ઉર્વશી(2) (1934) : ગુજરાતી પદ્યનાટિકા. લેખક દુર્ગેશ શુક્લ. અવનવી નાટ્ય-અભિવ્યક્તિ શોધવાના સાહિત્ય અને રંગભૂમિના તત્કાલીન પ્રયત્નોમાં કવિ દુર્ગેશ શુક્લના આ ઊર્મિનાટકમાં પૃથ્વી છંદ પ્રયોજાયો છે. જાણીતી પુરાણકથા અને કવિકુલગુરુ કાલિદાસની ‘વિક્રમોર્વશીય’ની નાટ્યકથામાં ગ્રીક પ્રોસરપિની(Proserpine)ની રૂપકથા તથા નૉર્વેજિયન નાટ્યકાર ઇબ્સનના ‘લેડી ફ્રૉમ ધ સી’ નાટકનાં ઊર્મિતત્વો સંમાર્જી, રાજા વિક્રમ અને ઉર્વશીના સ્નેહસંબંધને, તેમણે નાટક કરતાં વિશેષે કવિતા રૂપે વ્યક્ત કર્યો છે. વિશિષ્ટ અંકવિભાજન, પાત્રોચિત સંવાદો ધરાવતા આ નાટ્યબંધમાં બંને પ્રણયીઓનાં પ્રથમ મિલન, પ્રણયસહચાર અને આખરી વિદાયના ત્રણ પ્રસંગો આલેખાયા છે. આ પદ્યબંધ અભિવ્યક્તિમાં કોઈને ક્યાંક ક્યાંક નાટ્યતત્વ ખૂટતું લાગે, તોપણ એના ઊર્મિપૂર્ણ ભાવોઉદગારો પ્રણયના ઉલ્લાસ અને કારુણ્યને વ્યક્ત કરે છે. નાટક માટેના પદ્યાત્મક વાહન માટેની શોધમાં થયેલા પ્રયોગોમાં છેક 1934માં દુર્ગેશ શુક્લે કરેલો અભ્યસ્ત પૃથ્વીનો આ પ્રયોગ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધપાત્ર બન્યો છે.

હસમુખ બારાડી