ઉભયાવિષ્ટ આયનો

January, 2004

ઉભયાવિષ્ટ આયનો (zwitter ions) : મધ્યસ્થ સમૂહો વડે જોડાયેલ ધન અને ઋણવીજભારી સમૂહયુક્ત અણુ. ગ્લાયસીન (H2NCH2COOH) ઍસિડ માધ્યમમાં ધનભારવાહી આયન H3N+CH2COOH રૂપે, આલ્કલી માધ્યમમાં ઋણભારવાહી આયન H2NCH2COO રૂપે અને મધ્યમ ઍસિડિકતાવાળા માધ્યમમાં ઉભયાવિષ્ટ આયન H3N+CH2COO રૂપે અસ્તિત્વ ધરાવે છે. એમીનો ઍસિડ અને પ્રોટીન 99.9 % ઉભયાવિષ્ટ આયનો તરીકે અસ્તિત્વમાં હોય છે.

મિથાઇલ ઓરેન્જ સૂચકતા અભ્યાસ દરમિયાન કુસ્ટરને આ પ્રકારના અણુના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો હતો. બ્યેરમે, તટસ્થ એલિફેટિક એમીનો ઍસિડ દ્રાવણમાં ઉભયાવિષ્ટ આયનો તરીકે વર્તે છે તેમ શોધી કાઢ્યું. આવા આયનોમાં વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર એક જ અણુમાં હોઈ તેમને દ્વિધ્રુવ-આયન (dipolar-ion) અથવા તેઓ ઍસિડ તેમજ બેઝ સાથે પ્રક્રિયા કરતાં હોઈ તેમને ઉભયધર્મી આયન પણ કહે છે.

ક્ષારની જેમ આવા અણુઓનાં દ્રાવણોનાં ગલનબિંદુ ઊંચાં હોય છે. આ ઉપરાંત તેમના વિયોજન અચળાંક (dissociation constant) ઉપર પરાવૈદ્યુતાંક(dielectric constant)ની અસર, X-કિરણ તથા રામન વર્ણપટના અભ્યાસ ઉપરથી આવા આયનોના અસ્તિત્વની સાબિતી મળે છે. ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ કરતી ‘ફોર્માલ’ અનુમાપન પદ્ધતિ વડે પણ આ પ્રકારના આયનની હાજરી નક્કી કરી શકાય છે. સમવીજવિભવબિન્દુ(isoelectric point)એ તેમના ધનાયન અને ઋણાયનની સાંદ્રતા એકસરખી હોય છે. તેમના સરખા કદને લીધે આ બે આયનોની વાહકતા એકસરખી હોય છે. તેથી ધન અને ઋણ આયનો એકબીજાથી વિરુદ્ધ દિશામાં એકસરખા પ્રમાણમાં સ્થાનાન્તર પામે છે અને ઉભયાવિષ્ટ આયન સમવીજવિભવબિન્દુએ વીજક્ષેત્રમાં સુસ્થિત (stationary) લાગે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ