ હોય અને બીજી વ્યક્તિ સ્ત્રી હોય) તો નાટ્યપદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. તેવી રીતે દર્દી અને ચિકિત્સક વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોય, તેમના દેખાવમાં (ઊંચાઈ, જાડા–પાતળાપણું, રંગ વગેરેમાં) શિક્ષણસ્તરમાં, રહેણીકરણીમાં કે દરજ્જામાં ફરક હોય અને/અથવા ભાષા અલગ-અલગ હોય તોપણ મુશ્કેલી પડે છે. ચિકિત્સકનો અભિનય સાહજિક હોવો જરૂરી છે. જો તે કૃત્રિમ લાગે તેવો હોય તો દર્દી ફક્ત કુતૂહલતાથી જોઈ રહે છે અને તેના વર્તનમાં ખાસ ફેરફાર થતો નથી. તેથી ચિકિત્સકમાં અભિનયકુશળતા હોવી જરૂરી બને છે. દર્દીના વર્તનની ક્ષતિને વધારે પણ નહિ અને ઓછી પણ નહિ, એ પ્રકારે અભિનય દ્વારા રજૂ કરવામાં આવે છે. તેથી ચિકિત્સકે આ પ્રકારના અભિનય માટે દર્દીની ગેરહાજરીમાં અભ્યાસ અને તૈયારી કરવી પડે છે. નાટકમાં કુસમાયોજિત વર્તન પર અગત્યના મુદ્દા તરીકે ભાર અપાય છે અને બાકીના વર્તનવિકારોને ઓછું મહત્વ અપાય છે. આમ કરવાથી કેટલીક વખત મહત્વના વર્તનમાં ફેરફાર થાય છે, જેને કારણે બીજા પ્રકારના ગૌણ વર્તનવિકારો આપોઆપ અલોપ થાય છે. આવા ગૌણ વર્તનવિકારો આનુષંગિક (secondary) હોય છે. અભિનયની સમય-મર્યાદા પણ મહત્વનું પરિબળ છે. દર્દીને થાક લાગે, કંટાળો આવે કે તેનું ધ્યાન-વિચલન (lack of attention) ન થાય તે જોવામાં આવે છે. તેથી મનોનાટ્ય ભજવવામાં યોગ્ય સમયમર્યાદા જળવાઈ રહે એવું નિયંત્રણ રખાય છે. કેટલી સમયમર્યાદા રાખવી એ દર્દીના વ્યક્તિત્વ ઉપર આધારિત છે. દર્દીની જડતા, હઠીલાપણું, ઓછી સમજણ, ઓછી સહનક્ષમતા, દર્દીની ઉંમર વગેરે વિવિધ બાબતોનો વિચાર કરીને ચિકિત્સક નાટ્યપ્રયોગની સમયમર્યાદા નક્કી કરે છે. આ પદ્ધતિમાં દર્દીના તાર્દશ વર્તનની અભિવ્યક્તિ મહત્વની છે. સલાહસૂચન હોતાં નથી, ચોક્કસ સમયમર્યાદાનું બંધન હોય છે, અસર કરે તેવા અભિનયપ્રધાન ર્દશ્યસર્જનનું મહત્વ હોય છે અને ર્દશ્ય વધુ અને શ્રવણ ઓછું હોય એવી નાટ્યરજૂઆત હોય છે. પોતાના મનોવિકારને અભિનય દ્વારા સમજી શકે તેવી દર્દીની બુદ્ધિક્ષમતા હોય, તેને સૌમ્ય મનોવિકાર (neurosis) થયેલો હોય તથા દર્દીનો ચિકિત્સકને પૂરતો સહકાર હોય તો મનોનાટ્યપદ્ધતિ સફળ રહે છે.

આ પદ્ધતિને જે. આર. મૉરેનોએ (1914) સમૂહ માનસોપચારમાં પ્રયોજીને બાળકોની સમસ્યાઓને રમત દ્વારા સમજવાનો અને ઉકેલવાનો પ્રયત્ન કરેલો. ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડની ર્દષ્ટિએ ઇડ (ID) અને અધિ-અહમ્ (super-ego) વચ્ચેનો સંઘર્ષ શાબ્દિક રીતે સંવાદમાં વ્યક્ત થાય છે, જે શાબ્દિક વિરેચન છે, પરંતુ મૉરેનોએ પ્રયોજેલ મનોનાટ્ય(action catharsis)માં ક્રિયાભિવ્યક્તિ અથવા ક્રિયાવિરેચન છે, જે વધુ અસરકારક બની શકે છે.

મનોનાટ્ય વિવિધ સ્વરૂપે સ્વતંત્ર રીતે પ્રયોજાય છે. મનોવિશ્લેષણ, વિરેચન, વર્તનમાનસોપચાર વગેરેમાં તેને ઢાળી શકાય છે. તીવ્ર મનોવિકૃતિના દર્દીઓમાં તેનો ઉપયોગ ન જ થઈ શકે તે વાત સમજી શકાય તેવી છે. સાધારણ હળવી મનોવિકૃતિ અને સામાજિક સંબંધોની સમસ્યાઓને હલ કરવામાં કે તેમાં સમજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ માનસોપચાર તરીકે આ પદ્ધતિ અગત્યની છે.

ઈન્દિરા ઘનશ્યામ જોશી

ભાલચંદ્ર જોશી