હેરમ્બ : ગણપતિનું એક વિશિષ્ટ મૂર્તિસ્વરૂપ. વિઘ્નેશ્વર ગણપતિની અન્ય આકૃતિઓ કરતાં હેરમ્બની આકૃતિ ઘણી ભિન્ન હોય છે. એમાં પાંચ ગજ-મસ્તક હોય છે. ચાર મસ્તક ચાર દિશામાં અને પાંચમું મસ્તક ચાર મસ્તકના માથા ઉપર હોય છે, જેના દ્વારા ઊર્ધ્વદર્શન થઈ શકે છે. શક્તિશાળી સિંહ તેમનું વાહન છે. તેમના હાથમાં પાશ, દંત, અક્ષમાલા, પરશુ અને ત્રણ પાંખાળો મુગદર હોય છે તેમજ હાથમાં મોદક અને બાકીના બે હસ્ત વરદ અને અભય મુદ્રામાં હોય છે. હેરમ્બનો વર્ણ સુવર્ણ જેવો પીળો કરવામાં આવે છે.
પ્રવીણચંદ્ર પરીખ