ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં. એમને બે પુત્રો હતા – શ્રીચંદ અને લક્ષ્મીચંદ. ગુરુ નાનકદેવ નાનપણથી ધ્યાનમાં બેસતા. તથા સંસારી રસનું એમને આકર્ષણ ન હતું. શાળાના અભ્યાસમાં મન લાગતું નહિ અને ચિંતનમનનમાં ડૂબેલા રહેતા. એમના પિતાએ એમને ઘોડાનો વેપાર કરવા આપેલા પૈસા એમણે સાધુસંતોમાં વહેંચી દીધા ને પિતાને કહ્યું : ‘આ જ સાચો વેપાર છે.’

એમણે વિવિધ સંપ્રદાયના સાધુઓનો સત્સંગ કર્યો હતો. હરદ્વાર, અયોધ્યા, પટણા, જગન્નાથપુરી, લાહોર, મક્કા-મદીના, બગદાદ વગેરે સ્થળોની યાત્રા કરેલી ને પછી કરતારપુરમાં સ્થાયી થયા ને ત્યાં જ એમણે દેહલીલા સંકેલી. ગુરુ નાનકની રચનાઓમાં ‘જપજી’, ‘સિદ્ધિગોષ્ઠિ’, ‘રાગ-આશાવરી’, ‘તીન વારેં, – આશાકી વાર, માઝકી વાર તથા મલાર-કી વાર’, ‘બારા માહ’, ‘સોહબેં’, ‘પહરેં’, ‘બનઝારે’, ‘અલાહનિયાં’, ‘છંદ’, ‘રેખતા’ તથા ‘શ્લોક’ છે. એમની સમગ્ર કવિતા ‘ગુરુ નાનકવાણી’ નામથી પ્રકાશિત થઈ છે. જોકે એમની રચનાઓ શીખોના ધર્મગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહિબ’ના મહબા એકમાં સમાવાઈ છે. એ પરમાત્માને અનંત, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક માને છે અને પરમાત્માને પામવાનો એક માર્ગ આંતરિક સાધના છે એમ માને છે. એ નામસ્મરણને સાધનામાં મહત્વનું તત્વ માને છે.

ગુરુ નાનક તેમના પટ્ટશિષ્ય બાલા અને મરદાના સાથે

ગુરુ નાનકની વાણીમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સમન્વય થયેલો છે. તે ઉપરાંત એમનાં કાવ્યોમાં તત્કાલીન રાજકીય, સામાજિક તથા ધાર્મિક સ્થિતિની પણ ઝાંખી થાય છે. એમની કવિતામાં દેશભક્તિનો પ્રવાહ પણ વેગીલો છે. એમણે હિંદુ તથા મુસ્લિમ બંનેના કુરિવાજો પર પ્રહાર કર્યો છે. સંત કવિઓમાં ગુરુ નાનક એ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેમણે સ્ત્રીઓની નિંદા નહિ પણ પ્રશંસા કરી છે. એમની કવિતામાં પ્રકૃતિસૌંદર્યનું પણ મનોહારી વર્ણન છે. ‘બારા માહ’માં પ્રતિમાસ બદલાતા પ્રકૃતિસૌંદર્યનું તાર્દશ વર્ણન કર્યું છે. ભાષાની ર્દષ્ટિએ એમની વાણીમાં અરબી, ફારસી, પંજાબી, સિંધી, વ્રજભાષા અને ખડી બોલીના પ્રયોગો થયેલા છે.

ગીતા જૈન