પાઠક, બિંદેશ્વર (જ. 2 એેપ્રિલ 1943, રામપુર બઘેલ, જિ. વૈશાલી, બિહાર, અ. 15 ઑગસ્ટ, 2023, નવી દિલ્હી) : ‘ટૉઇલેટ મૅન ઑવ્ ઇન્ડિયા’ તરીકે જાણીતા સુલભ ઇન્ટરનેશનલના સ્થાપક.

બિંદેશ્વર પાઠક ભારતીય રેલવેના સ્વચ્છ રેલ મિશન માટેના અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. પિતા રમાકાંત અને માતા યોગમાયા દેવી.

તેમણે 1964માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી. 1980માં પટના યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર સાથે અને 1986માં અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા. 1985માં પીએચ.ડી.ની અને 1994માં ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે થોડો સમય શિક્ષક તરીકે કાર્ય કર્યું. 1968માં પટનામાં ગાંધી શતાબ્દી ઉજવણી સમિતિમાં સ્વયંસેવક તરીકે જોડાયા. તેમણે હાથથી મેલું ઉપાડતા સફાઈકામદારોની દુર્દશા જોઈ અને તેને હલ કરવાનો અને તેમના સ્વાભિમાનને પુર્નસ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો.

તેમણે 1970માં સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. તેમણે સુલભ ઇન્ટરનેશનલ દ્વારા માનવઅધિકારો, કચરાનું વ્યવસ્થાપન, પર્યાવરણીય સ્વચ્છતા અને બિનપરંપરાગત ઊર્જાસ્રોતો માટે જનજાગૃતિનું કાર્ય કર્યું. તેમણે સુલભ શૌચાલયને ફર્મેન્ટેશન પ્લાન્ટ્સ સાથે જોડીને ગંધરહિત બાયૉગૅસ અને ફૉસ્ફરસ તથા અન્ય ઘટકોયુક્ત સ્વચ્છ પાણી મેળવવાનો નવતર પ્રયોગ કર્યો. તેમના પ્રયોગે અસ્વચ્છતા અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો.

એ સમયમાં ખુલ્લામાં અને ગામ બહાર શૌચ કરવાની પ્રથા હતી. સૌથી ખરાબ પરિસ્થિતિ મહિલાઓની હતી. તેમણે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જ શૌચ માટે જવું પડતું. સાપ, વીંછી કરડવાના કે તેમના પર હુમલો થવાની ઘટનાઓ બનતી.  તેમણે લોકોને ખુલ્લામાં શૌચ જવામાંથી મુક્તિ અપાવી. આ માટે તેમને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેમની મજાક ઉડાવતા હતા. તેમણે પ્રોજેક્ટ માટે પોતાની  જમીન અને પત્નીનાં ઘરેણાં વેચ્યાં હતાં. મિત્રો પાસેથી ઉછીના રૂપિયા પણ લેવા પડ્યા હતા.

તેમણે 1973માં બિહારના ધારાસભ્યને સફાઈ કામદારોની સ્થિતિ વર્ણવતો પત્ર લખ્યો. ધારાસભ્યએ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને આ અંગે પત્ર લખ્યો. ઇન્દિરા ગાંધીનો હકારાત્મક જવાબ અમલદારશાહીમાં અટવાઈ ગયો.

તેમણે આરા નગરપાલિકામાં બે શૌચાલય બનાવ્યાં. એ પછી એમને મંજૂરી મળતાં સુલભ દ્વારા પટણામાં શૌચાલયનું કામ શરૂ કર્યું. તેમણે 1974માં પે એન્ડ યુઝના ધોરણે જાહેર શૌચાલયો શરૂ કર્યાં. એમનો આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ લોકપ્રિય બન્યો.

તેમણે 1988માં નાથદ્વારામાં સફાઈકામદારોને મંદિરપ્રવેશ કરાવ્યો. તેમણે સફાઈકામદારોને સીવણ, ભરત, બ્યૂટીપાર્લર વગેરેની તાલીમ આપીને સ્વનિર્ભર બનાવી સમાજમાં સન્માન અપાવ્યું. તેમણે વૃંદાવન, કાશી અને ઉત્તરાખંડમાં નારીસશક્તીકરણનાં કાર્યો કર્યાં. તેમણે વૃંદાવનની વિધવાઓને કામ આપ્યું.

તેમણે ‘ધ રોડ ટુ ફ્રીડમ’ પુસ્તક લખ્યું હતું. 2017માં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર લખેલું પુસ્તક ‘ધ મેકિંગ ઑવ્ અ લિજેન્ડ’નું લોકાર્પણ થયું હતું. તેમનાં કાર્યોની ગાથા વર્ણવતું પુસ્તક ‘નમસ્તે, બિંદેશ્વર પાઠક’ પ્રકાશિત થયું છે.

તેમની સેવા બદલ ભારત સરકારે 1991માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. 1992માં આંતરરાષ્ટ્રીય સંત ફ્રાન્સિસ પુરસ્કાર – કૅન્ટિકલ ઑવ્ ઑલ ફીચર્સ આપવામાં આવ્યો હતો. તેમને 2009માં સ્ટૉકહોમ વૉટરપ્રાઇઝ, 2013માં લિજેન્ડ ઑવ્ પ્લૅનેટ ઍવૉર્ડ, 2014માં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, એનર્જી ગ્લોબલ ઍવૉર્ડ, દુબઈ ઇન્ટરનેશનલ ઍવૉર્ડ, આંતરરાષ્ટ્રીય ભોજપુરી સન્માન, 2018માં નિક્કી એશિયા પુરસ્કાર, 2017માં લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર અને ઇન્ડિયન અફેર્સ સોશ્યલ રીફોર્મર ઑવ્ ધ ઇયર ઍવૉર્ડ, 2024માં પદ્મવિભૂષણ (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2003માં તેમના નામનો ગ્લોબલ 500 રોલ ઑવ્ ઓનરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2017માં ઇન્ડિયા લીડરશીપ કોન્ક્લેવમાં તેમને ઇન્ડિયન અફેર્સ સોશ્યલ રિફોર્મર ઑવ્ ધ ઇયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ન્યૂયોર્કના મેયરે 14 એપ્રિલ, 2016ને બિંદેશ્વર પાઠક દિવસ તરીકે જાહેર કર્યો હતો.

અનિલ રાવલ