કોરોમંડલ : કૃષ્ણા નદીના મુખથી (15°-47′ ઉ. અ. અને 80° 47′ પૂ. રે.) કેલ્લીમેડ ભૂશિર સુધી (10°-17′ ઉ. અ. અને 79° 50′ પૂ. રે.) આવેલો ભારતનો પૂર્વકિનારાનો પ્રદેશ.

તેની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે પૂર્વઘાટ, દક્ષિણે કાવેરીનો ત્રિકોણાકાર પ્રદેશ અને ઉત્તરે ઓડિસાનું મેદાન છે. સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ 22,800 ચોકિમી. છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 750 કિમી. છે. તેનો તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સમાવેશ થાય છે.

કોરોમંડલનો કિનારો સીધો અને ખાંચાખૂંચી વગરનો હોવાથી આ કિનારે એક પણ કુદરતી બંદર આવેલું નથી. નાગપત્તિનમ, પોંડિચેરી અને ચેન્નાઈ બૅકવૉટરથી રક્ષિત કૃત્રિમ બંદરો છે. સમુદ્રકિનારે ખારો પાટ અને કળણો આવેલાં છે.

આ પ્રદેશનું હવામાન ગરમ છે. મેથી ઑક્ટોબર સુધી રાત્રિ શીતળ રહે છે. વરસાદનું પ્રમાણ 750થી 1000 મિમી. છે. અહીં અવારનવાર આવતાં વાવાઝોડાં પૂર્વકિનારે વિનાશ વેરે છે.

કૃષ્ણા, કાવેરી, પોન્નાઇય્યાર, પેનાર, પાલટ, પંબન, વેલૂર વગેરે નદીઓએ સમુદ્રમાં કાંપ ઠાલવી ત્રિકોણાકાર પ્રદેશ બનાવ્યો છે, જે ખૂબ ફળદ્રૂપ છે. સિંચાઈની મદદથી બેથી ત્રણ પાકો લઈ શકાય છે.

પૂર્વઘાટના પર્વતો ઉપર ચોમાસાની આબોહવાવાળા પ્રદેશના પર્ણપાતી પ્રકારનાં વૃક્ષો તથા કાંટાવાળાં વૃક્ષો વિશેષ જોવા મળે છે. ડાંગર, મગફળી, બાજરી, કપાસ, તમાકુ, શેરડી, તલ વગેરે મુખ્ય પાકો છે. કિનારાના પ્રદેશમાં નારિયેળી, સોપારી વગેરેનાં વૃક્ષો જોવા મળે છે.

અહીં લિગ્નાઇટ તરીકે ઓળખાતો હલકી જાતનો કોલસો નેવેલી નજીક પુષ્કળ પ્રમાણમાં નીકળે છે. તેનો ઉપયોગ વીજળીના ઉત્પાદન માટે કરાય છે. કલ્પકમ નજીક અણુવિદ્યુતમથક છે. કિનારાના પ્રદેશમાં મીઠાનું ઉત્પાદન થાય છે.

ખાતર, રસાયણ, મોટર, ટૅંકો અને બખ્તરિયા ગાડી વગેરે બનાવવાનો ભારે ઇજનેરી ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ચામડાનો સામાન બનાવવાનો ઉદ્યોગ, તેલ અને ચોખાની મિલો વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. દરિયાકિનારા નજીક મચ્છીમારીનો ઉદ્યોગ વિકસ્યો છે.

કૉલકાતાથી રામેશ્વર સુધી જતો ધોરી માર્ગ તથા રેલમાર્ગ દરિયાકિનારાની સમાંતરે આવેલો છે.

આ વિસ્તારનાં બંદરો, શહેરો ઉપરાંત કડલોર, ચિદમ્બરમ્, પોર્ટોનોવો, ચિંગલપુટ, નેલોર, ઓંગોલ વગેરે મોટાં શહેરો આવ્યાં છે. મહાબલિપુરમ્, મમલાપુરમ્, ચિદમ્બરમ્ વગેરે સ્થળોએ દ્રવિડી શૈલીનાં ગોપુરમવાળાં જગપ્રસિદ્ધ મંદિરો આવેલાં છે. ઈસવી સનની શરૂઆતથી આ પ્રદેશનો રોમ સાથે વેપાર હતો અને પોંડિચેરી નજીક અરિકેમેડુમાંથી મદ્યપાત્ર (ઍમ્ફોરા) વગેરે ઘણા અવશેષો મળ્યા છે. પાંડ્ય અને ચોલ રાજાઓના દરિયાપારનાં દક્ષિણ એશિયાનાં રાજ્યો સાથે ઘનિષ્ઠ વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો હતા.

ચૌલ વંશના રાજાઓના શાસન દરમિયાન આ પ્રદેશ તેમના આધિપત્ય નીચે હતો. તેથી તે ચોલમંડલમ્ તરીકે જાણીતો હતો. તેનું અપભ્રંશ રૂપ કોરોમંડલ છે.

શિવપ્રસાદ રાજગોર