કોરોના વિષાણુ (વાઇરસ) : કોરોના વિષાણુઓ આરએનએ વાઇરસ જૂથના છે. તેની દેહરચનાને આધારે આ નામ આપવામાં આવ્યું છે. રોમની પ્રાચીન ભાષા-લૅટિનમાં કોરોના એટલે મુકુટ અથવા ગજરો થાય છે. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ 1968માં થયો હતો. ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપથી જોતાં તેના દેહ પર નાની નાની કલગીઓ દેખાઈ હતી જે સૂર્યના આભામંડળ(કોરોના)ને મળતી આવે છે. વાઇરસના નામકરણની આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા આ નામ 1971માં સ્વીકારવામાં આવ્યું હતું. વાઇરસના ગુણધર્મોમાં પરિવર્તન (મ્યુટેશન) થતાં તેનાં વિવિધ પેટા જૂથો અસ્તિત્વમાં આવ્યાં જે બધા જ કોરોનાવાઇરસ તરીકે ઓળખાય છે. 2009માં ચાર પેટા કોરોનાવાઇરસ – આલ્ફા, બીટા, ડેલ્ટા અને ગેમા – પેટા ગ્રૂપ હતાં જે 2020માં 45 થઈ ગયા. ડિસેમ્બર 19 પછી કોરોનાવાઇરસના સંક્રમણને લીધે ફેલાયેલી વૈશ્વિક મહામારી દરમ્યાન જાન્યુઆરી 2022 સુધી ઉદભવેલા કોરોનાવાઇરસના પેટાજૂથો સાથેના કોઠામાં દર્શાવ્યા છે. દરેક પરિવર્તિત વાઇરસના ગુણધર્મો થોડા અલગ અલગ હોય છે જેમ કે ડેલ્ટાકોરોનાવાયરસ તેના પુરોગામી કરતાં વધુ પ્રાણઘાતક છે જયારે ઓમિક્રોનકોરોનાવાઇરસ ઓછો પ્રાણઘાતક પણ ઝડપથી સંક્રમણ ફેલાવે છે
સામાન્ય ઓળખ
(જૂથ-પેટા જૂથ) |
શાસ્ત્રોક્ત ઓળખ | પ્રથમ દેખાયો | પ્રથમ દેખાયાનો મહિનો | અધિકૃત ઓળખ |
કોરોના વાયરસ | SARS-CoV-2* | ચીન | ડિસેમ્બર 2019 | 11 ફેબ્રુઆરી 2020 |
આલ્ફા… | B.1.1.7 | યુ.કે. | સપ્ટેમ્બર 2020 | 18 ડિસેમ્બર 2020 |
બીટા… | B.1.351 | દક્ષિણ આફ્રિકા | મે 2020 | 18 ડિસેમ્બર 2020 |
ગેમા… | P.1 | બ્રાઝિલ | નવેમ્બર 2020 | 11 જાન્યુઆરી 2021 |
ડેલ્ટા… | B.1.617.2 | ભારત | ઓકટોબર 2020 | 4 એપ્રિલ 2021 |
ઓમિક્રોન… | B.1.529 | વિવિધ દેશો | નવેમ્બર 2020 | 24 નવેમ્બર 2021 |
લેમડા… | C.37 | પેરુ | ડિસેમ્બર 2020 | 14 જુન 2021 |
મ્યુ… (Mu) | B.1.621 | કોલંબિયા | જાન્યુઆરી 2021 | 30 ઓગસ્ટ 2021 |
—- | B.1.318 | વિવિધ દેશો | જાન્યુઆરી 2021 | 2 જાન્યુઆરી 2021 |
—- | C.1.2 | દક્ષિણ આફ્રિકા | મે 2021 | 1 સપ્ટેમ્બર 2021 |
—- | B.1.640 | વિવિધ દેશો | સપ્ટેમ્બર 2021 | 22 નવેમ્બર 2021 |
· Severe Acute Respiratory Syndrome CoronaVirus 2 |
કોરોનાવાઇરસના સંક્રમણથી સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ રોગિષ્ટ બને છે. માનવીઓ અને પક્ષીઓમાં શ્વસનતંત્રનો રોગ થાય છે જે ક્યારેક પ્રાણઘાતક બને છે. તેના સંક્રમણથી સાર્સ (SARS), મેર્સ (MERS) અને કોવિડ-19 જીવલેણ રોગચાળો ફેલાયો. પ્રાણીઓમાં કોરોનાવાઇરસનું સંક્રમણ 1920 અને માનવીઓમાં 1960માં સૌ પ્રથમ વખત જોવા મળ્યું હતું.
દડા જેવા કોરોનાવાઇરસ કણનો સરેરાશ વ્યાસ 80થી 120 નેનોમીટર હોય છે. તેનું કદ બદલાતું રહે છે. તેનું સરેરાશ દળ 40000 kDa (કિલોડાલ્ટન – 1 Da=1.66×10-27Kg) છે. તેની ઉપર કેટલાક પ્રોટીનોનું આવરણ હોય છે. જયારે વાઇરસ યજમાન કોષની બહાર હોય ત્યારે આ આવરણ તેનું રક્ષણ કરે છે. વાઇરસનું આવરણ દ્વિસ્તરીય લિપિડ(પાણીમાં અદ્રાવ્ય પદાર્થ)નું બનેલું હોય છે. જેમાં આવેલી કલગીનું (spikes) S-પ્રોટીન અને યજમાન કોષ અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. પરંતુ માનવીય કોરોનાવાઇરસ NL63 (આલ્ફાકોરોનાવાઇરસનો એક પ્રકાર) આવરણમાં રહેલી આંતરત્વચા(Membrane)ના M-પ્રોટીનથી યજમાન કોષ સાથે હાથ મેળવે છે. આવરણના E-પ્રોટીનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. કોરોનાવાઇરસના આવરણ પર આવેલી સરેરાશ 74 કલગીઓથી તેનો દેખાવ વિશિષ્ટ બને છે. દરેક કલગીની લંબાઈ 5 નેનોમીટર જેટલી હોય છે. આવરણની અંદર એકલ-સેર (single stranded) RNA વંશસૂત્રો હોય છે.
કલગીના પ્રોટીનનું જોડાણ જ્યારે યજમાન કોષના તેને અનુકૂળ દ્રવ્ય સાથે થાય છે ત્યારે સંક્રમણની શરૂઆત થાય છે. બન્નેના જોડાણ પછી યજમાન કોષના ઉત્સેચકો (enzyme) ચીરો પાડીને કલગીના પ્રોટીન માટે સક્રિય બને છે. યજમાન કોષના ઉત્સેચકોના પ્રમાણ પર ચીરાની અને સક્રિયતાની માત્રા અવલંબે છે જે વાઇરસને અંદર પ્રવેશ આપે છે. યજમાન કોષની અંદર પ્રવેશ્યા પછી વંશસૂત્રોનું આવરણ દૂર થાય છે અને તે કોષરસમાં (cytoplasm) પ્રવેશ કરે છે. યજમાન કોષ વાઇરસના વંશસૂત્રોની નકલો તૈયાર કરવા માંડે છે. યજમાન કોષમાં જો બે વાઇરસના વંશસૂત્રો હોય તો તેમાંથી સંકર વંશસૂત્રો બનાવવાની તે ક્ષમતા ધરાવે છે. એક સંક્રમિત યજમાન કોષ તેની આજુબાજુના યજમાન કોષોને પણ સંક્રમિત કરવા લાગે છે. વાઇરસના વંશસૂત્રોની નકલોથી યજમાન કોષ સંપૂર્ણ ભરાઈ જાય પછી તે યજમાન કોષની બહાર નીકળી જાય છે. તે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રસરે છે તેમજ તે વાતાવરણમાં પણ પ્રસરે છે. પ્રાણીઓની રોગપ્રતિકારક શક્તિ વાયરસ આક્રમણનો પ્રતિકાર કરે છે. માનવીમાં કોરોનાવાઇરસ શ્વસનતંત્રને સંક્રમિત કરતો હોવાથી ઉચ્છશ્વાસ, છીંક, ઉધરસ જેવી ક્રિયાથી તે ચેપ ફેલાવે છે. 2019થી 2022 દરમ્યાન આ ચેપે વૈશ્વિક મહામારીનું રૂપ લીધું.
ચિંતન ભટ્ટ