બોરો, અનિલકુમાર (જ. 9 ડિસેમ્બર 1961, કહિતામા, અસમ) : કવિ, લોકસાહિત્યકાર, અનુવાદક, શિક્ષણશાસ્ત્રી અને સાહિત્યિક વિવેચક.

બોરોએ ગુવાહાટી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ લોકસાહિત્ય સંશોધન વિભાગમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે 1988માં ડિમોરિયા કૉલેજ ખેતરી ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેઓ 2002ની સાલમાં ગુવાહાટી યુનિવર્સિટીના લોકસાહિત્ય સંશોધન વિભાગના વડા તરીકે જોડાયા.

અનિલકુમાર બોરો

બોરોએ કવિતા, સાહિત્યિક વિવેચન, નવલકથાઓ, બાળસાહિત્ય, પ્રવાસવર્ણનો અને લોકસાહિત્યના અભ્યાસ સહિત 30થી વધુ પુસ્તકો લખ્યાં છે અને સંપાદિત કરેલ છે. તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘ફોક લિટરેચર ઑફ ધ બોડોસ : એન ઇન્ટ્રોડક્શન’, ‘અ હિસ્ટ્રી ઑફ બોડો લિટરેચર’, ‘ફ્લુ ઍન્ડ ધ હાર્પ’ વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે. આધુનિક બોડો સાહિત્યને આકાર આપવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની અન્ય ભાષાઓમાંથી અનુવાદિત કૃતિઓએ બોડો સાહિત્યના વાચકોને વૈશ્વિક સાહિત્ય સાથે જોડ્યું છે. સંપાદક તરીકે પણ તેમણે મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સામયિકોનું સંકલન અને પ્રકાશન કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. જેમાં ‘બોડો ક્વાર્ટરલી’ અને ‘જર્નલ ઑફ ફોકલોરિસ્ટ્સ’નો સમાવેશ થાય છે.

તેમના સાહિત્યિક યોગદાન ઉપરાંત પ્રો. બોરોએ માતૃભાષા શિક્ષણપ્રચાર અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ(2020)ના અમલીકરણ માટે વ્યાપકપણે કાર્ય કર્યું છે. તેમણે બોડો સાહિત્ય સભા જેવાં સાહિત્યિક સંગઠનોમાં સક્રિયપણે યોગદાન આપ્યું છે. આ ઉપરાંત 2021થી કોકરાઝાર સાહિત્ય મહોત્સવના આયોજનમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેમના યોગદાન દ્વારા બોડો સાહિત્ય અને લોકસાહિત્યને વૈશ્વિક પ્લૅટફૉર્મ પર લાવવામાં મદદ થઈ છે.

બોરોએ જુદાં જુદાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં ભાગ લઈને ગ્રીસ, ઇટાલી, લિથુઆનિયા, ડેનમાર્ક અને ચીનમાં શૈક્ષણિક અને રાજકીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે.

બોડો સાહિત્ય અને લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ પ્રો. બોરોને 2012માં પ્રતિષ્ઠિત ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, 2024માં ‘રંગસર સાહિત્ય પુરસ્કાર’ અને ‘સાહિત્ય સાધના બોથા’થી નવાજવામાં આવ્યા છે. તેમને બોડો સાહિત્ય, લોકકથા અને સંસ્કૃતિના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે 2025માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અનિલકુમાર બોરોએ માત્ર યુનિવર્સિટીના અધ્યાપક નહીં, પરંતુ બોડો ભાષા-સંસ્કૃતિના સર્વાંગી વિકાસ માટે ઉલ્લેખનીય પ્રદાન આપેલ છે.

હિના શુક્લ