પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન

January, 2026

પોડુવાલ વી. પી. અપ્પુકુટ્ટન (જ 9 ઑક્ટોબર 1923, પય્યાનૂર, કેરળ (મલબાર)) : દક્ષિણ ભારતના ‘દાંડીયાત્રી’.

સ્વાતંત્ર્ય સેનાની અને  ગાંધીવાદી સામાજિક કાર્યકર વી. પી. અપ્પુકુટ્ટન પોડુવા લનું પૂરું નામ વન્નાડિલ પુદિયેવિટ્ટિલ અપ્પુકુટ્ટન પોડુવાલ (Vannadil Puthiyaveettil Appukuttan Poduval) છે. પિતાનું નામ કેરીપ્પત કમ્મરા (Karippath Kammara) અને માતાનું નામ વી. પી. સુભદ્રામ્મા હતું.  પય્યાનુરની પય્યાનુર સંસ્કૃત પાઠશાળા અને બેસલ મિશન સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેઓ લખનઉ યુનિવર્સિટીમાં  અને ત્યારબાદ  મૈસૂર યુનિવર્સિટીમાં જોડાયા અને અનુસ્નાતકની  (M.A.) પદવી મેળવી હતી.

અપ્પુકુટ્ટન વી. પી. પોડુવાલ

1934માં ગાંધીજીની પય્યાનુરની મુલાકાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીને મળ્યા અને તેમનું જીવન કાયમ માટે બદલાઈ ગયું. અસ્પૃશ્યતા સામે મજબૂત અવાજ ઉઠાવનારા સ્વામી આનંદ તીર્થ અને રાઘવજીથી તેઓ પ્રભાવિત હતા. ગાંધીજી સાથે મીઠાની કૂચમાં (દાંડીકૂચ) ભાગ લેનારા 78 લોકોમાં એક પોડુવાલ પણ હતા. 1942માં ભારત છોડો ચળવળ દરમિયાન, કોઝિકોડ અને કન્નુરમાં વિદ્યાર્થી સભાઓમાં પ્રવચનો આપવા બદલ અંગ્રેજ સરકારે પોડુવાલની ધરપકડ કરી હતી. તેના માટે તેઓને કન્નુરની સેન્ટ્રલ જેલમાં બે અઠવાડિયાં માટે કેદ કરવામાં આવ્યા હતા. વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે, તેમણે ખાદી અને ગાંધીવાદને પોતાનું જીવન સમર્પિત કર્યું. 1944માં, તેઓ ચરખા સંઘની કેરળ શાખામાં જોડાયા હતા. તેમણે ભૂદાન ચળવળમાં ભાગ લીધો હતો અને કલાક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતું. 1946માં તેમણે દોરેલા ભારતમાતાના ચિત્રને  કેરળના પ્રસિદ્ધ સાપ્તાહિક ‘માતૃભૂમિ’ના મુખપૃષ્ઠ પર સ્થાન મળ્યું હતું.  તત્કાલીન મદ્રાસ સરકાર હેઠળના પય્યાનુરના ખાદી કેન્દ્રના પ્રભારી તરીકે 1947માં તેઓએ સેવા આપી હતી. વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણ સાથે ભૂદાન ચળવળમાં પોડુવાલે ભાગ લીધો હતો. 5૦ના દાયકાની શરૂઆતમાં તેઓએ પ્રસિદ્ધ વર્તમાનપત્ર  ‘ડેક્કન હેરાલ્ડ’ માટે પત્રકાર તરીકે કામ કર્યું. 1962માં પોડુવાલ ખાદી ગ્રામોદ્યોગ કમિશન સાથે જોડાયા હતા.

તેઓએ  ગાંધી સ્મારક નિધિના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ ઓફિસર, ભારતીય સંસ્કૃતિ પ્રચાર સભાના સચિવ, સંસ્કૃત મહાવિદ્યાલય પય્યાનુરના આચાર્ય અને પય્યાનુર સર્વોદય મંડળના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. વર્ષ 2007માં સંસ્કૃત ભારતીની કેરળ શાખા – વિશ્વ સંસ્કૃત પ્રતિષ્ઠાન દ્વારા તેઓને ‘સહ્રદય તિલકમ સન્માન’થી નવાજવામાં આવ્યા હતા. 2013 માં તેઓશ્રીને પૂર્ણોદય બુક ટ્રસ્ટ દ્વારા સ્થાપિત જી. કુમારા પિલ્લઈ-આઈ. એમ. વેલાયુધન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીપ્રેરિત આઝાદીની ચળવળમાં તેમના યોગદાન બદલ 2023માં પોડુવાલને ‘પદ્મશ્રી’થી સન્માનવામાં આવ્યા હતા.

ચિંતન ભટ્ટ