ગુરુન્ગ, નરેન (જ. 21 જાન્યુઆરી 1957, ચાકુન્ગ, જિ. સોરેન્ગ, સિક્કિમ) : સિક્કિમની તથા નેપાળની સંસ્કૃતિના વિદ્વાન અભ્યાસી, સંગીતકાર (composer), ગાયક, નૃત્યનિયોજક (choreographer) નર્તક (dancer) નાટ્યલેખક અને લોકસાહિત્યના જાણકાર.

નરેન ગુરુન્ગ

પશ્ચિમ બંગાળ શિક્ષણ બોર્ડમાંથી 1974માં મૅટ્રિક્યુલેશન પસાર કરી સિક્કિમના પાકયોન્ગ જિલ્લામાં ડીકલિંગ હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. સિક્કિમની પરંપરાગત સંગીત શૈલીમાં તેઓ ગાયક તરીકે લોકપ્રિય બન્યા. સિક્કિમ સરકારે 1979માં સિક્કિમની સંગીત-નાટક અકાદમીમાં આમેજ કર્યા, જ્યાં સંગીતના વિભાગને તેમણે વિકસાવ્યો અને તેઓ આ વિભાગના ઇન-ચાર્જ વડા બન્યા.

આધુનિકતાના વધતા જતા પ્રભાવથી ભુલાઈ રહેલા નેપાળી લોકસાહિત્ય અને લોકસંગીતને લુપ્ત થઈ જવામાંથી ઉગારી લેવાનું જહેમતભર્યું કામ તેમણે પોતાને માથે લઈને સફળતાપૂર્વક પાર પાડ્યું. ઉપરાંત સિક્કિમની ભૂતિયા, અને લેપ્ચા સંસ્કૃતિની ગીત-સંગીત તથા લોકકથાની પરંપરાઓનું પણ દસ્તાવેજીકરણ કરીને તેમને લુપ્ત થઈ જવામાંથી ઉગારી લીધી. તેમણે ત્રીસ જેટલાં ગીતોને જાતે સંગીત આપ્યું છે.

સિક્કિમનાં લોકગીતોને પોતાને કંઠે ગાઈને સેંકડો આલબમોને ઓડિયો કૅસેટના માધ્યમથી બહાર પાડ્યાં. ઑલ ઇન્ડિયા રેડિયોની અગરતલા (ત્રિપુરા), ગંગટોક (સિક્કિમ), ઇમ્ફાલ (મણિપુર), ગૌહતી (આસામ), કુર્સિયોન્ગ (પશ્ચિમ બંગાળ) શાખાઓ પર લગાતાર દસકાઓ સુધી અનેક ગીતો ગાયાં. બ્રિટન, અમેરિકા, કૅનેડા, મેક્સિકો ઉપરાંત આફ્રિકાના અને લૅટિન અમેરિકાના દેશોની યાત્રાઓ કરીને ત્યાં પરંપરાગત સિક્કિમનાં ગીતો પોતાને કંઠે ગાઈ સંભળાવ્યાં. નેપાળી લોકગીતો અને લોકનૃત્યો તથા લોકકથાઓને એકઠાં કરી તેમનું દસ્તાવેજીકરણ કર્યું. તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં છે : ‘લોકદર્પણ ભંજ્યાંગ્કા ભાખારુ’ (2017), ‘લોકાયન મા બનચાકા નેપાળી લોકગીતસંગીત’ (2021) તથા ‘તિરસાના ગીત-સંગીત કો’ (2023).

તેમને પુરસ્કારો મળ્યા છે : ‘સિક્કિમ રાજ્ય પુરસ્કાર’ (2008), કેન્દ્રીય સંગીતનાટક અકાદમી પુરસ્કાર (2004), સિક્કિમ સરકાર તરફથી ‘સિક્કિમ સેવાસમ્માન’ (2022) તથા ગારીબાસ દાર્જિલિંગ તરફથી લોકસાહિત્યકાર એમ. એમ. ગુરુન્ગ સ્મૃતિ પુરસ્કાર (2022).

2025માં ભારત સરકારે તેમનું પદ્મશ્રી ઍવૉર્ડ વડે સન્માન કર્યું. તેઓ ‘નેપાળી ગીતગુરુ’ના હુલામણા નામે ઓળખાય છે.

અમિતાભ મડિયા