પોપની ચૂંટણીની પ્રક્રિયા

September, 2025

પોપની ચૂંટણીની પ્રક્રિયા : રોમના પોપ એ ઈસુ ખ્રિસ્તના પ્રતિનિધિ, સંત પીટરના ઉત્તરાધિકારી અને કૅથલિક ધર્મસંઘના અધ્યક્ષ.

પોપ મૃત્યુ પામે અથવા તો તે હોદ્દા પરથી રાજીનામું આપે ત્યારે ખાલી પડેલી પોપની જગ્યા માટે ચૂંટણી યોજવામાં આવે છે. છેલ્લા પંદર કે વીસ દિવસ પછી આ ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષો જૂની લાંબી પરંપરા અનુસાર આ ચૂંટણી યોજાય છે. ધર્મસંઘની શરૂઆતથી જ પોપને પસંદ કરવામાં આવતા. તે વખતે રોમની આસપાસના ધર્માધ્યક્ષો, યાજ્ઞિકો અને સાધારણ ખ્રિસ્તી લોકો ચૂંટણી માટેની સભા ભરતા હતા. આઠમા સૈકામાં ચૂંટણી માટેનો હક માત્ર ધર્માધ્યક્ષો અને યાજ્ઞિકોને જ આપવામાં આવ્યો. બારમી સદીમાં તે હક માત્ર કાર્ડીનલોનો જ રહ્યો. પોપને પસંદ કરવા ખાનગી મતદાન થાય છે.

ઈ. સ. 1272માં દસમા ગ્રેગોર નામના પોપે ચૂંટણી માટે નવા જ કાનૂન ઘડ્યા. તે અનુસાર કાર્ડીનલો અને તે પણ 80 વર્ષથી ઓછી ઉંમરના હોય તે જ મતદારો બની શકે છે. યોગ્ય કારણ વિના કોઈ કાર્ડીનલથી ગેરહાજર ન રહેવાય આ માટે કાર્ડીનલોની જે સભા ભરવામાં આવે છે અને સભાના સ્થળને કૉન્કલેવ (conclave) કહેવામાં આવે છે. જે મકાનમાં પોપને પસંદ કરવા કાર્ડીનલો મળે છે તે મકાન અંદરથી અને બહારથી ચાવી વડે બંધ કરી દેવામાં આવે છે. પોપના મૃત્યુ કે રાજીનામા બાદ 28 દિવસમાં કોન્કલેવ ભરવી પડે છે. કૉન્કલેવમાં પ્રવેશ્યા પછી કાર્ડીનલોને બહારની દુનિયા સાથે સંપર્ક રાખવા દેવાતો નથી. રેડિયો, ટેલિફોન, મોબાઇલ કે વર્તમાનપત્રનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ભોજન આપવામાં અંકુશ રાખવામાં આવે છે. ભોજન બહારથી મોકલવામાં આવે છે. ભોજનની અંદર કોઈ ચિઠ્ઠી છે કે નહિ તે અધિકારીઓ દ્વારા ચકાસ્યા પછી જ ભોજન અંદર મોકલવામાં આવે છે. ચૂંટણીમાં લાગવગ અટકાવવા આમ કરવામાં આવે છે. કોઈ કાર્ડીનલ બીમાર હોય તો જ તેમને બહાર લઈ જવામાં આવે છે. એમ કહેવાય છે કે ભૂતકાળમાં કોઈ કાર્ડીનલ કૉન્કલેવમાં જ મરી ગયા હતા. કાર્ડીનલોને સભાની ચર્ચાની ગુપ્તતા જાળવવાની પ્રતિજ્ઞા લેવી પડે છે. ચૂંટણી કાયદેસર થાય તે માટે મતના બે તૃતીયાંશ ભાગથી એક વધારે મત મળવો જોઈએ. દાખલા તરીકે 61 કાર્ડીનલો હાજર હોય તો 41 મત મળવા જોઈએ. પાંચ દિવસમાં પોપની ચૂંટણી પૂરી ન થાય તો છઠ્ઠા દિવસથી કાર્ડીનલોનું ભોજન ઓછું કરી દેવામાં આવે છે.

કૉન્કલેવ શરૂ કરવા બધાં કાર્ડીનલો સેંટ પીટરના મહાદેવળમાં એકઠા થાય છે. ત્યાં કાર્ડીનલોના અધ્યક્ષ – કાર્ડીનલ ડીન પવિત્ર આત્મા(Holy Spirit)ની કૃપા મળી રહે તે માટે પ્રાર્થના કરાવે છે. વેટિકનનું સિસ્ટાઇન દેવળ વર્ષોથી કોન્કલેવ માટે વપરાય છે. બીજા દિવસે ફરીથી  તે જ દેવળમાં એકઠા થાય છે. દરેક કાર્ડીનલને છપાયેલો કાગળ આપવામાં આવે છે. તેમાં દરેક પોતાની પસંદગીનું નામ લખે છે. તે પછી કાગળને વાળીને જમણા હાથનાં આંગળાંથી પકડી હાથ ઊંચો રાખીને વેદી (Altar) તરફ જાય છે અને ત્યાં મૂકેલ પાત્રમાં તે મતપત્ર મૂકે છે. જ્યાં સુધી કોઈને પણ બે તૃતીયાંશ બહુમતી ના મળે ત્યાં સુધી રોજ મતદાનના ચાર રાઉન્ડ યોજવામાં આવે છે. દરેક મતદાનના પરિણામની ગણતરી ત્રણ કાર્ડીનલો દ્વારા મોટેથી ગણવામાં આવે છે. જો કોઈને જરૂરી બે તૃતીયાંશ મત ન મળે તો તે મતપત્રોને કેમિકલ સાથે બાળી નાખવામાં આવે છે. તે વખતે દેવળની ઉપર કાળો ધુમાડો નીકળે છે. જ્યારે કોઈને જરૂરી સંખ્યામાં મત મળે ત્યારે સફેદ ધુમાડો નીકળે છે. તે પછી કાર્ડીનલોના ડીન તે વ્યક્તિને એમની પાસે જઈને પૂછે છે કે ‘તમે આ ચૂંટણીના પરિણામને સ્વીકારો છો ?’ તેઓ હા કહે પછી પૂછવામાં આવે છે કે પોપ તરીકે તમે કયું નામ પસંદ કરો છો. જ્યારે તે નવું નામ જણાવે તે પછી ચૂંટણી પૂરી થાય છે. ઘણા સૈકાથી નવા પોપ પોતાનું નવું નામ બદલે છે. જો તે પોપની પદવી સ્વીકારવાની ના પાડે તો ફરીથી વોટિંગ કરવું પડે છે. નવા પોપ કોણ થયા છે તેની જાણ દુનિયાને થાય એ માટે ચૂંટાયેલા પોપ દેવળના ઝરૂખે આવીને લોકોને દર્શન આપે છે. Habemus Papam એટલે કે આપણને નવા પોપ મળી ગયા છે અને ચૂંટાયેલ પોપે નવું નામ કયું અપનાવ્યું છે તેની પણ જાહેરાત કરવામાં આવે છે. નવા પોપ લોકોને આશીર્વાદ આપે છે. લોકોનાં હૃદય આનંદથી ઊભરાય છે. બધા મોટા અવાજે પોપને વંદન કરે છે.

થોમસ પરમાર