ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ;  અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું માસિક શરૂ કર્યું. તેમાં સતત વિવિધ વિષયો પર એ લેખો લખતા. 1938માં અમૃતસર જિલ્લામાં ‘પ્રીતનગર’ નામની વસાહત સ્થાપી અને એને આત્મનિર્ભર ગામ બનાવ્યું. એમણે અમેરિકા, યુરોપ, ચીન, રશિયા વગેરે દેશોનો પ્રવાસ ખેડી પ્રવાસના અનુભવોનો સાહિત્યિક રચનામાં ઉપયોગ કર્યો છે. 1970માં પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયે એમનું સન્માન કરેલું.

એમની 60 પ્રગટ રચનાઓમાં નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો, નાટક, આત્મકથા, સંસ્મરણ વગેરે વિવિધ પ્રકારોનો સમાવેશ થાય છે. એમની મુખ્ય રચનાઓ છે – નવલકથાઓ : ‘રાજકુમારી બતિકા’ (1926), ‘પ્રીત મુકુટ’ (1934) તથા ‘વીણા વિનોદ’ (1940); વાર્તાસંગ્રહો : ‘ખુશહાલ જીવન’ (1946), ‘અણવ્યાહી મા’ (1950), ‘ઇસ દુનિયા કે તેરહ સપને’ (1950), ‘પ્રીતાં કે પહેરેદાર’ (1952). ‘મેરી જીવનકહાણી’ (1959) એ એમની આત્મકથા છે. એમની પર સામ્યવાદનો પ્રભાવ હોવાનું જણાય છે. એ ‘પ્રગતિવાદી મંડળ’ના પ્રમુખ પણ હતા. 1952માં પંજાબ સરકારે સાહિત્યકાર તરીકે સન્માન કર્યું. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પંજાબી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર સમિતિના સભ્ય અને સાહિત્ય અકાદમીના પ્રમુખ રહ્યા.

તેઓ મૂળભૂત રીતે ગદ્યલેખક છે. તેમણે ઉલ્લેખનીય 10 વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમાં ‘નાગ પ્રીત દા જાદુ’ (1940), ‘અનોખે તે ઈકલ્લે’ (1940), ‘આસમાની મહાનદી’ (1940), ‘ભાબી મૈના’ (1946), ‘પ્રતી કહાનિયાઁ’ (1950), ‘સબનમ’ (1955), ‘જિંદગી વારિસ હૈ’ (1960), ‘રંગ સાહિકડા દિલ’ (1970) વગેરે છે.

‘પ્રીત માર્ગ’ (1934), ‘સાનવિન પાધરી જિંદગી’ (1941), ‘પરમ માનુખ’ તેમના નિબંધસંગ્રહો છે. તેમની અન્ય ગદ્યકૃતિઓ છે : ‘નવા શિવાલા’, ‘નવીન ટકરી દુનિયા’, ‘ભાખડી જીવન ચાંગિયારી’, ‘ખુલ્લા દાર’, ‘મેરીયાં અવ્વલ યાદેં’ (સ્મરણો ભાગ 1-2).

તેમની શૈલી સ્પષ્ટ, ગંભીર, દાર્શનિક અને કાવ્યમય છે. વાક્યરચનાની ગૂંથણી જોતાં તેઓ ‘શબ્દોના જાદુગર’ કહેવાતા. સંખ્યાબંધ પંજાબી ઘરોમાં જીવનની રહેણીકરણી, સભ્યતા, રીતભાત અને વાણી પર તેમની કૃતિઓનો ભારે પ્રભાવ રહ્યો. તેમના ચાહકો તેમને ‘દારજી’ (સરદારજીના ટૂંકા નામ) તરીકે સંબોધતા.

પ્રમીલા મલ્લિક