ઉર્ફી શીરાઝી (જ. 1555, શીરાઝ, ઇરાન; અ. ઓગસ્ટ 1591, લાહોર) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ, બિરુદ જમાલુદ્દીન, તખલ્લુસ ‘ઉર્ફી’. તેમના પિતા ઝેનુદ્દીન બલવી શીરાઝમાં ધાર્મિક રૂઢિના કેસોનો ચુકાદો આપનાર ઉચ્ચ પદાધિકારી હતા, જે ‘અરફ’ કહેવાતા; તેથી તેમણે ‘ઉર્ફી’ તખલ્લુસ રાખ્યું હતું. તેમણે શીરાઝમાં અરબી વ્યાકરણશાસ્ત્ર, ફારસી છંદશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને ચિત્રકલાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 20 વર્ષની વયે શીતળા નીકળવાથી તેમનો ચહેરો કદરૂપો બની ગયો હતો. તે ખૂબ સ્વાભિમાની હતા. ઈરાનમાં સમકાલીન ઈરાની કવિઓની સ્પર્ધામાં ઊતરવું પડતું તેથી અને ભારતમાં અકબર તથા તેના ઉચ્ચ પદાધિકારીઓ વિદેશી કલાકારોનાં પણ જ્ઞાન, કલા અને સાહિત્યની કદર કરતા હોવાથી 1585માં તે ભારત આવ્યા.

ભારતમાં પહેલાં અહમદનગર અને પછી ફતેહપુર સિક્રી ગયા અને અકબરના દરબારના પ્રસિદ્ધ કવિ શેખ અબુલ ફૈઝ ‘ફૈઝી’ના સેવક બન્યા; અને તેમની સાથે અકબર અટક ખાતે શિબિરમાં હતો ત્યાં પહોંચ્યા. ત્યારપછી અકબરના અન્ય અમીર, મસીહુદ્દીન હકીમ અબુલફતહના આશ્રિત થયા. 1589માં હકીમસાહેબનું અવસાન થવાથી અબ્દુર્રહીમ ખાનખાનાના આશ્રિત બન્યા અને અંતમાં અકબરના દરબારી કવિ તરીકેનું સ્થાન પામ્યા. અકબર તેમજ શાહજાદા સલીમના તે કૃપાપાત્ર હતા. અંતે મરડાથી તેમનું અવસાન થયું. એક બીજા મત મુજબ તેમને કેટલાક ઈર્ષ્યાળુ માણસોએ ઝેર આપેલું.

તેમની રચનાઓ 1587-88માં સૌપ્રથમ સંકલિત થઈ; જેમાં 26 કસીદા, 270 ગઝલ, 320 શેરના કિતા અને 380 શેરની રુબાઈઓ હતી. તેમણે આત્માસંબંધી સૂફીમતના સિદ્ધાંતોની વ્યાખ્યા કરતું પુસ્તક ‘રિસાલ-એ નફસિયા’ ગદ્યમાં લખેલ છે. તેમની મસનવીઓ ‘મજમઉલ અબકાર’ અને ‘ફરહાદ-વ-શીરીન’ પ્રસિદ્ધ છે; છતાં તેમને વિશેષ પ્રસિદ્ધિ તેમના કસીદા(પ્રશસ્તિકાવ્ય)થી મળેલી છે. તે ભારત તેમજ ઈરાનમાં કવિ તરીકે પ્રસિદ્ધ હતા.

હુસેનાબીબી અમીરુદ્દીન કાદરી