ઉભયલિંગિતા (hermaphroditism) : શુક્રગ્રંથિ તથા અંડગ્રંથિ એમ બંને પ્રકારની જનનગ્રંથિઓની પેશીઓ એકસાથે એક જ વ્યક્તિમાં હોય તેવો વિકાર. ગ્રીક દંતકથાઓમાં આદિપુરુષ હર્મિસ (hermes) અને આદિસ્ત્રી એફ્રોડાઇટ(aphrodite)થી જન્મેલા દેવ હર્મૅફ્રોડિટસ(hermaphroditus)ના નામ પરથી આ વિકારને અંગ્રેજીમાં hermaphroditism કહે છે. આ ગ્રીક દેવનું માથું અને છાતી સ્ત્રી જેવાં હતાં. જ્યારે તેના શરીરનો નીચેનો ભાગ તથા બાહ્ય જનનેન્દ્રિય પુરુષનાં હતાં. આમ તેનામાં બંને લિંગોની લાક્ષણિકતાઓ સમન્વિત હતી. જોકે ઉભયલિંગિતાના દર્દીના શરીરમાં તેવી વિકૃતિઓ હોતી નથી.
ગર્ભાશયાવસ્થાના છઠ્ઠા સપ્તાહ સુધી ગર્ભમાં પુરુષજનનમાર્ગ (wolffian) અને સ્ત્રીજનનમાર્ગ(mullerian)નો સાથે સાથે પ્રારંભિક વિકાસ થાય છે. જો ગર્ભનાં રંગસૂત્રોમાં લિંગસંલગ્ન રંગસૂત્રો XY હોય તો પ્રારંભિક જનનગ્રંથિ(gonad)માંથી શુક્રગ્રંથિ વિકસે છે અને જો તેનાં લિંગસંલગ્ન રંગસૂત્રો XX હોય તો અંડગ્રંથિ વિકસે છે. ગર્ભનું સ્ત્રી તરીકે વિકસવું એ સહજ પ્રક્રિયા છે જ્યારે પુરુષ તરીકે વિકસવું એ એક સક્રિય (active) પ્રક્રિયા છે. સામાન્ય રીતે જે પ્રકારની જનનગ્રંથિ વિકસી હોય તે પ્રકારનો જનનમાર્ગ તથા તે જ પ્રકારનાં બાહ્ય જનનાંગો વિકસે છે. બાહ્ય જનનાંગોના વિકાસમાં વિષમતા ઉદભવે તો બંને ભગોષ્ઠ (labial folds) એકબીજા સાથે ચોંટી જાય, મૂત્રમાર્ગનું મુખ વિષમ સ્થાને થાય અથવા શિશ્નાંકુર (phallus) વિષમ કદનું બને.
સાચી ઉભયલિંગિતા ક્યારેક જ જોવા મળે છે. આ વિકારની વ્યક્તિમાં એક શુક્રગ્રંથિ અને એક અંડગ્રંથિ અથવા બંને જનનગ્રંથિઓમાં શુક્રગ્રંથિ અને અંડગ્રંથિ એમ બંનેની પેશીઓ વિકસે છે. જીવપેશી-પરીક્ષણ(biopsy)થી આ જાણી શકાય છે. વ્યક્તિની જનનગ્રંથિઓ એક જ પ્રકારની નિયમિતરૂપે વિકસી હોય, પરંતુ તેનાં બાહ્ય જનનાંગો બીજા જ લિંગનાં વિકસ્યાં હોય તો તેને છદ્મ (pseudo) ઉભયલિંગિતા કહે છે. પુરુષ-છદ્મ ઉભયલિંગિતાવાળી વ્યક્તિમાં 46 XY – રંગસૂત્રોનું બંધારણ કે મિશ્ર પ્રકારનું રંગસૂત્રોનું બંધારણ, વિકસિત શુક્રગ્રંથિઓ તથા જુદા જુદા પ્રકારનાં બાહ્ય જનનાંગો હોય છે. તેનામાં ગર્ભાશય હોતું નથી. સામાન્યત: તે કૌટુંબિક (familial) વિકાર નથી. જો આ વિકાર કૌટુંબિક રીતે જોવા મળે તો તેને ‘શુક્રગ્રંથિનું નારીકરણ’ (testicular feminisation) કહે છે. અધિવૃક્ક જનનગ્રંથિ સંલક્ષણ(adrenogenital syndrome)ને કારણે 46 XXનું રંગસૂત્રીય બંધારણ ધરાવતી સામાન્ય સ્ત્રીમાં સ્ત્રીછદ્મઉભયલિંગિતા જોવા મળે છે. આ સંલક્ષણમાં કેટલાંક ઉત્સેચકો(enzymes)ની ખામીને કારણે ગર્ભનાં બાહ્ય જનનાંગોનું પુરુષીકરણ (virilization) થાય છે. જો માતાને સગર્ભાવસ્થા સમયે પુરુષોનો અંત:સ્રાવ (એન્ડ્રોજન – androgen) ઔષધરૂપે અપાયો હોય તો પણ આવું બને છે.
ઉભયલિંગી શિશુની જાતિ (લિંગ) નક્કી કરવાનું ડૉક્ટર, નર્સ કે માતાપિતા માટે અઘરું બની જાય છે. રંગસૂત્રોનું બંધારણ જાણીને; જનનગ્રંથિઓ, જનનમાર્ગના અવયવો અને બાહ્ય જનનાંગોનો પ્રકાર નિશ્ચિત કરીને; દ્વૈતીયિક લિંગીય લક્ષણોના વિકાસને નોંધીને; અંત:સ્રાવોનું પ્રમાણ જાણીને; લિંગલક્ષી માનસિક અભિગમ સમજીને તથા ફલિતતા(fertility)ની શક્યતાને આધારે નિદાન અને ચિકિત્સા કરાય છે. વહેલું નિદાન ને ઝડપી સારવાર મહત્વનાં છે. તેમાં શારીરિક તપાસ, માતાપિતાની ઉંમર, વંશાવળીમાં આવા વિકારોનું પ્રમાણ, કુટુંબમાં સગોત્રી (consanguineous) લગ્નની માહિતી, માનવઅંગ પરિમિતિ (arthrometry), હાથપગનું એક્સ-રે ચિત્રણ, શિરામાર્ગી મૂત્રમાર્ગ ચિત્રણ (intravenous pyelography) તથા અલ્ટ્રાસોનોગ્રાફી દ્વારા મૂત્રપિંડ અને પેટમાંનાં અન્ય અવયવો, જેવાં કે અધિવૃક્ક ગ્રંથિ, જનનગ્રંથિ, જનનમાર્ગના અવયવો વગેરેનું નિદર્શન તથા લોહીમાં અંત:સ્રાવનું પ્રમાણ અને રંગસૂત્રોનું બંધારણ નિદાન માટે ઉપયોગી છે. સારવાર માટે બાળકોના નિષ્ણાત સર્જ્યનનો ફાળો મહત્વનો રહે છે. વિષમ જનનાંગોને કાપી કાઢવાની કે તેમની પુનર્રચના કરવાની વિવિધ શસ્ત્રક્રિયાઓ જરૂરી બને છે. પુખ્તવયે ઘણી વખત સ્તનઉચ્છેદન (mastectomy) કે ગર્ભાશયઉચ્છેદન (hysterectomy) આવશ્યક બને છે.
ભરત ત્રિવેદી
શિલીન નં. શુક્લ