(પંડિત) પાઠક, બલરામ (. 5 નવેમ્બર 1926, બલિયા, ઉત્તરપ્રદેશ; . 15 ફેબ્રુઆરી 1991, ન્યૂ દિલ્હી) : વિખ્યાત સિતારવાદક. તેમના પિતા ધ્રુપદ ગાયકીના નિષ્ણાત હતા. તેમના કાકા સિતારવાદક હતા. શરૂઆતમાં બલરામ પાઠકે બંને પાસેથી શાસ્ત્રીય કંઠ્યસંગીત તથા સિતારવાદનની તાલીમ લીધી હતી. તેમણે બાર વર્ષની ઉંમરે 1938માં પ્રથમ વખત લોકો સમક્ષ સંગીતની રજૂઆત કરી નામના મેળવી હતી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા કોશિમબઝારના મહારાજા કમલ રંજન રૉયે તેમને રાજ્ય સંગીતકાર તરીકેનો દરજ્જો આપ્યો હતો. કૉલકાતાની સંગીત સભામાં તેમને ‘સૂરસાધક’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમની રજૂઆતમાં નાવીન્ય સાથે ભારતીય રાગની જમાવટ જોવા મળતી. કર્ણાટકી અને ઉત્તર ભારતના સંગીતનો સમન્વય કરીને તેમણે કરેલાં સંશોધનને પરિણામે સુગમસંગીતને નવી દિશા પ્રાપ્ત થઈ. તેમણે કેટલાક નવા રાગ લટંગી, ચારુકેશી, સન્મુખ-પ્રિયા, અમૃતવર્ષા, બાખરા-મધમા તોરી, મુખારી, લીલાવતી, આહીરીમાં રચનાઓ રજૂ કરી સુગમસંગીતના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કર્યું છે. ચાળીસ વર્ષની ઉંમરે દમની બીમારી થવાથી કંઠ્યસંગીત છોડી પોતાનું સમગ્ર ધ્યાન સિતારવાદન પર કેન્દ્રિત કર્યું હતું. અન્ય સિતારવાદકો કરતાં તેમની શૈલી અલગ તરી આવે એવી હતી. તેમણે સિતાર પર ધ્રુપદ અને ખયાલ ગાયકીના  સ્વરો વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કૉલકાતા ખાતેના તેમના ત્રણ દાયકાના નિવાસ દરમિયાન તેમણે ઘણા યુવાન કલાકારોને સિતારવાદનમાં તૈયાર કર્યા હતા.

મધ્યપ્રદેશના ખૈરાગઢ ખાતેના કલા વિશ્વવિદ્યાલયમાં સંગીતના પ્રોફેસર તરીકે તેઓ નિમણૂક પામ્યા હતા. ત્યાં તેમણે કેટલાંક વર્ષ સેવા આપી. તેઓ 1980માં કૉલકાતાથી ન્યૂ દિલ્હી આવ્યા. તેમણે અનેક ખ્યાતનામ સંગીત-સમારોહમાં ભાગ લીધો હતો. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયોના કૉલકાતા અને દિલ્હી-કેન્દ્રો ઉપરથી પણ સંગીતની નિયમિત રજૂઆત કરતા હતા. 1989માં તેમને સંગીત-નાટ્ય એકૅડેમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે યુરોપના દેશોની મુલાકાત લીધી હતી. તેમણે આપણા સદ્ગત વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી માટે ‘રાગ બહાદુર શાસ્ત્રી’ની પણ રચના કરી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

કિશોર પંડ્યા