ઉપાધ્યાય, પુરુષોત્તમ

January, 2004

ઉપાધ્યાય, પુરુષોત્તમ (જ. 15 ઑગસ્ટ 1934, ઉત્તરસંડા, જિલ્લો ખેડા, ગુજરાત) : ગુજરાતી સુગમ સંગીતના અગ્રણી ગાયક તથા સંગીતદિગ્દર્શક. નાનપણથી સંગીત સાંભળવાનો તો શોખ હતો જ તેમાં ગાવાના શોખનો ઉમેરો થયો. શાલેય શિક્ષણ દરમિયાન ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. ભણવા કરતાં સંગીતમાં એટલો બધો રસ જાગ્યો કે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કારકિર્દી ઘડવા માટે વતન છોડીને મુંબઈ જતા રહ્યા; પરંતુ ત્યાં અપેક્ષા મુજબનું પ્રોત્સાહન ન મળતાં ફરી વતન તરફ મીટ માંડી. તેમણે નાટક-કંપનીઓમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવવાની શરૂઆત કરી. જોગાનુજોગ ગુજરાતી રંગમંચના જાણીતા અભિનેતા અશરફખાનની હાજરીમાં નૂરજહાંએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી અને આ મુલાકાતથી પુરુષોત્તમ ઉપાધ્યાયના જીવનમાં નવો વળાંક આવ્યો. થોડા સમય બાદ તેઓ ફરીથી મુંબઈ ગયા. ત્યાં નાનુંમોટું કામ મળવા લાગ્યું. નસીબની બલિહારી કે તે જમાનાના વિખ્યાત કલાકારો અમીરબાઈ કર્ણાટકી, તબલાનવાજ ઉસ્તાદ અલ્લારખાંસાહેબ, વિખ્યાત ગુજરાતી ગાયક અને સ્વરકાર દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ જેવાના અંગત પરિચયમાં તેઓ આવ્યા. માસ્ટર અશરફખાનની ભલામણથી આકાશવાણી, મુંબઈ કેન્દ્ર પર ગાવાનો કરાર કર્યો. આ ઉપરાંત, મુંબઈની જાણીતી શિક્ષણ-સંસ્થા ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસની રાહબરી હેઠળ સંગીત-કાર્યક્રમોનું સંચાલન કરવાની તક મળી. સાથોસાથ પોતાની સંગીતકલાને વધુ ધારદાર અને શાસ્ત્રશુદ્ધ બનાવવાના હેતુથી ઉસ્તાદ નવરંગ નાગપુરકર પાસેથી શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાની શરૂઆત કરી. અવિનાશ વ્યાસ જ્યારે જ્યારે પરદેશ જતા ત્યારે ત્યારે તેમના ભારતીય વિદ્યાભવનના સંગીતના વર્ગોનું સંચાલન કરવાની તક પુરુષોત્તમભાઈને મળવા લાગી. સમયાંતરે તેમના ગુજરાતી સુગમ સંગીતના સ્વતંત્ર એકલ કાર્યક્રમો ઠેર ઠેર દેશવિદેશમાં આયોજિત થવા લાગ્યા. તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ ખ્યાતિ ધરાવે છે. ચલચિત્રજગતની સુવિખ્યાત સ્વરનિયોજક બેલડી કલ્યાણજી–આણંદજીની સંગતમાં પુરુષોત્તમ ઉપાધ્યાય પણ સ્વરનિયોજન કરવા લાગ્યા. તેમના સ્વરનિયોજન હેઠળ દેશના સુવિખ્યાત પાર્શ્વગાયકો સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા પ્રથમ પંક્તિનાં ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે. ગુજરાતી સુગમ સંગીતમાં પુરુષોત્તમભાઈના સ્વરનિયોજન હેઠળ જે કલાકારોએ પોતાનો કંઠ આપ્યો છે તેમાં હંસા દવે અગ્રક્રમ ધરાવે છે.

પુરુષોત્તમ ઉપાધ્યાય

ગુજરાતી સુગમ સંગીતની ઊગતી પેઢી પુરુષોત્તમ ઉપાધ્યાયને અનૌપચારિક રીતે પોતાના ગુરુસ્થાને (Role Model) મૂકે છે.

ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માન્યા છે.

તેમને 2017માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે