ઉપાધ્યાય, દીનદયાળ (જ. 25 સપ્ટેમ્બર 1916, ધનકિયા ગામ, રાજસ્થાન, ભારત; અ. 11 ફેબ્રુઆરી 1968, મુગલસરાઈ, ઉત્તરપ્રદેશ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા. પિતા ભગવતીપ્રસાદ. તેમની ખૂબ નાની વયે માતા-પિતાનું અવસાન થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો. અભ્યાસમાં તેઓ ઘણા તેજસ્વી હતા અને હંમેશાં પ્રથમ સ્થાને રહેતા હોવાથી ઘણાં પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ મેળવી શક્યા હતા. કૉલેજશિક્ષણ કાનપુરમાં લીધું. શિક્ષક બનવાની તમામ યોગ્યતા છતાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા. 1942માં કોઈ પણ વ્યવસાયમાં જોડાવાને બદલે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પોતાનું જીવન સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો અને તેનું આજીવન પાલન કર્યું. પ્રારંભે સંઘની કાર્યવિધિની તાલીમ મેળવ્યા બાદ સંઘના પૂરા સમયના કાર્યકર થયા અને તેના પ્રમુખ પ્રચારક પણ બન્યા.
તેમની અસાધારણ કર્તવ્યપરાયણતાથી પ્રભાવિત થઈને શ્યામાપ્રસાદ મુખર્જીએ જણાવેલું કે ‘જો મને બે દીનદયાળ મળ્યા હોત તો હું ભારતવર્ષનું રાજકીય ચિત્ર બદલી નાંખત.’ સંગઠનોનું ઘડતર કરવાની અપાર ક્ષમતા ધરાવનાર દીનદયાળે ક્રમશ: માસિક ‘રાષ્ટ્રધર્મ’, સાપ્તાહિક ‘પાંચજન્ય’ અને દૈનિક ‘સ્વદેશ’નો પ્રારંભ કર્યો હતો. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના સમયે તેઓ ઉત્તરપ્રદેશ શાખાના પ્રથમ મહામંત્રી નિમાયા અને 1952માં પક્ષમાં અખિલ ભારતીય કક્ષાના મહામંત્રી નિમાયા. 15 વર્ષ સુધી તેઓ આ પક્ષના મહામંત્રીના સ્થાને રહ્યા. આ દરમિયાન પક્ષમાં આદર્શ-પ્રેરિત કાર્યકર્તાઓનો ગઢ રચ્યો અને પક્ષનો વૈચારિક ઢાંચો તૈયાર કર્યો.
સમગ્ર ભારતના વ્યાપક સંદર્ભમાં તેમણે ‘એકાત્મ માનવવાદ’- (integral humanism)નું ચિંતન રજૂ કર્યું. તેમાં તેમણે ત્રણ બાબતો પર ભાર મૂક્યો હતો : (1) રાષ્ટ્રહિત સર્વોપરિ રહેવું જોઈએ; (2) વ્યક્તિ અને સમષ્ટિનો મેળ બેસે તેવાં નીતિ અને નિર્ણયો ઘડવાં જોઈએ; (3) રાષ્ટ્રજીવનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય થતો હોવો જોઈએ. આ સંદર્ભમાં તેમણે વિકેન્દ્રિત અને સ્વાવલંબી આર્થિક નીતિની ભલામણ કરી હતી. અલબત્ત, આ આર્થિક નીતિઓમાં ભારતીય જરૂરિયાતો મુજબ આધુનિક ટેક્નૉલોજીનો સ્વીકાર કરવાનો મત તેઓ ધરાવતા હતા. આમ ગ્રામીણ ભારતના સંદર્ભમાં તેઓ રચનાત્મક ર્દષ્ટિકોણ ધરાવતા હતા. અપ્રતિમ સફળતાને વરેલું 1967નું પક્ષનું કાલિકટ અધિવેશન તેમની દૂરંદેશી અને રાજકીય નેતૃત્વશક્તિનું દ્યોતક હતું. 1967માં ઘણાં રાજ્યોમાં કૉંગ્રેસ પરાસ્ત થઈ અને સંયુક્ત સરકારો અસ્તિત્વમાં આવી. આ અરસામાં તેમના ચિંતનના પરિપાકરૂપે ‘‘ધ ટૂ પ્લાન્સ – પ્રૉમિસિઝ ઍન્ડ પ્રોસ્પેક્ટ્સ’ ગ્રંથ પ્રકાશિત થયો હતો.
આ ઉપરાંત રાજકીય કારકિર્દીના પ્રારંભે તેમણે ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ અને ‘જગદગુરુ શંકરાચાર્ય’ વિશે પુસ્તકો લખ્યાં હતાં.
રેલપ્રવાસ દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. સામ્યવાદી નેતા હિરેન મુખરજીએ તેમને ‘અજાતશત્રુ’ તરીકે ઓળખાવ્યા હતા.
રક્ષા મ. વ્યાસ