બોરેલ્લી, જિયોવાન્ની અલ્ફાન્સો

January, 2001

બોરેલ્લી, જિયોવાન્ની અલ્ફાન્સો (જ. 1608, મેસીના; અ. 1679, રોમ) : સ્થૈતિકી (statics) અને ગતિકી (dynamics) વિજ્ઞાનના આધારે સ્નાયુની ગતિ(muscular movements)નું અવલોકન કરનાર ઇટાલીના દેહધાર્મિક અને ભૌતિક વિજ્ઞાની.

ઈ. સ. 1649માં બોરેલ્લી ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે મેસીનામાં અને 1656માં પીસામાં જોડાયા. ત્યારબાદ તે મેસીના પાછા આવ્યા અને 1674માં રોમ ગયા. રોમમાં બોરેલ્લીને સ્વીડનની મહારાણી ક્રિસ્ટીનાના આશ્રયે કામ કરવાનો મોકો મળ્યો. રોમમાં બોરેલ્લીએ પ્રાણી-ચલન(animal movement)ને પોતાનું સંશોધનક્ષેત્ર બનાવ્યું અને ઈ. સ. 1680–81 દરમિયાન તેમના લેખ પરથી યાંત્રિક સિદ્ધાંતોના આધારે ‘પ્રાણીઓમાં થતું હલનચલન’ સમજાવવામાં સફળતા મેળવી.

બોરેલ્લી ખગોળશાસ્ત્ર(astronomy)ના ક્ષેત્રે પણ ઊંડો રસ ધરાવતા હતા.

મ. શિ. દૂબળે