પાઠક રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’)

January, 1999

પાઠક, રમણલાલ હિંમતલાલ (‘વાચસ્પતિ’) (. 30 જૂન 1922, રાજગઢ (ગોઠ), પંચમહાલ) : રેશનાલિઝમ પરત્વે પ્રતિબદ્ધ એવા ગુજરાતી લેખક. તેઓ વાર્તાકાર, હાસ્યકાર, ચિંતનાત્મક અને લલિત નિબંધોના લેખક ઉપરાંત વિવેચક, ભાષાવિજ્ઞાની, અનુવાદક અને નવલકથાકાર પણ હતા. સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાવાને કારણે અભ્યાસમાં વિક્ષેપ પછી 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.. અધ્યાપકીય કારકિર્દી સ્વીકારવાના લક્ષ્ય સાથે જૂન, 1962માં ગુજરાતી વિષય સુવર્ણચંદ્રક સાથે એમ.એ. થયા. શિક્ષક, પત્રકાર, કટારલેખક, ઑલ ઇન્ડિયા રેડિયો દિલ્હી ખાતેના સમાચારવાચક, સોવિયેત એલચી કચેરીના માહિતીવિભાગમાં ગુજરાતી બુલેટિનના મુખ્ય સંપાદક જેવા વિવિધ વ્યવસાયો કર્યા બાદ 1963માં બારડોલી કૉલેજમાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક તરીકે જોડાયા. પછી 1971-72માં સંખેડા કૉલેજમાં પ્રાધ્યાપક રહી, 1972થી 1982માં નિવૃત્તિ સુધી ચિખલી કૉલેજમાં પ્રાધ્યાપક રહ્યા.

ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત મહિલા વાર્તાકાર સરોજ પાઠક (ઉદ્દેશી) સાથે નવેમ્બર, 1950માં સ્નેહલગ્ન કર્યું. સંતાનમાં એક પુત્રી  શર્વરી.

પ્રારંભમાં થોડાં કાવ્યો લખ્યાં; પછી ‘વરસાદ’, ‘સોનપરી’, ‘આકારોના અકસ્માત’ જેવી કેટલીક વાર્તાઓના સર્જન સાથે ‘ઓથાર’ નામની નવલકથા પણ લખી. એમની વાર્તાઓમાં ઘટના કરતાં આકારનું વિશેષ વજન રહ્યું છે. એ વાર્તાઓમાં ઘટનાલોપને બદલે ઘટનાના પિંડ ઉપર જ વાર્તાશિલ્પની કલાકીય કોતરણી જોવા મળે છે. ચિત્તના અંતરતમ આલેખન ઉપરાંત સંવેદનોના તીવ્ર પ્રકંપ અને તેનું સ્વૈરવિહારી વલયીકરણ એ તેમની વાર્તાઓનું વ્યાવર્તક લક્ષણ રહ્યું છે. સમાંતરે જ તેમણે હાસ્યનિબંધો, ભાષાવિજ્ઞાન, વિવેચન, અનુવાદ અને ક્વચિત્ નાટ્યસ્વરૂપનું પણ ખેડાણ કર્યું છે. ‘આરામ’ સામયિકમાં વર્ષો લગી તેમની વાર્તાઓના અવલોકનની કટાર ‘ગયા માસની વાર્તાઓ’ નામે ચલાવી હતી. પત્ની વાર્તાકાર સરોજ પાઠકની સાહિત્યિક કારર્કિદીને પ્રેરવા અને વિકસાવવામાં તેમનું અગત્યનું યોગદાન રહ્યું હતું. 1960માં ‘જન્મભૂમિ’ દૈનિકમાં ચાલેલી તેમની હળવા રંગની કટાર ‘કટાક્ષિકા’ દ્વારા તેમજ કેટલાક હાસ્યકેન્દ્રી નિબંધો દ્વારા તેમની ગણના સારા હાસ્યકારોમાં પણ થતી રહી છે.

રમણલાલ હિંમતલાલ પાઠક

જોકે તેમનું અનન્ય પ્રદાન ગુજરાતના વૈચારિક ક્ષેત્રે ગણાય છે. 1976માં સૂરતના ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં આરંભાયેલી તેમની કટાર ‘રમણભ્રમણ’ દ્વારા તેમનું રેશનાલિસ્ટ ચિંતક તરીકેનું સ્વરૂપ નીખરી આવ્યું. એ કટાર અદ્યાપિ પ્રગટ થઈ રહી છે. 1996થી ‘સમકાલીન’ દૈનિકમાં શરૂ થયેલી કટાર ‘સંશયની સાધના’ પણ બૌદ્ધિકો માટે પ્રકર્ષક નીવડી છે. તેઓ ગુજરાતમાં બુદ્ધિનિષ્ઠ આંદોલનના પ્રણેતા બની રહ્યા. તેમના પ્રબોધ્યા રેશનાલિઝમનું મુખ્ય ધ્યેય માણસને માત્ર નિરીશ્વરવાદી કે પરંપરાભંજક સુધારાવાદી બનાવવાનું નથી બલકે એને જીવનાનંદપૂર્ણ ગ્રંથિ-ગૃહીતોથી મુક્ત અને તર્કપૂત, વૈજ્ઞાનિક અભિગમવાળી જીવનચર્યા અપનાવતો કરવાનું છે એમ તેમનું પ્રતિપાદન છે.

તેઓનું ચિંતન કંઈક પાશ્ચાત્ય વિચારકોથી પ્રભાવિત છતાં પૂર્વના વિચારકોના અભ્યાસ સાથે સમન્વિત છે. ભાષાશૈલી સંસ્કૃતપ્રચુર અને સચોટ છે.

તેમનાં પિસ્તાલીસ જેટલાં પુસ્તકોમાં ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’, ‘અકસ્માતના આકાર’ અને ‘પ્રીત બંધાણી’ (સરોજ પાઠક સાથે) જેવા વાર્તાસંગ્રહો; ‘ઓથાર’ નવલકથા; ‘વાર્તાવિલોક’, ‘શબ્દનો સંગ’ જેવા વિવેચનસંગ્રહો; ‘વ્યંગવિનોદ’, ‘હાસ્યોપનિષદ’, ‘હાસ્યલોક’ અને ‘હાસ્યરમણા’ જેવા હાસ્યલેખસંગ્રહો’; ‘આત્મ ઝરમર’ (આત્મકથા); ‘ભાષાસિદ્ધાંત સાર’, ‘ગુજરાતી લિપિ અને જોડણી’ (ભાષાવિજ્ઞાન); ‘સરોજ પાઠકની શ્રેષ્ઠવાર્તાઓ’ (દિલાવરસિંહ જાડેજા જોડે), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ (જયંત પાઠક જોડે) વગેરે સંપાદનો; ‘ટોકિયોથી ઇમ્ફાલ’, ‘ચેખૉવની શ્રેષ્ઠવાર્તાઓ’, ‘હું કેમ નિરીશ્વરવાદી છું’ (વીર ભગતસિંહ), ‘ધીરે વહે છે દોન’ જેવા અનુવાદો તેમજ જાતીયવિજ્ઞાન ઉપરનું પુસ્તક ‘કામકલા કામવિજ્ઞાન’; ‘રમણભ્રમણ’, ‘આંસુ અનરાધાર’, ‘વિચારવિવેક’, ‘ઊંડા અંધારેથી’, ‘મધુપર્ક’ જેવા નિબંધો તથા ચિંતનલેખોના સંગ્રહોનો સમાવેશ થાય છે. તેમના મોટાભાગના નિબંધોનો કેન્દ્ર વિચાર વિવેક બુદ્ધિવાદ (Rationalism) રહ્યા છે.

1965માં તેઓને રશિયન નવલકથા ‘ધીરે વહે છે દોન’ના અનુવાદ બદલ (ડૉ. જયંત પાઠક તથા ડૉ. સુરેશ જોશી સાથે) સોવિયેત લૅન્ડ નહેરુ શાંતિ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ ઉપરાંત હાસ્યસંગ્રહ ‘હાસ્યલોક’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ‘રમણભ્રમણ’ કટાર માટે સૂરત પત્રકાર સંઘનો ‘શ્રેષ્ઠ કટારનો પુરસ્કાર’ વગેરે પ્રાપ્ત થયા છે.

રજનીકુમાર પંડ્યા