સુંદરદાસ (જ. ઈ. સ. 1596 ધૌસા (જયપુર) અ. ઈ. સ. 1689 સાંગાનેર, રાજસ્થાન) : દાદૂ દયાળના મુખ્ય શિષ્ય, નિર્ગુણી સંત કવિ. તેમનો જન્મ જયપુરની જૂની રાજધાની ધૌસમાં એક ખંડેલવાલ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેઓ 6-7 વર્ષની નાની વયે દાદૂ દયાળની શરણમાં આવ્યા હતા. તેમના રૂપથી પ્રભાવિત થઈને દાદૂએ તેમને સુંદર નામ આપ્યું હતું. 11 વર્ષની વયે કાશીમાં વિદ્યાભ્યાસ માટે ગયા. ત્યાં 18 વર્ષની અવસ્થા સુધી સંસ્કૃત વિદ્યા – ખાસ કરીને સાહિત્ય, વેદાંત અને વ્યાકરણનો ગહન અભ્યાસ કર્યો. ત્યાર પછી ફતેહપુર- (શેખાવટી)માં આવી રહ્યા અને 12 વર્ષ સુધી કઠોર સાધના કરી નિરંતર યોગાભ્યાસ કર્યો. ત્યારબાદ દાદૂમતના પ્રચારાર્થે પંજાબ અને રાજસ્થાન તેમજ અન્ય ઘણાં સ્થળોએ પર્યટન કર્યું. ફતેહપુરના મુકામ દરમિયાન ત્યાંના નવાબ અલિફખાં સાથે મૈત્રી થઈ। સુંદરદાસ સમર્થ સાધક હોવા ઉપરાંત સંત કવિ હતા. તેમની 42 રચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં ‘જ્ઞાનસમુદ્ર’, ‘સુંદરવિલાસ’, ‘સર્વાંગયોગ’, ‘પ્રદીપિકા’, ‘પંચેન્દ્રિયચરિત’, ‘વેદવિચાર’, ‘ઉક્ત-અનૂપ’, ‘પંચપ્રભાવ’, ‘જ્ઞાનઝૂલ’ના વગેરે મુખ્ય કૃતિઓ છે. સુંદરદાસે ભારતીય દર્શનના બધા આયામોને સ્પર્શ કરી હિંદી ભાષામાં એને પ્રસ્તુત કર્યો છે. તેઓ પોતે યોગમાર્ગના સમર્થક અને અદ્વૈત વેદાંત પર પૂર્ણ આસ્થા ધરાવતા સંત હતા. એમની રચનાઓ સંતકાવ્યના શાસ્ત્રીય સંસ્કરણ જેવી પ્રતીત થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ