ઉર્દૂ ભાષા અને સાહિત્ય

ભારતીય ઉપખંડની એક આધુનિક ભાષા અને તેમાં ખેડાયેલું સાહિત્ય. ઉર્દૂને ભારતના સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી છે; જે ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર તથા જમ્મુ-કાશ્મીર જેવાં રાજ્યોમાં બીજી સરકારી ભાષાનું સ્થાન ધરાવે છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તે ઉપયોગમાં લેવામાં આવે છે. ઉર્દૂ એક લોકપ્રિય ભાષા છે. સરકારી આંકડાઓ પ્રમાણે 1996માં દેશમાં ઉર્દૂ ભાષાનાં કુલ 2,567 સમાચારપત્રો, સામયિકો વગેરે પ્રગટ થતાં હતાં; જેમની પ્રતોની સંખ્યા 58,17,000 સુધી પહોંચી ગઈ હતી. આમ, હિન્દી અને અંગ્રેજી પછી ઉર્દૂ પ્રેસ દેશમાં ત્રીજું સ્થાન ધરાવે છે. વળી ઉર્દૂ ભાષાની ચાર સમાચારસંસ્થાઓ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં 13 (તેર) જેટલી ઉર્દૂ અકાદમીઓ કામ કરી રહી છે. દેશની મોટાભાગની યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉર્દૂનાં શિક્ષણ, સંશોધનની સુવિધાઓ પ્રાપ્ય છે. ગુજરાતમાં, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તથા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને તેની સાથે સંલગ્ન કૉલેજોમાં તથા ઘણાં શહેરોમાં શાળા-કક્ષાએ ઉર્દૂનું શિક્ષણ આપવામાં આવે છે. વળી અમદાવાદમાં ઉર્દૂ માધ્યમની અનેક શાળાઓ કામ કરી રહી છે. આંધ્ર પ્રદેશના હૈદરાબાદ શહેરમાં દેશની એકમાત્ર ઉર્દૂ યુનિવર્સિટી અસ્તિત્વમાં છે.

ઉર્દૂ ભારતીય-આર્ય કુળની ભાષા છે. તે ભારતની હિન્દુ-મુસ્લિમ મિશ્ર સંસ્કૃતિમાંથી ઉદભવી છે. દસમાથી પંદરમા સૈકા દરમિયાન અરબી, ફારસી તથા તુર્કી ભાષાઓ બોલતા લોકો મોટી સંખ્યામાં ભારતના વિવિધ પ્રદેશો જેવા કે પંજાબ, સિન્ધ, દિલ્હી, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં આવ્યા અને તેમની ભાષાઓ ભારતની શૂરસેની જેવી અપભ્રંશ બોલીઓ સાથે મળી ગઈ. એવા સંપર્કથી ધીમે ધીમે એક નવી બોલીનો ઉદભવ થયો; જે અરબી, ફારસી લિપિમાં લખાતી હતી અને જેનું વ્યાકરણ ભારતીય હતું. એમાં મોટાભાગના શબ્દો અરબી-ફારસી-તુર્કીમાંથી લેવામાં આવ્યા હતા. ઉર્દૂની ઉત્પત્તિ તથા વિકાસમાં બે પ્રકારનાં પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે : એક બજારપ્રવૃત્તિએ અને બીજું ભક્તિપ્રવૃત્તિએ. બજારમાં તો જે સમજાય તે બોલાય-ના નિયમને લઈને વિદેશીઓએ સ્થાનિક બોલીઓમાં વહેવાર કરવાનું શરૂ કર્યું. બીજી તરફ સંતોએ ભક્તજનો સુધી પોતાના વિચારો પહોંચાડવા લોકોની ભાષાનો ઉપયોગ કર્યો.

ભાષાનો જન્મ

11મી–12મી સદીમાં તુર્કો અને અફઘાનોએ ભારત પર વિજય મેળવ્યો. ઈ. સ. 1206માં દિલ્હીમાં તેમની સત્તા સ્થપાયા પછી ઘણા મુસ્લિમ સરદારો, સેનાપતિઓ અને અમલદારો પરસ્પર તુર્કી, અરબી કે ફારસીને બદલે દિલ્હીના પ્રદેશમાં પ્રચલિત બોલીનો વ્યવહાર કરવા લાગ્યા હતા. આ બોલી (પશ્ચિમ અપભ્રંશ) પંજાબ, ઉત્તર- પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં જનભાષા રૂપે પ્રચલિત હતી. રાજધાનીમાં મુસ્લિમ રાજસત્તા અને તેની સાથે સંકળાયેલા હિંદુઓએ વાતચીતમાં આ જનભાષા અપનાવી હોવાથી તે ‘ખડી બોલી’ને નામે ઓળખાવા લાગી, જ્યારે બીજી વ્રજભાષા કોસલી, ડિંગલ વગેરેને ‘પડી બોલી’ (પતિત ભાષા) કહેવામાં આવી. આરંભમાં ‘ખડી બોલી’ કેવળ વાતચીતની ભાષા હતી. એમાં સાહિત્યરચનાઓ ભાગ્યે જ થતી. મુસ્લિમોએ આ જનભાષાને અપનાવી હોવાથી તેમના દ્વારા એમાં ધીમે ધીમે કોઈ કોઈ ફારસી શબ્દો આવવા લાગ્યા હતા. તેમ છતાં પ્રારંભમાં ખડી બોલીમાંથી હિંદી અને સંસ્કૃત શબ્દોને પ્રયત્નપૂર્વક દૂર કરીને તેને સ્થાને ફારસી શબ્દો ગોઠવવાની કોઈ કોશિશ થઈ નહોતી. મુસ્લિમો ખડી બોલીને ‘હિન્દવી’ કે ‘હિન્દી’ પણ કહેતા. 14મી સદીમાં ગુજરાત, માળવા, બહમની વગેરે વિસ્તારોમાં મુસ્લિમ રાજ્યો સ્થપાતાં મુસ્લિમો ત્યાં તેઓ પોતાની સાથે દિલ્હી પ્રદેશની આ ભાષા લઈ ગયા. બહમની રાજ્યમાં મુસ્લિમોની આ ભાષા ‘દકણી’ કે ‘દખ્ખિણી’ તરીકે ઓળખાઈ. જોકે સ્થાનિક હિંદુઓએ આ ભાષાને ‘મુસલમાની’ કહી. દખ્ખણના મુસ્લિમ કવિઓ શરૂઆતમાં  શુદ્ધ ‘દખની’માં લખતા હતા. એમાં હિંદી અને સંસ્કૃત શબ્દોનું અધિક્ય હતું, પરંતુ એમાં ધીમે ધીમે ફારસી શબ્દો, છંદો અને ભાવનું પ્રાધાન્ય વધતું ગયું તેથી 17મી સદી સુધીમાં આવતાં દખની કવિતાનું કલેવર બદલાઈ ગયું. બીજી બાજુ મુસ્લિમ પરિવારોમાં ઘણે અંશે શુદ્ધ દખનીનો પ્રચાર ચાલુ રહ્યો. આવી પરિસ્થિતિમાં દખનીનો 17મી સદીમાં ઉત્તર ભારતની દિલ્હીની ખડી બોલી સાથે એનો સંપર્ક થયો.

ઉત્તર ભારતમાં ખડી બોલીનું સ્વરૂપ પણ 15મીથી 17મી સદી દરમિયાન બદલાવા લાગ્યું હતું. મુસ્લિમો એને ફારસી અક્ષરોમાં લખતા હતા. તેમાં ફારસી શબ્દો વધ્યા હતા. આ નવીન ભાષાને ‘રેખ્તા’ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. સાહિત્યિક હિંદી(પશ્ચિમ હિંદી)થી એને હવે ઘણું અંતર પડી ગયું હતું.

સમ્રાટ અકબરે 16મી સદીના  ઉત્તરાર્ધમાં અને ત્યાર પછીના મુઘલ સમ્રાટોએ 17મી સદીમાં દક્ષિણ ભારતનાં બહમની રાજ્યો પર વિજય મેળવ્યો એ વખતે દિલ્હી-આગ્રાની ‘રેખ્તા’ હિંદી અને દક્ષિણની ‘દખની’ બંનેનો સંપર્ક થયો, ત્યારે દક્ષિણ મુસ્લિમોની ‘દખની’થી પાર્થક્ય દર્શાવવા માટે સંભવતઃ 17મી સદીમાં નવાગંતુક મુસ્લિમ ફોજમાં પોતાની ભાષાનું નામ ‘જબાન-ઈ-ઉર્દૂ-ઈ-મુઅલ્લા’ અર્થાત્ ‘મહાન રાજશિબિરની ભાષા’ પડ્યું. પાછળથી તે ‘જબાન ઉર્દૂ’ અને ત્યાર બાદ કેવળ ‘ઉર્દૂ’ને નામે ઓળખાવા લાગી. સાહિત્યિક ‘દખની’ અને રેખ્તા હિંદી (ઉર્દૂ) વચ્ચે ઘણી સમાનતા હોવાથી એ બંને ઉર્દૂમાં પરિણમી. ઉત્તર ભારતની રેખ્તા હિંદીનો વ્યવહાર કરનારા ઔરંગાબાદના કવિ વલી ‘દખણી’નો આદર્શ લઈને ઈ. સ. 1684માં દિલ્હીમાં આવી વસ્યા ત્યારથી દિલ્હીમાં વાસ્તવિક અર્થમાં ઉર્દૂ સાહિત્ય-રચનાની પ્રવૃત્તિ આરંભાઈ.

સાહિત્ય

ઉત્તર ભારતમાં ફારસીના વિખ્યાત કવિ અમીર ખુસરો(અ. 1325)એ મિશ્ર ભાષાનો ઉપયોગ કવિતામાં કર્યો હતો; પરંતુ તેમની સંપૂર્ણ રચનાઓ પ્રાપ્ય નથી. ઉર્દૂ ભાષાનો ઉદભવ અને વિકાસ મુખ્યત્વે દિલ્હી તથા તેની આસપાસના ગંગા-જમનાના વિસ્તારોમાં થયો હતો. તેને સૌપ્રથમ સાહિત્યિક સ્વરૂપ ગુજરાત અને દક્ષિણ હિન્દના કેટલાક વિસ્તારોમાં મળ્યું હતું. ગુજરાતના પ્રાચીન કવિઓ શેખ બહાઉદ્દીન બાજન (અ. 1506), કાઝી મહમૂદ દરિયાઈ (અ. 1534), શાહ અલીજી ગામધની (અ. 1565) અને શેખ ખૂબમોહમ્મદ ચિશ્તી(અ. 1605)એ ઉર્દૂમાં કાવ્યો લખ્યાં હતાં. તેઓ પોતાની ભાષાને ‘ગુજરી’ અને ‘બોલી-ગુજરાત’નું નામ આપે છે; પરંતુ તેની લિપિ અરબી-ફારસી છે. દક્ષિણ ભારતમાં આ નવી મિશ્ર ભાષાને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો. ત્યાં ઉર્દૂને ‘હિન્દવી’ ઉપરાંત ‘દકની’ તરીકે ઓળખવામાં આવતી હતી. ગોલકોંડાના કુતુબશાહી વંશના સુલતાનોએ ઉર્દૂ ભાષાની પરંપરાને આગળ ધપાવવામાં સૌથી અગત્યનો ભાગ ભજવ્યો છે. મોહમ્મદ કૂલી કુતુબશાહ(અ. 1611)નો ઉર્દૂ કાવ્યસંગ્રહ (દીવાન) ઉપલબ્ધ છે અને તે સૌપ્રથમ લખાયેલ ઉત્કૃષ્ટ પ્રકારનાં ગઝલ-કાવ્યો ધરાવે છે. અન્ય નોંધપાત્ર કવિઓમાં વજહી, ગવાસી, ઇબ્ને નિશાતી વગેરેનો સમાવેશ થાય છે. બીજાપુરના આદિલશાહી સુલતાનોના સમયમાં હસન શૌકી, મલિક ખુશ્નૂદ, નુસ્રતી, શાહ અમીનુદ્દીન આલા વગેરેએ પોતાની કાવ્યકૃતિઓ દ્વારા ઉર્દૂ ભાષાને શણગારી હતી. ઇબ્રાહીમ આદિલશાહ – બીજો (અ. 1626), જે ‘જગદગુરુ’ ઉપનામ ધરાવે છે, તેણે પોતાના રાજ્યમાં ફારસીને બદલે દકની ઉર્દૂને સરકારી ભાષાનું સ્થાન આપ્યું હતું. દક્ષિણ હિન્દમાં સૌપ્રથમ ગદ્ય-રચનાઓ પણ કરાઈ હતી. દક્ષિણ હિન્દની ઉર્દૂ ગદ્ય-પદ્ય રચનાઓનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં હિન્દુ દેવમાળાને સ્થાન આપવામાં આવ્યું હતું અને લોકવાર્તાઓને ફારસી શબ્દ-પ્રયોગો તથા છંદોમાં રજૂ કરવામાં આવી હતી.

ઉર્દૂ ગદ્ય-પદ્ય-રચનાઓનો આધુનિક યુગ અઢારમા સૈકામાં શરૂ થાય છે. વલી ગુજરાતી(અ. 1744)એ આધુનિક ઉર્દૂ કવિતાનો પાયો નાંખ્યો હતો. તેમના પછી પ્રશિષ્ટ (‘ક્લાસિકલ’) યુગના કવિ મીર તકી મીર (અ. 1799) મહત્વનું સ્થાન ધરાવે છે. વલી અને મીરે ઉર્દૂ ગઝલ-રચનાને એક નવી દિશા આપી હતી. તેમણે ઉર્દૂ કવિતાને જે સ્વરૂપલય આપ્યાં હતાં તે સૈકાઓ સુધી ઉર્દૂમાં કાયમ રહ્યાં છે. તે યુગના અન્ય કવિઓમાં સૌદા, મીર દદ અને ઇન્શાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ઉર્દૂ કવિતા અમીર-ઉમરાવોના શોખને પોષતી હતી. નઝીર અકબરાબાદી(અ. 1830)એ તેને લોકોની કવિતાનું સ્વરૂપ આપ્યું. અઢારમા સૈકા સુધી ઉર્દૂ કવિતાનું રૂપ સ્થગિત થઈ ગયું હતું. ઓગણીસમા સૈકામાં અને વીસમા સૈકાની શરૂઆતમાં મિર્ઝા ગાલિબ (અ. 1869), મૌલાના હાલી (અ. 1914) તથા ડૉ. ઇકબાલે (અ. 1939) ઉર્દૂ કવિતાની કાયાપલટ કરી નાંખી. હાલી અને ઇકબાલ પશ્ચિમી શિક્ષણ અને વિચારોથી સુપરિચિત હતા. તેનાથી પ્રેરાઈને તેમણે ઉર્દૂ કવિતાને નવો વળાંક આપ્યો. તેમની કવિતા આધુનિક સમયનાં વલણો સાથે સુસંગત બની ગઈ. આધુનિક યુગના બીજા કવિઓમાં અકબર ઇલાહાબાદી, ફિરાક ગોરખપુરી, જિગર મુરાદાબાદી, ચકબસ્ત અને જોશ મલીહાબાદી તથા હફીઝ જાલંધરીનો સમાવેશ થાય છે. વીસમા સૈકામાં ઉર્દૂ કવિતામાં પ્રગતિવાદનો વિકાસ ઝડપથી થયો. આવા પ્રગતિશીલ કવિઓમાં મીરાજી, અલી સરદાર જાફરી, ફૈઝ અહમદ ફૈજ, મજાઝ, સાહિર લુધિયાનવી વગેરે નોંધપાત્ર ગણાય છે.

કવિતાની જેમ ઉર્દૂમાં ગદ્ય-રચનાઓ પણ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. શરૂઆતમાં ધાર્મિક વિષયો ઉપર ગદ્ય-રચનાઓ થતી હતી; દા. ત., ખ્વાજા બંદા નવાઝ ગેસૂ દરાઝ (અ. 1422), શાહ મિરાજી (અ. 1466) અને શાહ બુરહાનુદ્દીન જાનમે (અ. 1582) અનેક ધાર્મિક પુસ્તિકાઓ લખી છે. તેના પછી આધ્યાત્મિકતા તથા નીતિશાસ્ત્રના સિદ્ધાન્તો વાર્તાના સ્વરૂપમાં લખવાનો સિલસિલો શરૂ થયો. ભારતની પ્રાચીન કૃતિઓ ‘પંચતંત્ર’ તથા ‘હિતોપદેશ’ની વાર્તાઓનો અનુવાદ થયો. પ્રાચીન ગદ્ય-લેખકોમાં મુલ્લા વજહી, ફઝતી, મીર અતાહુસેન તેહસીન વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં અંગ્રેજોના આગમન બાદ ઉર્દૂને ભારતની પ્રાદેશિક ભાષાનો દરજ્જો મળ્યો અને તેમણે શબ્દકોશ તથા વ્યાકરણ જેવા વિષયોનાં પુસ્તકો ઉર્દૂમાં લખાવવા તરફ ધ્યાન આપ્યું. ડૉક્ટર જૉ ગિલક્રિસ્ટે 1800માં કૉલકાતામાં ફૉર્ટ વિલિયમ કૉલેજ સ્થાપી. તેમાં ઉર્દૂમાં અનુવાદ તથા ઉર્દૂમાં પુસ્તક-લેખન માટે ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમની રાહબરી હેઠળ ઉર્દૂમાં ઘણી દાસ્તાનો પણ લખાઈ.

1835માં ઉર્દૂ ન્યાયાલયોની ભાષા બની જવાથી કાનૂની ગ્રંથોનું ભાષાંતર ઉર્દૂમાં કરવામાં આવ્યું. આ સમયમાં ઉર્દૂ સમાચારપત્રો પણ પ્રકાશિત થવા લાગ્યાં અને ઉર્દૂ પાઠ્યપુસ્તકો પણ લખાવા લાગ્યાં. લગભગ 1842માં દિલ્હી કૉલેજમાં ‘વર્નાક્યુલર ટ્રાન્સલેશન સોસાયટી’ સ્થપાઈ. તેણે વિવિધ વિષયોનું અન્ય ભાષાઓમાંથી ઉર્દૂમાં ભાષાંતર કરાવ્યું.

ઉર્દૂ ગદ્યને લોકપ્રિય બનાવવામાં મિર્ઝા ગાલિબના પત્રોનો પણ મોટો ફાળો છે. એમણે 1847થી ઉર્દૂમાં પત્રો લખવાની શરૂઆત કરી. આ પત્રોની ભાષા સરળ અને આકર્ષક છે. આ અરસામાં ખ્વાજા અમાન દહલવી, ગુલામ ગૌસ બેખબર અને મૌલાના ઇમામબખ્શ સહબાઈ જેવા પ્રસિદ્ધ લેખકો થયા છે.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધને સર સૈયદ અહમદનો યુગ કહેવો જોઈએ. સર સૈયદના ‘મિશન’નો એક ભાગ સાહિત્યસેવા પણ હતો. એમણે ઉર્દૂ સાહિત્યની ઉન્નતિ માટે અથાક પ્રયાસ કર્યા છે. તેમણે ‘તહઝીબુલ અખલાક’ નામનું એક સામયિક શરૂ કર્યું, જેમાં તે સમયના લોકપ્રિય લેખકો નઝીર અહમદ, મૌલાના હાલી, મૌલાના શિબલી આદિ લેખ લખતા. આ સમય દરમિયાન મૌલાના મુહંમદ હુસૈન આઝાદ, મૌલાના ઝકાઉલ્લાહ અને સૈયદઅલી બિલગ્રામીનું પ્રદાન પણ નોંધપાત્ર છે. આ સમયગાળામાં જ રજબ અલી બેગ સુરૂર, નઝીર અહમદ, મૌલાના અબ્દુલ હલીમ શરર, પંડિત રતનનાથ સરશાર જેવા ઉપન્યાસકારો પણ થયા. મૌલાના હાલીએ સાહિત્યાલોચનાના ક્ષેત્રમાં અદ્વિતીય ફાળો આપ્યો છે. શિબલીએ અનેક અગત્યના વિષયો પર પાંડિત્યપૂર્ણ પુસ્તકો લખ્યાં છે. મૌલાના ઇસ્માઇલ મેરઠીએ ઉર્દૂમાં બાલસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. હાસ્યસાહિત્યમાં મુન્શી સજ્જાદ તથા હુસૈનના ‘અવધ પંચ’નો ફાળો પ્રશંસનીય છે.

પાશ્ચાત્ય સાહિત્યના પ્રભાવથી ઉર્દૂ સાહિત્યે હરણફાળ ભરી. જીવનચરિત્ર, સાહિત્યાલોચના, ઉપન્યાસ, લઘુકથાઓ, નાટક, ઇતિહાસ, નિબંધ વગેરે સ્વરૂપોનો ડૉ. અબ્દુલ હક, પંડિત બ્રિજમોહન દત્તાત્રેય, કૈફી સૈયદ સુલેમાન નદવી, અબ્દુલ માજિદ દરિયાબાદી, નિયાઝ ફતેહપુરી, શેખ અબ્દુલ કાદિર, ડૉ. આબિદ હુસૈન, આલે અહમદ સુરૂર વગેરે લેખકો દ્વારા વિકાસ થયો છે. ઉપન્યાસકારો અને વાર્તાલેખકોમાં મુનશી પ્રેમચંદ, હસન નિઝામી, રાશિદુલ ખૈરી, કૃષ્ણચંદર, અલી અબ્બાસ હુસૈની આદિનાં નામ મોખરે છે. વ્યંગ તથા હાસ્યમાં રશીદ અહમદ સિદ્દીકી, અજીમ બેગ ચુઘતાઈ, શૌકત થાનવી, કન્હૈયાલાલ કપૂર તથા નાટ્યકારોમાં આગા હશ્ર કાશ્મીરી, ઇમ્તિયાઝ અલી ‘તાજ’, ઉપેન્દ્રનાથ ‘અશ્ક’ અને મુહંમદ મુજીબ મોખરે છે.

ઉર્દૂ સાહિત્યની અનેક સંસ્થાઓ આ ક્ષેત્રમાં કાર્યશીલ છે. આમાં ‘અંજુમન તરક્કી-એ ઉર્દૂ’ સૌથી વધારે પ્રસિદ્ધ સંસ્થા છે. તે સંસ્થા તરફથી ઉર્દૂનાં અનેક દુર્લભ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. તેના ઉપક્રમે અનેક વિદેશી ભાષાઓનાં મહત્વપૂર્ણ પુસ્તકોનાં ઉર્દૂમાં ભાષાંતર પણ થયેલાં છે.

ઉર્દૂ નવલકથા : લખનૌના ‘અવધ’ અખબારમાં પંડિત રતનનાથ સરશારે ‘ફસાનએ આઝાદ’ નામની દીર્ઘકથા આપી. મૌલવી નઝીર અહમદે સ્ત્રી-કેળવણી અને બાળઉછેરને લગતી હેતુલક્ષી નવલકથાઓ લખી છે. અબ્દુલહલીમ શરર ઐતિહાસિક નવલકથાકાર તરીકે પ્રખ્યાત થયા, પણ ‘ફિરદોસે બરીં’ જેવી એક જ ઉત્કૃષ્ટ કલાકૃતિ એમની પાસેથી મળી.

રાશિદુલ ખૈરીએ નવલકથા મારફત પૂર્વના સંસ્કારોની પુન:સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો. ‘અવધ’ અખબારના લેખકોએ ઉર્દૂમાં હાસ્યપ્રધાન નવલકથાઓની પરંપરા ચાલુ કરી. જે નવલકથા સૌથી વધારે સફળ પુરવાર થઈ છે એ મિર્ઝા રુસવાની ‘ઉમરાવજાન અદા’ છે.

પ્રેમચંદે ગ્રામજીવન ઉપર પહેલી વાર નવલકથાઓ લખી, જેમાં આદર્શવાદી ર્દષ્ટિબિંદુ સાથે ગ્રામજીવનની વાસ્તવિકતાનું સચોટ નિરૂપણ થયું છે. ઉર્દૂ કથાસાહિત્યમાં પ્રગતિવાદના શ્રીગણેશ પ્રેમચંદજી દ્વારા થયા. એ રીતે પ્રેમચંદ યુગપ્રવર્તક નવલકથાકાર હતા, એમને અનેક અનુયાયીઓ મળ્યા. ‘અવધ પંચ’ની હાસ્યપ્રધાન નવલકથાઓની પરંપરાને આગળ ધપાવનારાઓમાં અઝીમ બેગ ચુગતાઈ, શૌકત થાનવી વગેરે છે.

પ્રેમચંદ પછી વાસ્તવવાદનો વિકાસ પ્રગતિશીલ સાહિત્યકારોના હાથે થયો. 1936માં પ્રગતિશીલ સાહિત્ય-આંદોલનની સામ્યવાદી વિચારશ્રેણીને મહત્વ મળ્યું, સાથે જ ફ્રૉઇડની અસર હેઠળ મનોવૈજ્ઞાનિક અને જાતીયતાના પ્રશ્નોની છણાવટ પણ નવલકથાઓમાં થવા લાગી.

1940 પછીની લગભગ બધી જ નવલકથાઓમાં એક તરફ માકર્સવાદી વિચારસરણી તો બીજી તરફ ફ્રૉઇડના કામવૃત્તિવિષયક સિદ્ધાંતોની ગૂંથણી ઉર્દૂ નવલકથાસાહિત્યમાં ર્દષ્ટિએ પડે છે.

પ્રેમચંદ પછી કૃષ્ણચંદર સૌથી વધુ લોકપ્રિય નવલકથાકાર છે. વિષયોનું વૈવિધ્ય એમની નવલકથાઓની વિશેષતા છે. મધ્યમ વર્ગના જીવનની સમસ્યાઓનું નિરૂપણ, કટાક્ષ અને વ્યંગનો ઉપયોગ, કલ્પનાપ્રદેશમાં વિચરણ અને સામાજિક પાસાંઓ પર પ્રકાશ વગેરે વિશિષ્ટતાઓ જોવા મળે છે. ‘દાદર પુલ કે બચ્ચે’, ‘એક ગધે કી સરગુઝિશ્ત’, ‘શિકસ્ત’, ‘યાદોં કે ચુનાર’ વગેરે અનેક નોંધપાત્ર નવલકથાઓ એમણે આપી છે.

કૃષ્ણચંદરની સરખામણીમાં ઇસ્મત ચુઘતાઈએ પોતાને અમુક વિષય પૂરતાં જ મર્યાદિત રાખ્યાં. તેમણે સ્ત્રીઓના જીવનની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું અત્યંત સૂક્ષ્મ નિરૂપણ કર્યું. ‘ટેઢી લકીર’ એનું ઉત્તમ ઉદાહરણ છે.

મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિબિંદુથી નવલકથા લખનાર અઝીઝ અહમદનો કથાવિષય અન્ય કથાકારો કરતાં ખૂબ જ વિશાળ છે. એમની ‘ગુરેઝ’ નવલકથાની પૃષ્ઠભૂમિ યુરોપના અનેક દેશોને આવરી લે છે. તેમણે ઐતિહાસિક નવલકથાઓ ઉપર પણ હાથ અજમાવ્યો છે.

સ્વાતંત્ર્યોત્તર નવલકથાકારોએ હિજરત અને કોમી રમખાણોએ સર્જેલી પરિસ્થિતિઓને પોતાની નવલકથાના પ્રધાન વિષયો બનાવ્યા.

કુર્રતુલ ઐન હૈદરે વિશાળ પૃષ્ઠભૂમિમાં પોતાની મહાનવલ ‘આગ કા દરિયા’ની રચના કરી, જેમાં ભારતની મિશ્ર સંસ્કૃતિ તથા અનેક યુગોની વિટંબણાઓનું નિરૂપણ થયું છે. ભાગલાએ સર્જેલી પરિસ્થિતિનું સચોટ આલેખન ખદીજા મસતૂરની નવલકથા ‘આંગન’ તથા અબ્દુલ્લા હુસૈનની ‘ઉદાસ નસલેં’, શૌકત સિદ્દીકીની ‘ખુદા કી બસ્તી’ તથા ઇન્તઝાર હુસૈનની લઘુનવલોમાં થયું. આ જ પ્રમાણે હયાતુલ્લાહ અન્સારીની મહાનવલ ‘લહૂ કે ફૂલ’માં પણ 1910થી છેક 1950 સુધીના સમયગાળાની ભારતીય જીવનની રાજકીય તથા સામાજિક પરિસ્થિતિનું આલેખન જોવા મળે છે.

કાઝી અબ્દુલ સત્તારે પણ ઐતિહાસિક નવલકથાક્ષેત્રે સુંદર પ્રયોગો કર્યા છે. વાર્તાકાર રાજિન્દ્રસિંઘ બેદીએ ‘એક ચાદર મૈલી સી’ જેવી ઉચ્ચ કોટિની લઘુનવલ દ્વારા આ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મહિલા નવલકથાકારો : સાલેહા આબિદ હુસૈન, આમેના અબુલહસન, જીલાનીબાનુ, વાજેદા તબસ્સુમ, જમીલા હાશમી વગેરેએ પોતપોતાના વિષયોમાં સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનો પરિચય કરાવતી નવલકથાઓ આપી છે.

આમ ઉર્દૂ નવલકથાની એક શતકની વિકાસયાત્રા અણથંભી રહી છે.

ઉર્દૂના શબ્દકોશ : અંગ્રેજોએ ભારતની અન્ય ભાષાઓની જેમ ઉર્દૂ ભાષાના શબ્દકોશની રચનામાં પણ આરંભમાં રસ લીધો હતો, જેને પરિણામે આધુનિક પદ્ધતિના ઉર્દૂ શબ્દકોશ રચાવા પામ્યા છે. તેની વિગતો નીચે મુજબ છે :

ક્રમ શબ્દકોશનું નામ રચયિતા/

સંપાદક

પ્રકાશન

સ્થળ

પ્રકાશન

વર્ષ

1. હિંદુસ્તાની-અંગ્રેજી શબ્દકોશ

(મૂળ નામ  ‘હિંદુસ્તાની ગ્રામર’)

ગિલક્રિસ્ટ

જૉન બૉર્થવિક

કોલકાતા 1796
2. હિંદુસ્તાની-અંગ્રેજી શબ્દકોશ

(મૂળ નામ  ‘ઑરિયેન્ટલ લિંગ્વિસ્ટ’)

ઉપર મુજબ 1798
3. હિંદુસ્તાની-અંગ્રેજી શબ્દકોશ

(મૂળ નામ  ‘ઍન્ટિજાર્ગોનિસ્ટ’)

ઉપર મુજબ 1800
4. હિંદુસ્તાની-અંગ્રેજી શબ્દકોશ

(મૂળ નામ  ‘બ્રિટિશ ઇન્ડિયા મૉનિટર’)

ઉપર મુજબ એડિનબરો 1808
5. ડિક્શનરી, હિંદુસ્તાની ઍન્ડ ઇંગ્લિશ

(બે વૉલ્યૂમ)

વિલિયમ

હન્ટર

1808
6. હિંદુસ્તાની-અંગ્રેજી શબ્દકોશ જે. ફર્ગ્યુસન 1873
7. ન્યૂ ઇંગ્લિશ હિંદુસ્તાની શબ્દકોશ ડૉ. ફેલન બનારસ 1883
8. ડિક્શનરી, હિંદુસ્તાની ઍન્ડ ઇંગ્લિશ ડંકન ફૉર્બસ
9. એ ડિક્શનરી ઑવ્ ઉર્દૂ

ક્લાસિકલ હિન્દી ઍન્ડ ઇંગ્લિશ

જૉન ટી. પ્લેટ્સ 1884
10. ફરહંગે આસફિયા

સૈયદ અહમદ

દહેલવી

દિલ્હી 1908
11. નૂરુલ લુગાત

મૌલવી નૂરુલ

હસન નૈયર

લખનૌ

1922થી

1931

12. જામેઉલ લુગાત

ખ્વાજા અબ્દુલ

હમીદ

લાહોર
13. ધ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ-ઉર્દૂ ડિક્શનરી અબ્દુલ હક ઔરંગાબાદ 1937
14. ઍન ઉર્દૂ ન્યૂઝપેપર વર્ડકાઉન્ટ

બાર્કર, એમ.

એ. આર.

મૉન્ટ્રિયલ 1969
15. બેઝિક ઉર્દૂ ઍન્ડ ઇંગ્લિશ વર્ડબુક

એલ્લી,

વિલિયમ ઈ.

વૉશિંગ્ટન 1975

ઉર્દૂ સાહિત્યનાં કેન્દ્રો

(1) હૈદરાબાદ : 1589માં તેની સ્થાપના થઈ તે સમયથી હૈદરાબાદ શહેર દક્ષિણ હિન્દમાં ઉર્દૂનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. 1590થી 1687 સુધી કુતુબશાહી, 1687થી 1730 સુધી મુઘલાઈ અને 1730થી 1947 સુધી આસિફજાહી સલ્તનતોમાં હૈદરાબાદ ખાતે દકની ઉર્દૂની આગેકૂચ ચાલુ રહી હતી. કુતુબશાહી યુગમાં હૈદરાબાદનું દકની ઉર્દૂ સાહિત્ય સ્વતંત્ર રીતે વિકાસ પામ્યું હતું. સાહિત્ય ઉપર સ્થાનિક અસરો પ્રબળ હતી. કવિતાના ક્ષેત્રે કસીદા, મસનવી અને અલ્પ પ્રમાણમાં ગઝલો લખાઈ હતી. મસનવી સ્વરૂપમાં શ્રેષ્ઠ કાવ્યો રચાયાં હતાં. મુહમ્મદ કુલી કુતુબશાહ (1580-1611), વજ્હી (આશરે 1600-1640), ગવાસી (આશરે 1639), ઇબ્ને નિશાતી (આ. 1655) અને તબ્ઈ (આશરે 1670) જાણીતા કવિઓ હતા. ગદ્યમાં ઉપર્યુક્ત વજહીનું ‘સબરસ’ નામનું પુસ્તક પ્રખ્યાત છે. મુઘલોના સમયમાં મુહમ્મદ અલી એજાઝ, શેખ દાઊદ ફૈઝી, હિદાયતઅલી હિન્દી અને કાઝી મુહમ્મદ બહરી (‘મન-લગન’ના લેખક) પ્રખ્યાત કવિઓ થઈ ગયા. હૈદરાબાદમાં ઉર્દૂ માટે આસિફજાહી યુગ સુવર્ણયુગ પુરવાર થયો. ઉત્તર હિન્દમાં મુસ્લિમ રિયાસતોના પતન બાદ હૈદરાબાદ ઉર્દૂનું આશ્રયસ્થાન બની ગયું. ત્યાં દેશની પહેલી ઉર્દૂ માધ્યમની ઓસ્માનિયા યુનિવર્સિટી સ્થપાઈ.

(2) લખનૌ : અઢારમી સદીમાં ઉત્તર હિંદમાં મુઘલાઈની નબળાઈને લઈને દિલ્હીની પડતી થતાં સાહિત્ય અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે લખનૌને મહત્વ મળ્યું હતું. અવધના નવાબો શિયા સંપ્રદાય, લલિત કલાઓ અને વિશેષ કરીને ઉર્દૂ ભાષાસાહિત્યને પ્રોત્સાહન આપતા. કલાકારો, લેખકો, કવિઓ વગેરેની લખનૌ તરફ વણજાર શરૂ થઈ અને ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં એક નવી ભાત પડી. નવાબ શુજાઉદ્દૌલા (1753-75), આસફુદ્દૌલા (1775-97), સઆદતઅલી ખાન (1798-1814), ગાઝીઉદ્દીન હૈદર (1814-27), નાસિરુદ્દીન હૈદર (1827-37), મુહમ્મદઅલી શાહ (1837-42), અમજદઅલી શાહ (1842-47) અને વાજિદઅલી શાહે (1847-56) અંગ્રેજોના ખંડિયા તરીકે રાજ્ય કર્યું હતું. સાહિત્ય તથા કલાઓના વિકાસ તેમજ ઉર્દૂ ભાષાના પ્રત્યક્ષ કે પરોક્ષ ખેડાણ માટે તેમણે પોતાનો ઘણોખરો સમય આપ્યો હતો.

લખનૌ તરફ હિજરત કરનારા ખાને આરઝૂ, ઝાહિક અને સૌદા નોંધપાત્ર છે. ત્યારપછી મીર સોઝ, મુસહફી, ઇન્શા રંગીન અને જુર્અત જેવા પ્રખ્યાત કવિઓએ લખનૌને કર્મભૂમિ બનાવી હતી.

લખનૌમાં ગઝલ અને મરસિયા પ્રકારની કવિતાનો ખાસ વિકાસ થયો હતો. સૌથી પહેલાં મીર ખલિક (1774-1804) અને ઝમીર જેવા કવિઓએ મરસિયાના ફલકનો વિસ્તાર કર્યો હતો અને પાછળથી મીર બબરઅલી અનીસ (1802-74) અને સલામતઅલી દબીરે (1803-75) મરસિયાલેખનમાં પ્રથમ પંક્તિનું સ્થાન મેળવ્યું હતું. તેમના મરિસયા બે રીતે નોંધપાત્ર છે : (1) તે ઉર્દૂમાં મહાકાવ્યના એકમાત્ર નમૂના પુરવાર થયા છે. (2) તેમના મરસિયાઓનો વિષય ઇરાક દેશના કરબલા મેદાનમાં બનેલા બનાવો હોવા છતાં તેમની પશ્ચાદભૂમિકા સંપૂર્ણપણે ભારતીય છે. લખનૌના બે કવિઓ – આતિશ (અ. 1846) અને નાસિખ (અ. 1838) ઉર્દૂ ભાષાની શાસ્ત્રીય ઢબે સુધારણા કરવાની પ્રવૃત્તિના પ્રણેતા હતા. પંડિત દયાશંકર નસીમે (1811-43) ‘ગુલઝારે નસીમ’ નામનું મસનવી કાવ્ય લખીને અને મિર્ઝા રજબઅલી-બેગ સુરૂરે (1787-1867) ‘ફસાનએ અજાયબ’ નામનું ગદ્યપુસ્તક રચીને લખનૌને ઉર્દૂના મહાન કેન્દ્ર તરીકે ખ્યાતિ અપાવી છે. લખનૌમાં ઉર્દૂ નાટકનો પણ પ્રારંભ થયો હતો. વાજિદઅલી શાહના સમયમાં 1853માં અમાનત નામના કવિએ ‘ઇન્દ્રસભા’ નામનું નાટક લખ્યું હતું. ઉર્દૂ પત્રકારત્વના ક્ષેત્રે પણ લખનૌએ આગળ પડતો ભાગ ભજવ્યો છે. આશરે 1859માં શરૂ થયેલ પંડિત રતનનાથ સરશારના તંત્રીપદ હેઠળના ‘અવધ’ અખબારે અને 1877માં શરૂ થયેલ સૈયદ સજ્જાદહુસેનના તંત્રીપદ હેઠળના ‘અવધ પંચે’ ઉર્દૂ અખબારી આલમમાં નામના મેળવી હતી.

(3) રામપુર : 1857ના વિપ્લવના પરિણામે દિલ્હી તથા લખનૌનું પતન થતાં રામપુરની નવાબી સલ્તનતે મહત્વ મેળવ્યું હતું. નવાબ યૂસુફઅલી ખાન અને નવાબ કલ્બેઅલી ખાને સાહિત્યકારોને આશ્રય આપતાં લખનૌ, દિલ્હી તથા આસપાસના કવિઓ અને લેખકો રામપુરમાં એકત્રિત થયા. સમય જતાં રામપુર ઉર્દૂનું મહત્વનું કેન્દ્ર બન્યું અને રામપુરના ઉર્દૂ સાહિત્યની એક આગવી છટા ઊપસી આવી. રામપુર કેન્દ્રના ચાર કવિઓ તથા લેખકો ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં આગવું સ્થાન ભોગવે છે : (1) મુન્શી અમીર અહમદ મીનાઈ (1828-1900), (2) નવાબ મિર્ઝાખાન દાગ (1831-1905), (3) એહમદહુસેન તસ્લીમ (1820-1911), (4) ઝામિનઅલી જલાલ (1834-1909).

(4) ફૉર્ટ વિલિયમ કૉલેજ (કોલકાતા) : મુલકી અંગ્રેજ અધિકારીઓને હિંદુસ્તાની ભાષાઓ, પરંપરાઓ, કાયદાઓ તથા ઇતિહાસનું શિક્ષણ આપવાના આશયથી કોલકાતાના ફૉર્ટ વિલિયમમાં સ્થાપવામાં આવેલી આ કૉલેજ ઉર્દૂ ભાષાના વિકાસકેન્દ્ર તરીકે પ્રખ્યાત થયેલી છે. ઉર્દૂ-હિંદુસ્તાની ભાષાના વિદ્વાન અને આ કૉલેજના પ્રથમ આચાર્ય ડૉ. જૉન બૉર્થવિક ગિલક્રિસ્ટે દિલ્હી તથા ઉત્તર પ્રદેશમાંથી ઉર્દૂના વિદ્વાનોને આકર્ષ્યા હતા. મીર અમ્મન દહેલવી, મીર શેરઅલી અફસોસ, નિહાલચંદ લાહોરી, લલ્લુલાલજી, મિર્ઝા અલી લુત્ફ, સૈયદ હૈદરબક્ષ હૈદરી, બહાદુરઅલી હુસૈની, કાઝિમઅલી જવાં અને ઇકરામઅલી આ કૉલેજ સાથે સંકળાયેલા ઉર્દૂના વિદ્વાનો હતા. આ કૉલેજમાં આ પ્રકાર કે વિષયોના ગ્રંથો રચાયા તેમજ અનૂદિત થયા છે : (1) વાર્તા, (2) નીતિશાસ્ત્ર, (3) ઇતિહાસ અને જીવનચરિત્ર, (4) ધર્મ. ફૉર્ટ વિલિયમ કૉલેજમાં તૈયાર થયેલા કેટલાક પ્રખ્યાત ઉર્દૂ ગ્રંથો અને તેમના લેખકોનાં નામ નીચે પ્રમાણે છે : મીર અમ્મન દહેલવીકૃત ‘બાગોબહાર’ અને ‘ગંજે ખૂબી’, મીર શેરઅલી અફસોસકૃત ‘બાગે ઉર્દૂ’ અને ‘આરાયિશે મેહફિલ’, મીર બહાદુરઅલી હુસેનીકૃત ‘નસ્સે બેનઝીર’, ‘અખ્લાકે હિન્દી’, ‘તારીખે આસામ’ અને ‘કવાયદે ઝબાને ઉર્દૂ’, સૈયદ હૈદરબક્ષ હૈદરીકૃત ‘કિસ્સ-એ મેહર વ માહ’, ‘લયલામજનૂં’, ‘તોતા કહાની’ અને ‘તઝકિરે ગુલશને હિંદ’, મિર્ઝાજાન તપિશકૃત ‘શકુંતલા’, ‘બારહમાસા’ અને ‘તારીખે ફરિશ્તા’, નિહાલચંદ લાહોરીકૃત ‘મઝહબે ઇશ્ક’.

જૉન ગિલક્રિસ્ટે ઉર્દૂ પુસ્તકોના મુદ્રણ માટે 1802માં આ કૉલેજમાં પ્રેસ પણ શરૂ કર્યું હતું અને કૉલેજ બંધ થઈ ગયા પછી પણ આ પ્રેસ ચાલુ રહ્યું હતું. ફૉર્ટ વિલિયમ કૉલેજમાં એક મોટો ગ્રંથભંડાર પણ શરૂ કરવામાં આવ્યો હતો; જેમાં કોલકાતા ઉપરાંત દિલ્હી, હૈદરાબાદ, લખનૌ, મુર્શિદાબાદ વગેરે સ્થળોએથી મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત કરવામાં આવી હતી. ટિપુ સુલતાનના શ્રીરંગપટ્ટણમાંના ગ્રંથાલયનાં કેટલાંક કીમતી પુસ્તકો પણ ત્યાં લાવવામાં આવ્યાં હતાં. 1836માં આખું પુસ્તકાલય ઇન્ડિયા ઑફિસ, લંડન લઈ જવામાં આવ્યું હતું, જે પાછળથી ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરીના નામે પ્રખ્યાત થયું હતું.

આ ઉપરાંત જામિયા મિલ્લિયા ઇસ્લામિયા – દિલ્હી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને હિંદુસ્તાની પ્રચાર સભા – વર્ધા એ ઉર્દૂના વિકાસમાં મહત્વનો ફાળો આપનાર કેન્દ્રો ગણાય.

એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી

શમશાદ મુસ્તુફાહુસેન ઉરૈઝી

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી