ઉર્વશી(1) : પુરાણપ્રસિદ્ધ અપ્સરા. પૌરાણિક ઉલ્લેખો અનુસાર નારાયણનો તપોભંગ કરવા સારુ ઇન્દ્રે મોકલેલી અપ્સરાઓને પોતાનો પ્રભાવ બતાવવા નારાયણે પોતાના ઊરુસ્થલમાંથી ઉર્વશી આદિ અપ્સરાઓ ઉત્પન્ન કરી હતી. ‘ઊરુમાંથી જન્મેલી તે ઉર્વશી’ એવી વ્યુત્પત્તિ દૂરાન્વયયુક્ત લાગે છે. ઋક્સંહિતાના દસમા મંડળનું પંચાણુંમું સૂક્ત ઉર્વશી-પુરુરવાનું સંવાદસૂક્ત છે. ચંદ્રવંશી બુધનો પુત્ર પુરુરવા ઐલ દેવાસુરસંગ્રામમાં દેવપક્ષે હતો. અપ્સરાઓએ તેનું પરાક્રમ જોયું હતું. ત્યારથી ઉર્વશી તેના તરફ આકર્ષાયેલી અને શતપથ બ્રાહ્મણ (11-5-1) અનુસાર ઉર્વશી ત્રણ શરતે પુરુરવા સાથે જોડાયેલી. શરતભંગ થતાં ઉર્વશી દેવલોકમાં પાછી જતી રહી. વિરહપીડિત રાજાએ એને કુરુક્ષેત્રના એક સરોવરમાં સ્નાન કરતી જોઈ ત્યારે તેનો ઉર્વશી સાથે ‘હયે જાયે’ એ સૂક્ત પ્રમાણે સંવાદ થયો. આમ પુરુરવા ઐલના સંબંધે અપ્સરા ઉર્વશીને ઋષિકાપદ પ્રાપ્ત થયું. આ સંવાદસૂક્તના અઢાર મંત્રોમાંથી 2, 4, 5, 7, 11, 13, 15, 16 અને 18 એ મંત્રોની ઋષિકા ઉર્વશી છે અને દેવતા પુરુરવા છે. બાકીના નવ મંત્રોનો ઋષિ પુરુરવા છે અને દેવતા ઉર્વશી છે. ઉર્વશી કહે છે, ‘હે રાજા, તમારી સાથેના સુખભોગ વિનાની ઠાલી વાતોનો શો અર્થ ? તમે ઘરે જાઓ. હું તો પવનની લે’રખીની જેમ અપ્રાપ્ય છું. તમારે ત્યાં હતી ત્યારે હું તમારા પિતા માટે ભોજન બનાવતી અને તમારી પાસે આવતી ત્યારે તમે મારા શરીરના સ્વામી હતા. દેવાસુરસંગ્રામમાં અમે અપ્સરાઓએ તમારું પરાક્રમ જોયું છે. તમે મરશો નહિ. મારા ઉદરમાં તમારો ગર્ભ છે. સ્ત્રીઓ કોઈની મૈત્રી કરતી નથી. તેમનાં હૃદય વરુ જેવાં ક્રૂર હોય છે. છતાંય તમારે ત્યાં રહી ભોગવેલા સુખભોગથી હું તૃપ્ત છું, પ્રસન્ન છું. તમારે ત્યાં મારામાં થયેલાં સંતાનો હશે.’
અહીં ઉર્વશી પણ રાજાને ભૂલી નથી એ સ્પષ્ટ થાય છે. પત્ની તરીકે રાજા પાસે રહી ત્યારે વૃદ્ધસેવા આદિ ધર્મોનું એણે પાલન કર્યું હતું. ઉર્વશીથી રાજાને આયુ, સુતાયુ, સત્યાયુ વગેરે છ પુત્રો થયાનો પુરાણોમાં ઉલ્લેખ છે.
નટવરલાલ યાજ્ઞિક