કોરોનાગ્રાફ : સૂર્યના આવરણના અભ્યાસ માટેનું દૂરબીન. સૂર્યનું વાતાવરણ ત્રણ જુદાં જુદાં આવરણોનું બનેલું છે : (1) પ્રકાશ આવરણ, (2) રંગાવરણ અને (3) કિરીટાવરણ. આ આવરણોનો અભ્યાસ મોટે ભાગે પૂર્ણ સૂર્યગ્રહણ સમયે થતો આવ્યો છે, પણ સૂર્યનું પૂર્ણ ગ્રહણ બહુ જ ઓછી મિનિટો (સામાન્ય રીતે દોઢથી બે મિનિટ) ટકતું હોય છે. સૂર્યના પૂર્ણ ગ્રહણના સમય સિવાયના બીજા સમયે ઉક્ત આવરણોનો તેમજ સૂર્યમાંથી અવકાશમાં ફંગોળાતા અગ્નિપિંડો(prominences)નો પણ અભ્યાસ થઈ શકે એ હેતુથી પ્રેરાઈ બી લીઓટ નામના ફ્રેન્ચ ખગોળશાસ્ત્રીએ ઈ. સ. 1930માં કોરોનાગ્રાફ દૂરબીનની રચના કરી હતી.

કોરોનાગ્રાફમાં રાખવામાં આવતી એક કાળી પ્લેટની મદદથી સૂર્યબિંબને ઢાંકી, કેવળ તેમાં આવરણોના પ્રકાશને પ્રવેશવા દઈ, દૂરબીનના બીજે છેડે રાખેલા કૅમેરા યા સ્પેક્ટોગ્રાફ પર તેને ઝીલવામાં આવે છે.

કોરોનાગ્રાફની કાર્યક્ષમતા દૂરબીનની નળીના અંદરના ભાગની એકદમ સંપૂર્ણ કાળાશ પર તેમજ દૂરબીનમાં વપરાતા લેન્સ વગેરેની ઊંચી ગુણવત્તા પર આધાર રાખે છે.

છોટુભાઈ સુથાર