પોપટ (parakeet/parrot) : માનવીના શબ્દોચ્ચારનું અનુકરણ કરવાની ખાસિયતને લીધે પાલતુ પ્રાણીઓમાં અગત્યનું  સ્થાન ધરાવતું એક પક્ષી. ભારતમાં વ્યાપક રીતે પરિચિત એવા પોપટનું શાસ્ત્રીય નામ છે Psittacula krameri, borealis negmann. ગુજરાતમાં પોપટને ‘સૂડો’ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ Rose ringed green parakeet છે. પોપટની ગણના Pscittaciformes શ્રેણીના Psittacidae કુળમાં થાય છે. સાવ લીલા વર્ણના અને પૂંછડી શરીર જેવડી કે તેના કરતાં લાંબી અને છેડેથી અણીદાર હોય તેવા પોપટને ‘પૅરાકીટ’ (Parakeet) કહે છે; જ્યારે ‘પૅરટ’(Parrot)ની પૂંછડી શરીર કરતાં સહેજ ટૂંકી અને ચોરસ હોય છે.

પોપટ સાંભળેલું બોલી જાય, યાદ રાખીને યોગ્ય સમયે તેનો પુનરુચ્ચાર કરે, શીખવેલું શીખે અને કેટલાક તો પોતે વાક્યરચના કરીને માનવીને મુગ્ધ પણ કરતા હોય છે. તેથી માનવી પોપટને શોખથી પાળે છે.

પોપટ

પોપટ ટોળામાં વાસ કરવાનું અને વૃક્ષ-છોડ પર બેસવાનું પસંદ કરે છે. ઊડે છે પણ ટોળામાં. કેટલીક વાર તો ટોળામાં ઊડતા પોપટની સંખ્યા તીડના ટોળાની જેમ મોટી હોય છે અને પાકને ખાવા ઉપરાંત, તેનો બગાડ કરી નુકસાન પહોંચાડે છે. બેસવા માટે તે પગની બે આંગળી આગળ અને બે આંગળી પાછળ રાખીને ઝાડની ડાળખીને પકડે છે. ડાળખી પર ચડવામાં કોઈક વાર તે ચાંચનો ઉપયોગ પણ કરે છે. ડાળખી પરની તેની પકડ મજબૂત હોય છે. વળી તે ઝાડ પર સહેલાઈથી ચડે છે અને દોડી પણ શકે છે.

ફળ તેનો મનગમતો ખોરાક છે. વટાણા જેવાની સિંગ છોલીને તે અંદરનાં બીજ ખાય છે; જ્યારે જામફળ જેવા ગરવાળા ફળને તે કોતરીને કે છેદીને ખાતો જોવા મળે છે. પોપટ માટે વસંતઋતુ સંવનનકાળ છે. તેણે પોતે બાંધેલ માળામાં 2થી 4 ઈંડાં મૂકે છે.

ભારતમાં દેખાતો એક બીજો મોટો પોપટ પણ છૂટોછવાયો જોવા મળે છે. તેને ‘ઍલેક્ઝાંડ્રિયન પૅરાકીટ’ કહે છે. તેને ઘેરા લીલા રંગની પૂંછડી, આછા લીલા અને પીળા રંગની બનેલી સૂડાના જેવી ચાંચ હોય છે. સૂડાની જેમ તે પણ ઝાડની બખોલમાં વસંતઋતુ દરમિયાન 2થી 5 ઈંડાં મૂકે છે.

તૂઈ, ભારતનો સૌથી નાનો પોપટ છે. અંગ્રેજીમાં તેને Blossom headed parakeet કહે છે. આશરે 30 સેમી. લાંબો, રંગે લીલો અને પેટ પરનો રંગ આછો પીળાશ પડતો હોય છે. તૂઈ ગીચ જંગલમાં વસે છે; શહેરોમાં ભાગ્યે જ જોવા મળે છે. ટોળામાં રહેવાને બદલે એકલો રહેવા તે ટેવાયેલો છે. અન્ય પોપટની જેમ તે પણ સંવનનકાળમાં 4થી 6 ઈંડાં મૂકે છે.

આશરે 340 જાતના પોપટ દુનિયામાં વસે છે. તેમાંના મોટા ભાગના પોપટ દક્ષિણ ગોળાર્ધના વતની છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં વસતો મૅકૉ પોપટ સૌથી લાંબો એટલે કે 85 સેમી. જેટલો લાંબો હોય છે. પ્રમાણમાં તેની ચાંચ પણ લાંબી હોય છે. ઑસ્ટ્રેલિયાના વન્ય વિસ્તારમાં લીલા રંગનો બજરિગર જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાનો એક બીજો પોપટ કૉકટીલ નામે ઓળખાય છે. તે મધ્યમ કદનો, ભૂરા રંગનો અને લાલ પૂંછડીવાળો હોય છે. ન્યૂઝીલૅન્ડનો કિયા પોપટ ગાઢ લીલા રંગનો હોય છે. તે અન્ય પોપટની જેમ ફળ અને અનાજ ખાવા ઉપરાંત મૃત પ્રાણીઓનું માંસ પણ ખાય છે. ન્યૂ ગિની અને પૅસિફિક ટાપુના લૉરિસ અને લૉરિકીટ પોપટ ચળકાટભર્યા લાલ રંગના હોય છે. ન્યૂ ગિનીમાં વસતા કોકાટું પોપટના માથે કલગી હોય છે.

દિલીપ શુક્લ